નિતાંતરીત: નીતા દવે
ધારેલી સિધ્ધિઓ અને કરેલી ઈચ્છાઓ સમય પર કદાચ ફળીભુત ન થાય, પરંતુ કર્મ બીજ સ્વરૂપે વાવેલી ક્ષણ સમયના કોઈ પળમાં અંકુરિત ચોક્કસ થતી રહે છે
- Advertisement -
આપણે દરરોજ આસપાસ ઘણા બધા એવા લોકોને મળીએ છીએ.જે હંમેશા પોતાનાં જીવનને લઈને કંઈ ને કંઈ ફરિયાદો કરતા જ રહેતા હોય છે. જીવનના કેટલાય તબક્કાને પાર કર્યા પછી પણ જીવનને માણ્યાનો કે સંતોષ મેળવવાનો આનંદ જીવી શકતા નથી. છતાં ક્યાંકને ક્યાંક તેની અંદર જીવન જીવવાની જીજીવિષા મૃત્યુ પામતી નથી.એ બાબત સ્પષ્ટ કરે છે કે, જીવનની નકારાત્મક બાજુઓના વર્ણન કરતાં અને તેમાં રચ્યા પચ્યા રહેતાં લોકો જિંદગીથી થાકેલા હારેલા અને ત્રસ્ત થઈ ગયેલા લોકો પણ જીવનથી છુટકારો તો ઈચ્છતા જ નથી..! જીવન અનેકવિધ વિકલ્પો થી ભરેલું છે.ઉંમરના દરેક તબક્કા પર આવતા વળાંક ઉપર જિંદગી વૈકલ્પિક પસંદગીઓ આપતી હોય છે.તેમાંથી જે વિકલ્પને પસંદ કરવામાં આવે તેવા પરીણામ સ્વરૂપ જીવન બને છે અને તે નિર્ણય દ્વારા એ વ્યક્તિના ભવિષ્યનું નિર્માણ પણ થતું હોય છે. દરેક જીવન અનેક સંઘર્ષો અને સમાયોજન નો પર્યાય હોય છે. કોઈપણ વ્યક્તિ જીવનમાં સંપૂર્ણ સુખી હોય તેવું ક્યારેય જોવા સાંભળવા કે જાણવા મળ્યું નથી. કારણ કે ઈશ્વરે સુખનો ખ્યાલ ભ્રામક રાખેલો છે. દરેક વ્યક્તિની સુખની વ્યાખ્યા પણ અલગ અલગ હોય છે. કેટલીક વ્યક્તિઓને ભૌતિક સંપત્તિમાં સુખ હોય, તો કેટલાકને પ્રતિષ્ઠા મોભો અને દેખાડાની દુનિયામાં સુખ મળતું હોય, તો કેટલાક લોકો પોતાના અંગત લોકોની ખુશીમાંથી સુખ મેળવતા હોયછે..!તો વળી કેટલાક ઈશ્વરને પ્રાપ્ત કરવાનાં માર્ગ પર ચાલી અને જીવનમાં સુખી થવાનો પ્રયત્ન કરતા રહેતા હોય છે. અંતત: જોઈએ તો દરેક જીવન યાત્રા સુખ મેળવવા પાછળની આંધળી દોડ હોય છે. પરંતુ ખરા અર્થમાં જોઈએ તો સુખનું અસ્તિત્વ ભૌતિક દુનિયા સાથે જોડાયેલું હોતું જ નથી.
મનુષ્ય જીવનનું પણ કંઈક આવું જ છે.
મનુષ્ય જીવનની એક વિટંબણા છે કે, તે મેળવ્યા કરતા ગુમાવ્યાનો અફસોસ જીવન પર્યંત કરતો રહે છે.જે તે સમયે પરિસ્થિતિની માંગ પ્રમાણે લેવાયેલો નિર્ણય દુ:ખ નું કારણ બની શકે એવું પણ બને..!સમય જતાં કટોકટીના સમયે અનેક વિકલ્પોમાંથી પસંદ કરાયેલો વિકલ્પ ભવિષ્યમાં ખોટો લાગે તેવું પણ બને..! પરંતુ સમય ક્યારેય પણ એક જગ્યા ઉપર ઉભો રહેતો નથી. સમયના ચાલતા વ્યક્તિનાં જીવન વિશેનાં અનુભવો, સમજણ, અને પરિસ્થિતિમાં પણ સતત પરિવર્તન આવતું રહે છે.આથી ભૂતકાળની ભૂતાવળ માંથી ‘જો’ અને ‘તો’નાં તર્ક જન્મ લેતા હોય છે.
પરંતુ જીવનનાં દરેક ગણિતના દાખલાનો જવાબ મેળવી શકાતો નથી.
સમય હંમેશા સરપ્રાઈઝથી ભરેલ હોય છે.દરરોજ નવો દિવસ અને નવી ક્ષણ નવીન અનુભવો લઈને આવતી હોય છે. તેમાંથી કેટલાક મીઠા તો કેટલાક કડવા અનુભવો પણ થતા હોય છે.ક્યારેક કોઈ સાવ અજાણી વ્યક્તિનું ઓચિંતુ મળવું અને બહુ ખાસ થઈ જવું..તો ક્યારેક સાવ અંગત વ્યક્તિનાં વ્યવહાર નાં અજાણ્યા પણા ને જીરવવું..!કોઈનું સાવ નજીક આવી દૂર થઈ જવું તો.. કોઈનું જોજોનો દૂર હોવા છતાં સામીપ્ય નું અનુભવવું..ક્યારેક કોઈ અંગતનાં છોડી જવાની પીડા..તો ક્યારેક નવા આગંતુકોના ઓવારણાંને વધાવતો દિવસ ઉગતો હોય છે.બહુવિધ રંગીન વિકલ્પો વાળું જીવન ક્યારેક આનંદની છોડો ઉડાડી દે છે તો ક્યારેક ઉદાસીનતાના કાળા વાદળો ઘેરાય આવે છે. પરંતુ જીવનના આ ઘટનાક્રમમાં માનવી સામે દરરોજ એક નવો સંઘર્ષ હોય છે. દરરોજ કોઈ એકને પામ્યાની ખુશી અને કંઈક ગુમાવ્યાનો અફસોસ હોય છે. ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિના જવાથી જીવન ઊભું નથી રહી જતું. જીવંતતા તેના નક્કી કરેલા માર્ગ પર સતત ધીમી ચાલે આગળ વધતી રહે છે. પરંતુ જેટલું સરળ અને સહજ લાગતું જીવન એટલું સ્વાભાવિક રીતે પસાર કરી શકાતું નથી. અચાનક કોઈ અંગતની વિદાય દૈનિક કાર્યસૂચીમાં સ્વીકારી શકાય.પરંતુ મનથીએ ખાલી જગ્યાઓ ફરી થી ભરી શકાતી નથી. જીવનમાં શૂન્યાવકાશ સર્જાયા પછી દિશાઓ શૂન્ય ભસે છે. અસહ્ય આંતરિક પીડાઓ થતી હોવા છતાં..જીવનનું અંતિમ સત્ય જાણ્યા પછી પણ વ્યક્તિ જીવે જ છે..! કેમ કે, જીવનનો વિકલ્પ નથી. ક્યારેક સમય મલમનું કામ કરે છે તો કયારેક મીઠાનું પણ.!વ્યક્તિ પાસે પોતાનું જીવન જીવવાના પોતાના સ્વપ્નાઓને પૂરા કરવાના અને પોતે ધારેલા લક્ષ્યાંકોને સફળતાપૂર્વક સિદ્ધ કરવાના અનેકવિધ વિકલ્પો મળી રહે છે. જેની પાછળ આજીવન દોડ લગાવતા હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિ હતાશ કે નિરાશ થઈ અને આત્મધાતી વિચારો તરફ દોરવાય અને કદાચ કર્મવશાત્ અયોગ્ય વિકલ્પ પસંદ કરી અને જીવનને પૂર્ણાહુતિ તરફ લઈ જાય છતાં પણ જીવનનો અંત ક્યાં થાય છે..? જીવન તો નિરંતર છે સતત ને સતત ચાલતું નિર્વિકલ્પ..! કાળનાં સમયચક્રમાં અનંત કાળથી આવાગમન કરતા અનેક જીવ દરરોજ પૃથ્વી પર આવે છે પોતાની યાત્રા કરે છે અને અંતે ફરીથી પુનરપિ જનનં પુનરપિ મરણં, પુનરપિ જનની જઠરે શયનમ્..! અગણિત ફરિયાદો અને અઢળક અધૂરા સપનાઓ વચ્ચે જીવાતી જિંદગીની એક અદભુત ખૂબી એ પણ છે કે જીવન ગમે તેવું હોય એ સતત વિતતું રહે છે. સમય ગમે તેવો હોય ધીમે ધીમે પસાર થતો જ રહે છે. ધારેલી સિધ્ધિઓ અને કરેલી ઈચ્છાઓ સમય પર કદાચ ફળીભુત ન થાય, પરંતુ કર્મ બીજ સ્વરૂપે વાવેલી ક્ષણ સમયના કોઈ પળમાં અંકુરિત ચોક્કસ થતી રહે છે અને સમય પાકતા પૂર્ણ બીજ સ્વરૂપે જીવન માં એ સાક્ષાત્કાર સ્વરૂપે સ્પષ્ટ થતું હોય છે. માનવ જીવનની વિકાસયાત્રા કદાચ બ્રહ્માંડનાં સત્યો જેટલી પૌરાણિક હશે. આ વિકાસ યાત્રામાં ઘણી બધી શોધ અને અનેકાનેક આવિષ્કારો કરનાર માનવી સમયના ચક્રને રોકવાનું શક્ય બનાવી શક્યો નથી,જીવનને ફ્લેશ બેકમાં જીવવાની વિદ્યા શીખી શક્યો નથી કે, કાળના ગર્ભમાં છુપાયેલા સચોટ ભવિષ્યને જાણી શકવાનું સામર્થ્ય કેળવી શક્યો નથી. આથી એવું કહી શકાય કે સમય અને માનવ જીવન એક સિક્કાની બે બાજુઓ છે. જે પરસ્પર અતુટ રીતે જોડાયેલા છે. બદલતા સમયના રંગો સાથે જીવન ભલે ગમે તે ચડાવ ઉતાર માંથી પસાર થતું રહે પરંતુ વહેતું રહેવું એ સમયની જેમ જીવનનો પણ ક્રમ છેઅને એ ક્રમ મેળવી નિર્વિકલ્પ છે. ગુજરાતી સાહિત્ય નાં પ્રખ્યાત ગઝલકાર શ્રી અમૃત ઘાયલ સાહેબની ગઝલની કેટલીક પંક્તિઓ છે કે
સમય જાતા બધું સહેવા હૃદય ટેવાઈ જાય છે,
ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાય છે..!