હાલમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ ચર્ચામાં છે. અગાઉ અનેક કેસોમાં બિશ્નોઈ ગેંગની સંડોવણીના હોવાના દાવા કરાયા છે. ત્યારે ચાલો જાણીએ લોરેન્સ ગેંગની સંપૂર્ણ ક્રાઈમ કુંડળી..
ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ફરી ચર્ચામાં છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP (અજીત પવાર) જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. લોરેન્સ ગેંગના સભ્ય શુભમ લોંકરે સોશિયલ મીડિયા પર કથિત પોસ્ટ લખી છે. જોકે, મુંબઈ પોલીસ આ વાયરલ પોસ્ટની સત્યતા જાણવા તપાસ કરી રહી છે. પોલીસે શુભમના ભાઈ પ્રવીણની ધરપકડ કરી છે અને તેને સહ-ષડયંત્રકાર ગણાવ્યો છે.
- Advertisement -
અગાઉ અનેક ઘટનામાં સામે આવ્યું છે નામ
અગાઉ એપ્રિલમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં લોરેન્સ બિશ્નોઈનું નામ પણ સામે આવ્યું હતું. ગેંગ સાથે સંકળાયેલા સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. આ જ ગેંગે મે 2022માં પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની અને ડિસેમ્બર 2023માં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની પણ ગોળી મારી હત્યા કરી હતી. આ સિવાય પણ અન્ય ઘટનાઓમાં બિશ્નોઈ ગેંગની સંડોવણીના દાવાઓ કરવામાં આવી રહ્યા છે.
બાબા સિદ્દીકીની હત્યા
- Advertisement -
દશેરાના દિવસે એટલે કે 12મી ઓગસ્ટ શનિવારે રાત્રે એનસીપી નેતા બાબા સિદ્દીકી મુંબઈના બાંદ્રા સ્થિત પોતાની ઓફિસમાં બેઠા હતા. લોકો બહાર ફટાકડા ફોડી રહ્યા હતા. ફટાકડાના અવાજ વચ્ચે રાત્રે લગભગ 9 વાગ્યે બાબા સિદ્દીકી પર હુમલો કરવામાં આવ્યો હતો. મોઢા પર રૂમાલ બાંધેલા ત્રણ શખ્સો અચાનક કારમાંથી નીચે ઉતર્યા અને એક પછી એક છ રાઉન્ડ ફાયરિંગ કરી દીધુ હતું. તેમાંથી ત્રણ ગોળી બાબા સિદ્દીકીને વાગી હતી. ગોળી વાગી કે તરત જ બાબા સિદ્દીકી જમીન પર પડી ગયા. તેને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.
બે આરોપીઓની ધરપકડ કરી હતી
આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. ત્રીજા વ્યક્તિની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શૂટરો લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી. બાદમાં તેને ડિલીટ કરી નાખવામાં આવી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે લોરેન્સ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. આ હત્યાનું કારણ અભિનેતા સલમાન ખાનને જવાબદાર ગણવામાં આવ્યું હતું.
સલમાનન ખાનના ઘર પર ફાયરિંગની ઘટના
અગાઉ 2024ના એપ્રિલ મહિનામાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનના એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. આ ઘટનાની જવાબદારી પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. લોરેન્સ બિશ્નોઈ અને તેના સહયોગીઓએ સલમાન ખાનને અગાઉ પણ ધમકી આપી હતી. આ પહેલા લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર તરફથી ધમકીભર્યો પત્ર મળ્યા હતા. સલમાન અને તેના પરિવારને 2022 અને 2023માં અનેક ધમકીભર્યા પત્રો મળ્યા હતા, જે બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ ઉપરાંત સલમાનને પણ પર્સનલ આર્મ્સ લાયસન્સ પણ આપવામાં આવ્યું છે જેથી તે પોતાની સુરક્ષા કરી શકે. ત્રણ શિફ્ટમાં 24 કલાક તેમના ઘરની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સલમાન ખાનને જે ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે તેનું ભાગ્ય પણ સિદ્ધુ મુસેવાલા જેવું થશે.
ગેંગસ્ટર લોરેન્સ કેમ બન્યો સલમાનનો દુશ્મન?
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સમાજમાંથી આવે છે. આ સમાજ પ્રાણીઓ ખાસ કરીને હરણને ભગવાન માને છે. તેઓ કાળા હરણની પૂજા કરે છે. એટલે જ્યારે કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનનું નામ સામે આવ્યું ત્યારે લોરેન્સે સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારથી લોરેન્સ સલમાન માટે ખતરો બની ગયો હતો. લોરેન્સ બિશ્નોઈએ પહેલા જ જાહેરમાં કહ્યું હતું કે તે સલમાનને મારવાની તક શોધી રહ્યો હતો કારણ કે તેણે કથિત રીતે કાળા હરણનો શિકાર કર્યો હતો. મુંબઈ પોલીસ અને અન્ય એજન્સીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો પર નજર રાખી રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગનો અન્ય એક મુખ્ય સભ્ય ગોલ્ડી બ્રાર પણ સલમાન ખાન સામેની ધમકીઓ અને ફાયરિંગ પ્લાનમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. ગોલ્ડી બ્રાર કેનેડામાં રહીને ગેંગની પ્રવૃત્તિઓ કરે છે. તે બિશ્નોઈ ગેંગના ઘણા આંતરરાષ્ટ્રીય સંપર્કોને સંભાળે છે.
મૂસેવાલાની હત્યા કેમ કરવામાં આવી ?
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ મુખ્ય રીતે સામે આવ્યું હતું અને બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી બ્રારે આ હત્યાની જવાબદારી લીધી હતી. લોરેન્સ બિશ્નોઈ અને તેના સાથીદારો ગોલ્ડી બ્રારે કહ્યું હતું કે ‘વિકી મિદુખેડાની હત્યાનો બદલો લેવા માટે મૂસેવાલાની હત્યા કરી હતી.’ પંજાબના માનસા જિલ્લામાં ગાયક સિદ્ધુ મૂસેવાલાની 29મે 2022ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં મૂસેવાલાને ઘણી ગોળી વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગોલ્ડી બ્રારે કહ્યું હતું કે તેણે આ હત્યા લોરેન્સ બિશ્નોઈની સૂચના પર કરી હતી.સુખદેવસિંહ ગોગામેડીની હત્યા શા માટે કરવામાં આવી?
સાલ 2023ની હતી અને દિવસ 5 ડિસેમ્બરનો હતો જ્યારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી જયપુરના શ્યામ નગર વિસ્તારમાં સ્થિત તેમના ઘરે બેઠા હતા. તેમને મળવાના બહાને આવેલા હુમલાખોરોએ ગોગામેડી પર હુમલો કર્યો અને ગોળીબારમાં તેનું મોત થયું હતું. ગોગામેડીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદરાએ સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી હતી કે સુખદેવ સિંહ ગોગામેડી તેની ગેંગના દુશ્મનોને ટેકો આપતા હોવાથી તેણે હત્યા કરાવી હતી. તેની ગેંગના ગોલ્ડી બ્રારે પણ આ હત્યામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રોહિત ગોદરાએ તેના દુશ્મનોને ચેતવણી પણ આપી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શાર્પશૂટર રોહિત ગોદારા બિકાનેર જિલ્લાના લુંકરનસરનો રહેવાસી છે. તેઓ 2010થી ફિલ્મોની દુનિયામાં સક્રિય છે. નાના ગુના કર્યા બાદ તે લોરેન્સના સંપર્કમાં આવ્યો હતો.
જાણો શું છે લોરેન્સ બિશ્નોઈ ગેંગની ક્રાઈમ કુંડળી?
લોરેન્સ બિશ્નોઈ એક કુખ્યાત ગેંગસ્ટર છે. તેની ગેંગ ખાસ કરીને પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆર વિસ્તારમાં સક્રિય છે. આ ગેંગની પ્રવૃતિઓ ખાસ કરીને ડ્રગ્સની હેરાફેરી, ખંડણી, સોપારી હત્યા અને અન્ય સંગઠિત ગુનાઓ સાથે સંબંધિત છે. બિશ્નોઈ ગેંગ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને અન્ય અગ્રણી વ્યક્તિઓ પાસેથી ખંડણી માટે કુખ્યાત છે. આ ગેંગના સભ્યોએ અનેક બિઝનેસમેન અને સેલિબ્રિટીને વારંવાર ધમકી આપી છે. આ ગેંગનું નામ અનેક હત્યાઓ અને હત્યાના પ્રયાસોમાં સામે આવ્યું છે. બિશ્નોઈ ગેંગની પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ડ્રગ્સની દાણચોરીમાં મોટી ભૂમિકા છે.
ગેંગનું નેટવર્ક ભારતની બહાર પણ ફેલાયેલું
આ ગેંગનું નેટવર્ક ભારતની બહાર ખાસ કરીને કેનેડા જેવા દેશોમાં પણ ફેલાયેલું છે. વિવિધ રાજ્યોની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ઘણા મામલામાં લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારની ગેંગ સામે સતત કાર્યવાહી કરી રહી છે. એ જ રીતે ગેંગસ્ટર ટેરર કેસમાં NIAએ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં ઘણા મોટા ખુલાસા થયા છે. ચાર્જશીટમાં NIAએ લોરેન્સ બિશ્નોઈ ગેંગની તુલના દાઉદ ઈબ્રાહિમની ‘ડી કંપની’ સાથે કરી છે. કેન્દ્રીય એજન્સીનું કહેવું છે કે લોરેન્સ બિશ્નોઈ અને તેની આતંકી સિન્ડિકેટ જબરદસ્ત રીતે ફેલાઈ ગઈ છે.
ગેંગ પંજાબ-હરિયાણા સહિત ઉત્તર ભારતમાં સક્રિય
NIA અનુસાર, બિશ્નોઈ ગેંગે વર્ષ 2020-21 સુધી ખંડણીમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી અને તે પૈસા હવાલા દ્વારા વિદેશ મોકલવામાં આવ્યા હતા. એક સમયે બિશ્નોઈની ગેંગ માત્ર પંજાબ સુધી જ સીમિત હતી. પરંતુ હવે સહયોગી ગોલ્ડી બ્રારે હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની ગેંગ સાથે ગઠબંધન કરી એક મોટી ગેંગ બનાવી દીધી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ હવે પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડમાં ફેલાઈ ગઈ છે.
કેવી રીતે થઈ બિશ્નોઈ ગેંગની શરૂઆત?
લોરેન્સ બિશ્નોઈ ગેંગ રાજસ્થાનથી શરૂ થઈ અને ધીરે ધીરે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ફેલાઈ ગઈ. લોરેન્સ બિશ્નોઈ આ ગેંગનો મુખ્ય લીડર છે. તે પંજાબના ફાઝિલ્કા જિલ્લાના દુતારનવલી ગામનો રહેવાસી છે. બિશ્નોઈ તેના કૉલેજના દિવસોમાં ગુનાહિત પ્રવૃતિમાં પ્રવેશ્યા બાદ ધીમે ધીમે એક કુખ્યાત ગેંગસ્ટર બની ગયો હતો. લોરેન્સે શરૂઆતમાં ચંદીગઢ અને પંજાબ યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રભાવ પાડવાનું શરૂ કર્યું. શરુઆતમાં નાના ગુનાઓ આચરીને વિવાદોમાં રહેતો હતો. અહીંથી તેનું ગુનાહિત નેટવર્ક વિકસવા લાગ્યું અને તેણે તેના સહયોગીઓનું એક જૂથ બનાવ્યું હતું. તેના કોલેજના મિત્રો અને અન્ય ઘણા યુવાનો ગુનાની દુનિયામાં સામેલ થવા લાગ્યા. ધીમે ધીમે આ જૂથ એક સંગઠિત ગેંગમાં ફેરવાઈ ગયું હતું.