ખેતરમાં ઢોર ચરાવવા મુદ્દેે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
આ કેસની હકીકત એવી છે કે તા.25 /10/2017 ના રોજ રાત્રીના સમયે વિંછીયાના પાટીયાળી ગામે ચરતા ઢોરને પોતાના ખેતરમાંથી બહાર કાઢવા બાબતે થયેલ ઝઘડામાં હત્યા થઈ હતી. જે ગુનામાં એક જ કુટુંબના ત્રણ આરોપીને રાજકોટના અધિક સેશન્સ જજ બી.બી. જાદવે આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસની વિગત મુજબ, આરોપી વાલજી રણછોડ તાવીયા (ઉ.વ. 48) ભના ઉર્ફે કાળુ રણછોડ તાવીયા (ઉ.વ.43) અને હરેશ વાલજી તાવીયા (ઉ.વ.24)એ વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે રહેતા ફરીયાદી રાજેશ ઓઘાભાઈ તાવિયાના ખેતરમાં પોતાના ઢોર ચરવા માટે છુટા મુકી દીધેલ હતા.
- Advertisement -
આ સમયે ફરીયાદી અને તેના કુટુંબીએ આ ઢોરોને પોતાના ખેતરમાંથી બહાર કાઢેલ હતા. આ બાબતનો ખાર રાખી ત્રણેય આરોપીઓએ રાત્રીના સમયે ઓથાભાઈ જેમાભાઈ તાવિયાનું હથિયારોથી ઈજાઓ કરી મૃત્યુ નિપજાવેલ અને તેમની સાથેના તેમના દીકરા રાજેશ ઓઘાભાઈ તાવીયા અને જમાઈ ભાવેશ ધનજીભાઈ કટારીયાને લોખંડના પાઈપ તથા કુહાડા વડે ગંભીર ઈજાઓ પહોંચાડેલ હતી. આ બનાવ બનતા ત્રણેય આરોપીઓ સામેની પોલીસ ફરીયાદ બાદ તપાસનીશ અમલદારે ચાર્જશીટ રજુ કરેલ હતુ. આ કેસ ચાલતા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરેલ હતી કે, આ બનાવનું કારણ ફરીયાદીના ખેતરમાં આરોપીઓએ પોતાના ઢોરને ચરવા માટે ખુલ્લા મુકી દીધેલ હોવાનું છે.
આ બનાવ જે દિવસે બનેલ તે દિવસે રાત્રીના સમયે ફરીયાદ પક્ષના ત્રણ શખ્સો ઉપર ત્રણેય આરોપીઓએ હુમલો કરેલ હોય ત્યારે આરોપીઓની ગુનાહીત માનસીકતા સ્પષ્ટ જણાય આવે છે. ફરીયાદ પક્ષના એક વ્યકિતની હત્યા અને બે વ્યકિતઓને ગંભીર ઈજા સાબીત કરે છે કે આ ત્રણેય શખ્સો ઉપર એકથી વધારે વ્યક્તિઓએ હુમલો કરેલ છે આ રીતે આરોપીઓ પોતે નિર્દોષ હોવાનું સાબીત કરવાના બદલે પ્રોસીકયુશનના કેસમાં ખામીઓ ગોતી પોતે લાભ લેવા માગે છે. વૈજ્ઞાનિક પુરાવા તથા કેસની હકીકતો જોતા ત્રણમાંથી જો કોઈ આરોપી બનાવ સમયે હાજર ન હોય તો તેવા આરોપીએ પોતાનો બચાવ અલગ જ પ્રકારે કરવો જોઈએ. આમ કરવાના બદલે ત્રણેય આરોપીઓએ એક જ પ્રકારનો ટેકનીકલ બચાવ લીધેલ છે.
આ કારણે ત્રણેય આરોપીઓની હાજરી બનાવ સમયે માનવાપાત્ર બની જાય છે. સરકાર તરફેની આ રજુઆતોના અંતે અધિક સેશન્સ જજ બી. બી. જાદવે વાલજી રણછોડ તાવીયા, ભના ઉર્ફે કાળુ રણછોડ તાવીયા અને હરેશ વાલજી તાવીયાને ખૂનના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી આજીવ કેદની સજા ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયેલ હતા.