ચાર તસ્કરોની વાસણ સહિત 1.25 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ચોરીના નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવાની સુચના અન્વયે એલસીબી ઝોન 2ની ટીમે બાતમી આધારે ચાર તસ્કરોને દબોચી લઇ એ ડીવીઝન અને ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે સાથોસાથ ચોરાયેલા વાસણ સહીત 1.25 લાખનો મુદામાલ કબજે કર્યો છે. રાજકોટમાં ચોરીના નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નરની સુચના અન્વયે એલસીબી ઝોન 2ના પીએસઆઈ એચ આર ઝાલા અને ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે નાના મવા ચોક પાસેથી રૈયાધારના દીપક બાબુભાઈ દાણીધારિયા, લોહાનગરના મનસુખ ઉર્ફે દીકું હરિભાઈ પરમાર, કોઠારિયા સોલ્વન્ટના કિશન ઉર્ફે બાઉ અરજણભાઈ ડાભી અને જુનાગઢના ચેતન કમલભાઈ સોલંકીને દબોચી લઇ તેની પાસેથી તાંબા, પીતલ, જર્મનના 50 હજારના વાસણો અને રીક્ષા સહીત 1.25 લાખનો મુદામાલ કબજે કરી બે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે આ ઉપરાંત તેમણે ગત 11 તારીખે ગુંદાવાડીમાં એક મકાનના તાળા તોડ્યા હતા પરંતુ ઘરમાંથી કઈ મળ્યું ન હોવાની કબુલાત આપી છે પકડાયેલ ચાર પૈકી દીપક સામે બે, મનસુખ સામે 17, કિશન સામે 7 અને ચેતન સામે 9 ગુના નોંધાઈ ચુક્યા છે.



