નવરાત્રિ એટલે શક્તિની આરાધનાનું પર્વ. સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલી શક્તિને આપણે સાકાર સ્વરૂપે દેવી તરીકે પૂજીએ છીએ.
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
– ડૉ.શરદ ઠાકર
વિવિધ નામોથી ઓળખાતી દેવીઓ વાસ્તવમાં એક જ શક્તિનાં સ્વરૂપો છે. અંતે તો હેમનું હેમ હોયે.
જ્યારે આપણે વિદ્યા અને જ્ઞાનની પ્રાપ્તિ માટે શક્તિનું આરાધન કરીએ છીએ ત્યારે તેને મા સરસ્વતીનાં નામથી ઓળખીએ છીએ. જ્યારે આપણે સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ પામવા માટે શક્તિની પૂજા કરીએ છીએ ત્યારે તેને મહાલક્ષ્મી કહીએ છીએ. જ્યારે આપણી અંદર વ્યાપ્ત અજ્ઞાનના અંધકારને નષ્ટ કરવા માટે શક્તિની પૂજા કરીએ છીએ ત્યારે તેને મહાદુર્ગા અથવા મહાકાળી કહીએ છીએ.
મહાકાળી સહિત શક્તિનાં તમામ રૂપો એ પરમ તત્ત્વ એટલે કે શિવની અંદર સમાયેલી શક્તિ જ છે. મહાકાળી એ શક્તિનું ભયાવહ રૂપ છે. મહાકાળીનો વર્ણ કાળો છે, એના ગળામાં માનવ ખોપરીની માળા હોય છે અને એને સ્મશાનમાં નૃત્ય કરતી દર્શાવવામાં આવી છે. વિશ્વના તમામ ધર્મોમાં શક્તિનાં આવાં ડરામણાં સ્વરૂપને પ્રેમપૂર્વક મા તરીકે પૂજવામાં આવતી હોય એવો કદાચ આ એકમાત્ર બનાવ છે. સનાતન વૈદિક ધર્મ કેટલી ઊંડી સમજણ ધરાવે છે એ મહાકાળીની આરાધના પરથી સમજી શકાય છે. આપણે બાળકો બનીને આપણી માતા મહાકાળીને પ્રાર્થના કરીએ છીએ કે આપણી અંદર રહેલા અજ્ઞાનના અંધકારને, તામસી પ્રકૃતિના અંધકારને અને તમામ ઐહિક કામનાઓના અંધકારને એ નષ્ટ કરી દે અને આપણા જીવનમાં આપણા અંતરમનમાં સાત્વિકતાનો પ્રકાશ ફેલાવી દે. આટલી સમજણ સાથે આપણે નવરાત્રિના નવ દિવસ દરમિયાન મહાશક્તિની આરાધના કરીએ.