ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો ઊંચે ચડયો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
- Advertisement -
મોરબીમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો સતત ઊંચે ચડતા સખત ગરમી અને ગરમ લુમાં તંદુરસ્તી સાથે તાજગી બક્ષતા લિબુની ડિમાન્ડમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. લિબુની માંગ એટલી બધી વધી ગઈ છે કે, લિબુના ભાવોએ ખટાશ પકડી છે.
આ અંગે શાક માર્કેટમાં છૂટક તેમજ જથ્થાબંધ શાકભાજી વેંચતા વેપારી પરેશભાઈ અરજણભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, હોળી પહેલા લિબુના પ્રતિ કિલોના ભાવ 40થી 50 હતા.
હોળી પછી ગરમી શરૂ થતાં ધીરેધીરે લિબુના ભાવો વધવા લાગ્યા અને હવે લિબુના ભાવ પ્રતિ કિલોએ 40થી વધીને 160થી લઈ 200 રૂપિયાએ પહોંચી ગયા છે. એટલે લીંબુના ભાવો રાતોરાત ઉચકાયા છે અને ચાર ગણા વધી ગયા છે. જો કે, લીંબુની અગાઉ થતી હતી એટલી જ આવક થાય છે. પણ લિબુની ડિમાન્ડ વધવાથી ભાવો વધ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે. ત્યાંજ
લીંબુના ભાવો આટલા બધા વધ્યા છે કે સામાન્ય વર્ગના લોકોને લીંબુ શરબત પીવું ભારે પડ્યું છે. એટલે ઉનાળો મધ્યાહને પહોંચશે ત્યારે લીંબુના ભાવો આસમાને આંબી જવાની ભીતિ છે. ખાસ કરીને લોકો લીંબુ શરબત વધુ પીતા હોવાથી શહેરમાં આવેલી અનેક લિબુ શરબતની દુકાનો અને રેકડીઓ લોકોનો ધસારો વધ્યો છે. આથી આ દુકાનો અને રેકડી ધારકો અગાઉથી જ ત્રણ ચાર દિવસ ચાલે એટલો લીંબુનો સ્ટોક કરી રાખે છે.
માર્કેટ યાર્ડમાં જથ્થાબંધ શાકભાજી આવતા હોય ત્યારે ગરમીની શરૂઆત થતા 11 માર્ચથી જ લિબુનો ભાવ વધી ગયો હતો. 11 માર્ચે લિબુનો મણનો ભાવ રૂ. 2 હજાર હતો. પણ આજની તારીખે વધીને લીંબુનો મણનો ભાવ રૂ.2800એ પહોંચી ગયો છે.
જો કે લીંબુની જે રનિંગ આવક હતી તેમા બહુ વાંધો નથી. લિબુની
આવક વધી નથી પણ થોડી ઘટી છે. સામાન્ય રીતે 30 મણની અગાઉ લિબુની આવક થતી હોય તો તેમાં હવે 28 મણ આવે. લીંબુનો વપરાશ એટલો બધો વધી ગયો છે કે ઉપરથી લીંબુના ભાવમાં વધારો થયો છે. જો કે હવે ગરમી કેવુ સ્વરૂપ પકડે છે એના ઉપર ભાવોની અસર પડશે.



