જગન્નાથ મંદિર એ હિન્દુ સનાતન ધર્મનાં આસ્થાનાં પ્રતિક સમા જગન્નાથપુરી મંદિર ઓરિસ્સામાં આવેલુ છે. જેનો ખુબ જ પ્રાચીન ઇતિહાસ આપણને મળે છે. દરવર્ષે જગન્નાથ ભગવાનની રથયાત્રામાં લાખો લોકો ભક્તિભાવથી જોડાય છે. આ રથયાત્રા વિશ્વની સૌથી મોટી રથયાત્રા ગણાય છે.
- Advertisement -
હિંદુ પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજનો દિવસ લગભગ જુન કે જુલાઈમાં આવે છે. પુરીમાં એનાં પગરણ મંડાયાં, પણ તે હવે પુરીનગરી પૂરતો જ મર્યાદિત નથી. ભારતના જુદાં જુદાં નગરો અને મોટાં સ્થાનોમાં તેમ જ હવે તો પરદેશમાં પણ અનેક સ્થળે ધામધૂમથી રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે.
જ્યારે ‘ જય જગન્નાથ’ના ગગનભેદી ઉચ્ચારો ઘંટો, ઝાંઝ, નગારાં, ઢોલક અને બીજાં વાજિંત્રોના ધ્વનિથી વાતાવરણ ગૂંજતું હોય છે, ત્યારે ભગવાન શ્રી જગન્નાથ, એમના મોટાભાઈ બલભદ્ર તથા નાની બહેન સુભદ્રા સાથે એમના નિર્ધારિત સ્થાન ગુંડીચા ઘર તરફ જતા હોય છે. ત્રણે દેવો જુદા જુદા રથોમાં પ્રયાણ કરતા હોય છે.
ગુંડીચા ઘરમાં પખવાડિયું રહ્યા પછી ત્રણે દેવ – દેવી પોતપોતાના રથમાં, ધામધૂમથી પોતપોતાના મંદિરમાં જતાં હોય છે. પુરીમાં હોય છે તેમ આ ત્રણ દેવતાઓનું અસ્થાયી નિવાસસ્થાન પણ ગુંડીચા ઘર તરીકે ઓળખાય છે.
- Advertisement -
રથયાત્રાની રોચક વાર્તા:
લોક વાયકા પ્રમાણે દ્વારકામાં ભગવાન કૃષ્ણની રાણીઓ બલરામના માતા રોહિણીને કૃષ્ણ ભગવાનની રાસલીલા કહેવા માટે કહે છે, પહેલા તો માતા રોહિણી માનતા નથી પરંતું રાણીઓની ઘણી વિનંતી બાદ તેઓ માની જાય છે. તે વખતે કૃષ્ણના બહેન સુભદ્રા ત્યા હાજર હતા, ભાઈની રાસલીલા વિશેની વાતચીત બહેન આગળ થાય તેવું રોહિણીને યોગ્ય ન લાગ્યું. તે સમયે રોહિણી સુભદ્રાને બહાર ભગવાન કૃષ્ણ અને બલરામ સાથે નગરચર્યા માટે મોકલી દે છે. ત્રણેય ભાઈ-બહેન જ્યારે નગરચર્યામાં નીકળે છે તે સમયે નારદમુનિ પ્રગટ થાય છે, ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહે સુભદ્રાને એકસાથે જોઈ નારદમુનિ પ્રસન્ન થઈ જાય છે. નારદમુનિ પ્રાર્થના કરે છે કે દર વર્ષે આ રીતે જ ત્રણેયના દર્શન થાય. નારદમુનિની નિર્દોષ પ્રાર્થના ફળી જાય છે અને ત્યારથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે.
કેમ ભગવાન શ્રીકૃષ્ણ કહેવાયા ‘જગન્નાથ’?
કહેવાય છે કે સતયુગમાં ઈન્દ્રાદ્યુમન નામનો ચક્રવર્તી રાજા ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે ભગવાન વિષ્ણુનું તપ કરવા માટે નિલાંચલ પર્વત પર જાય છે પરંતુ ભગવાન વિષ્ણની મૂર્તિ ત્યાંથી સ્વર્ગમાં લઈ જવાઈ હતી. આ વાતથી રાજા ખૂબ નિરાશ થાય છે અને તે સમયે સ્વર્ગમાંથી આકાશવાણી થાય છે કે ભગવાન પથ્થર અથવા કાષ્ઠ સ્વરૂપે ફરીથી પાછા આવશે અને તેમનું નામ જગન્નાથ રહેશે. આ રીતે ભગવાન તેમના ભક્તોને ખુશ કરવા માટે કાષ્ઠની મૂર્તિના સ્વરૂપમાં અવતરિત થાય છે. માન્યતા છે કે, રથ ખેંચવામાં ઉપયોગમાં લેવાતા દોરડા અથવા રથના સ્પર્શમાત્રથી પવિત્ર કર્મોનું ફળ મળે છે. અષાઢી બીજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.
રથયાત્રાનો ઇતિહાસ સાક્ષી છે કે 145 વર્ષમાં રથયાત્રા રથને લઇને ક્યારે પણ અટકી નથી. કારીગરો દ્વારા ભગવાનના રથોનું વિશેષ રીતે નિર્માણ થાય છે. હાલ વિવિધ રથોનું રંગરોગાન અને સમારકામ કરવામાં આવી રહ્યું છે. જેથી પરંપરાગત રથો અવિરત રીતે નિયત રૂટ પર વિહરી શકે અને નાથની નગરયાત્રા વિના વિધ્ને પૂર્ણ થઇ શકે.