ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનાં એસોસીયેટ પ્રોફેસર ડો. વિનીત વર્મા દ્વારા એસ.ઈ.ટી. મહિલા આર્ટ્સ, કોમર્સ, બીબીએ, બીસીએ અને સાયન્સ કોલેજ, જૂનાગઢ ખાતે વાણિજ્ય ક્ષેત્રમાં કારકિર્દીનાં અવસરો વિષયક નિષ્ણાત વ્યાખ્યાન યોજાયુ હતુ.
નરસિંહ મહેતા યુનિ.ના માનનીય કુલપતિશ્રી પ્રો.(ડો.) પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ, વાણિજ્ય અને મેનેજમેન્ટ વિભાગના ડો. વિનીત વર્માએ એસ.ઈ.ટી. મહિલા કોલેજ ખાતે વાણિજ્ય ક્ષેત્રમાં કારકિર્દીનાં અવસરો વિષયક આયોજીત નિષ્ણાત વ્યાખ્યાન દરમ્યાન વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી સભ્યો તરફથી સકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયો. ડો. વર્માએ તેમના વ્યાખ્યાનમાં જણાવ્યું કે બેચલર ઓફ કોમર્સ (બી.કોમ.)ની પદ્યતિથી સફળ કારકિર્દી માટે વ્યૂહાત્મક આયોજન, સતત કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગની સતત બદલાતી જરૂરિયાતો માટે અનુકૂલતા જરૂરી છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ વ્યાવસાયિક કોર્સીસ, સરકારી તથા ખાનગી ક્ષેત્રની નોકરીઓ, સ્વ-રોજગાર અથવા શૈક્ષણિક ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે, જે તેમના રસ અને લાયકાત પર આધારિત છે. તેઓએ વર્તમાન સ્પર્ધાત્મક નોકરી બજારની વાત કરતા જણાવ્યું કે સરકારી જગ્યા ઓછી હોવા છતાં અરજદારોની સંખ્યા વધુ છે, તેથી વિદ્યાર્થીઓ માટે ડિજિટલ કૌશલ્ય, સંચાર, કુશળતા અને ઉદ્યોગપ્રસંગી જ્ઞાન ધરાવવું આવશ્યક છે. તેમજ સ્પષ્ટ કારકિર્દી લક્ષ્યો, ક્ષેત્રગત અવસરો અંગેની જાગૃતિ અને વ્યાવસાયિક નેટવર્કિંગ દ્વારા નોકરીની સંભાવનાઓને વધુ મજબૂતી આપવામાં આવી શકે છે. તેમણે વિમર્શમાં નાણાકીય સેવા, વહીવટ, કાયદા, ઉદ્યોગસાહસિકતા તથા શૈક્ષણિક ક્ષેત્રમાં ઉપલબ્ધ તકઓની પણ વિગતો આપી. આ નિષ્ણાત વ્યાખ્યાનનું સંકલન હર્ષિતા સુવાને કર્યું હતું.