ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ ઉપર આવેલ વડસર ગામ નજીક સોમવારે રાત્રે દીપડાએ દેખા દીધી હતી અને એક નીલગાયના બચ્ચા પર દીપડાએ હુમલો કરતા નીલગાયના બચ્ચાંની ચીસાચીસ સાંભળી માલધારીઓ દોડી આવતા દીપડો શિકાર છોડીને નાસી ગયો હતો અને ઘાયલ નીલગાયના બચ્ચાનો જીવ બચી ગયો હતો.વાંકાનેર પંથકના વીડી વિસ્તારમાં દીપડાનો કાયમી વસવાટ છે અને છાસવારે શહેરી વિસ્તારમાં પણ દીપડાઓ ચડી આવતા હોય છે ત્યારે તાજેતરમાં જ વાંકાનેરના પેડક વિસ્તારમાંથી બે દીપડા પાંજરે પુરાયા બાદ સોમવારે રાત્રીના સમયે વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર આવેલ વડસર ગામની દરગાહ પાસે દીપડાએ દેખા દીધી હતી અને દીપડાએ નીલગાયના બચ્ચા પર હુમલો પણ કર્યો હતો જો કે નજીકમાં જ રહેતા માલધારી પરિવારને નીલગાયના બચ્ચાંની ચીસાચીસનો આવજ સંભળાતા માલધારીઓએ દીપડાને ખદેડી મૂકી નીલગાયના બચ્ચાનો જીવ બચાવી લીધો હતો. આ અંગે વાંકાનેર ફોરેસ્ટ ઓફિસર નરોડીયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ અંગે ગ્રામજનોએ કોઈ જાણ કરી નથી જોકે આ જડેશ્વર વિસ્તારમાં દીપડાનો કાયમી વસવાટ હોવાનું જણાવ્યું હતું.