– પરખ ભટ્ટ
ભારતમાં પ્રિયા વરિયરની આંખથી શરૂ કરીને ઢિંચક પૂજાના સ્કૂટર સુધીનું બધુંય ‘દે ધનાધન’ વાયરલ થઈ જાય છે. કિકી ચેલેન્જ અને આઇસ બકેટ ચેલેન્જ પણ હજુ ક્યાં ભૂલી શક્યા છીએ? બે અઠવાડિયા પહેલાં વાયરસ થયેલાં ‘રસોડા મેં કૌન થા’ને પણ ઝાઝો સમય નથી થયો. એવામાં આજ વખતે ‘હેશટેગ કપલ-ચેલેન્જ’એ ફેસબૂક પર ઉપાડો લીધો, બાપ્પા! વરહના વચલા દા’ડે પણ પોતાના ઘરવાળા/વાળી સાથે ફોટો ન મૂકતાં દંપતીઓએ ચેલેન્જના દબાણ હેઠળ આવીને સજોડે ફોટો અપલોડ કર્યા. આખું ફેસબૂક ‘કપલ-ચેલેન્જ’થી ઉભરાયેલું રહ્યું. તમારી આજુબાજુ રહેતાં લોકો, જેમણે ફોટો પોસ્ટ ન કર્યા એમનાઆંખ-કાન-નાક-ગાલ સલામત તો છે ને? જરાક જાણીને કહેજો.
- Advertisement -
જાનમ, દેખ લો! મિટ ગઈ દૂરિયાં
દીપિકા પદુકોણ, રકુલ પ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન હવે ‘નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો’ના સિકંજામાં ઝડપાયા એ પછી રિયા ચક્રવર્તી લોક-અપમાં બેઠી બેઠી આ ગીત ગાઈ રહી હોય તો કંઈ નવાઈ નહીં! એક પછી અનેક રાષ્ટ્રીય એજન્સીઓ હવે સુશાંત કેસમાં ઇન્વોલ્વ થઈ રહી છે. સીબીઆઈ, ઇડી અને એનસીબી પછી હવે એન.આઈ.એ. પણ શિવસેનાની મુસીબત વધારશે એ નક્કી છે. કહેવાય છે કે, પોતાના દીકરાને બચાવવા જવાના ચક્કરમાં ઉદ્ધવ ઠાકરે સત્તા ન ગુમાવી બેસે તો સારું! ખેર, હાલતુરંત તો રિયા પોતાની કો-એક્ટ્રેસને આવકાર આપતાં કહી રહી હશે, ‘આ બહન, તેરા સ્વાગત હૈ’
‘ઇન્ડિયન પ્રીમિયર લીગ’નો શંખનાદ
કુલ 52 દિવસ સુધી ચાલનારી આઈ.પી.એલ. ક્રિકેટ ચાહકો માટે ઇશ્વરનો અવતાર લઈને આવી છે. 2020ના કોરોના કાળમાં સતત સાંભળવા મળી રહેલાં ખતરાના ભણકારા વચ્ચે ભારતીયોને 52 દિવસનો એક્શન-પેક્ડ એન્ટરટેઇનમેન્ટ ડોઝ તૈયાર છે! દુબઈના અબુધાબી ખાતે ‘શેખ ઝાયેદ સ્ટેડિયમ’માં યોજાયેલા પહેલાવહેલા આઇ.પી.એલ. મેચનું જીવંત પ્રસારણ ભારતમાં સાંજે સાડા સાત વાગ્યે શરૂ થયું. મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ખેલાયેલા મેચમાં સી.એસ.કે.નો રંગારંગ વિજય થતાં ક્રિકેટપ્રેમી ગેલમાં આવી ગયા. કોરોનાને કારણે આઇ.પી.એલ. રમાવાની ધૂંધળી આશંકાઓ વચ્ચે પૂરતી તકેદારી અને ‘બબલ કવચ’ વચ્ચે તમામ ક્રિકેટર્સ અને એમનો સ્ટાફ હાલ ક્રિકેટના ચાહકોની આંખ ઠારી રહ્યો છે!
- Advertisement -
ટાઇમ્સ-100માં ભારતનો દબદબો
2014ની સાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકાર સંભાળી ત્યારથી શરૂ કરીને આજ સુધીમાં ‘ટાઇમ્સ મેગેઝિન’ દ્વારા એમને કુલ 4 વખત ટોચના 100 પ્રભાવશાળી વ્યક્તિત્વોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજ વખતે પણ તેઓ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના વડા શી જિનપિંગ સાથે ટોચના નેતા તરીકે સ્થાન પામ્યા. એમની સાથોસાથ ગુગલના સીઈઓ સુંદર પિચ્ચઈ, નાગરિકતા સંશોધન કાયદાની ખિલાફમાં શાહિન બાગમાં સવારથી સાંજ ધરણા પર બેસી રહેનાર 82 વર્ષના દાદી બિલ્કિસ બાનો, બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાના અને પ્રોફેસર રવિન્દર ગુપ્તા જેવી ભારતીય પર્સનાલિટી પણ આ યાદીમાં સામેલ છે. નરેન્દ્ર મોદી, બિલ્કિસ બાનો, આયુષ્યમાન ખુરાના અને સુંદર પિચ્ચઈનું તો સમજ્યા, પણ પ્રોફેસર રવિન્દર ગુપ્તાનો સમાવેશ આ યાદીમાં કેમ થયો છે એ જાણવા જેવું છે. વાસ્તવમાં 40 વર્ષીય રવિન્દર ગુપ્તા સમગ્ર વિશ્વમાંથી એચ.આઈ.વી. જેવા જીવલેણ રોગ સામે મુકાબલો કરીને તેમાંથી સાજા થનાર થનાર બીજા વ્યક્તિ બન્યા છે.
શેરલોક હોમ્સની બહેન
નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી ફિલ્મ ‘એનોલા હોમ્સ’ આખું અઠવાડિયું ટ્વિટર પર સૌથી વધારે ટ્રેન્ડ કરતી રહી. આપણે સૌ નાનપણમાં શેરલોક હોમ્સની વાર્તાઓ વાંચી ચૂક્યા છીએ, તેની ફિલ્મો જોઈ ચૂક્યા છીએ. અમેરિકન લેખિકા નેન્સી સ્પ્રિન્ગર દ્વારા લખાયેલી નવલકથા શ્રેણી ‘એનોલા હોમ્સ’ પરથી બનેલી નેટફ્લિક્સની આ ફિલ્મ વાસ્તવમાં મિસ્ટ્રી થિલર છે. શેરલોક હોમ્સની નાની બહેન એનોલા હોમ્સ પોતાની ખોવાયેલી મા ને શોધવા માટે મિશન પર નીકળી એ પ્રકારની વાર્તા છે. નેટફ્લિક્સ પર અતિપ્રખ્યાત બનેલી વેબસીરિઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ની ઇલેવન ઉર્ફે પ્રખ્યાત અદાકારા મિલી બોબી બ્રાઉને એનોલા હોમ્સનું પાત્ર ભજવ્યું છે. વિશ્વભરના ફિલ્મ-વિવેચકો અને પ્રેક્ષકોએ બેમોઢે આ ફિલ્મને વખાણી છે!
ડોનાલ્ડ ટ્રમ્પ પણ હવે ભારતના રસ્તે!
સમાચાર આવ્યા કે હવે ડોનાલ્ડ ભાઈ પણ હવે ભારતના રસ્તે ચાલીને ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોક અને વી-ચેટ પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. પરંતુ અમેરિકનોમાં ટિકટોકનો ક્રેઝ જોઈને ત્યાંની બે કંપનીઓ ઑરેકલ અને વોલમાર્ટ દ્વારા ચીન સાથે વાટાઘાટો ચાલી. જેમાં ટિકટોકની પેરેન્ટ કંપની ‘બાઇટ ડાન્સ’ સાથેની વાતચીત દરમિયાન ટિકટોકનું હેન્ડલિંગ અમેરિકાને સોંપી દેવાની તૈયારી આદરી દેવામાં આવી. જોકે, ‘બાઇટ ડાન્સ’ હજુ પણ ટિકટોકનું સંપૂર્ણ હેન્ડલિંગ અમેરિકન કંપનીને સોંપવા માટે રાજી નથી, એટલે વાત ત્યાં અટકી ગઈ છે. બીજી બાજુ, આપણા ટ્રમ્પ બાપુ પણ ક્યાં કોઈનું સાંભળે એમ છે! એમણે પણ આડા ફાટીને ખુલ્લેઆમ કહી દીધું છે કે, ‘મને જ્યાં સુધી સંતોષ નહીં થાય ત્યાં સુધી હું ટિકટોકને અમેરિકામાં પગ નહીં મૂકવા દઉં! અમેરિકન કંપનીના હાથમાં તેનું પૂર્ણ નિયંત્રણ ન આવે ત્યાં સુધી મારી ઑફિસ પર આવવાની જરૂર નથી!’ સમજે સસુરા?