હથિયાર ક્યાંથી લાવ્યો અને શું ઉપયોગ કરવાનો હતો તે દિશામાં તપાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
- Advertisement -
રાજકોટમાં લોકસભા ચૂંટણી અંતર્ગત સઘન પેટ્રોલિંગ કરવાની સૂચના અન્વયે એલસીબીએ શાપરમાંથી સોલ્વંટના શખસને દેશી તમંચા સાથે દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી રાજકોટ રૂરલ પોલીસને ગેરકાયદે હથિયારો પકડવાની કામગીરીમાં આ ત્રીજી સફળતા મળી છે.
રૂરલ લોકલ ક્રાઈમ બ્રાંચ તરફથી મળતી વિગત મુજબ, આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચુંટણી-2024 અનુસંધાને રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ તરફથી ગેરકાયદે હથીયારધારાના કેસો શોધવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જે અનુસંધાને રાજકોટ જિલ્લા પોલીસ વડા એસપી જયપાલસિંહ રાઠોડ દ્વારા ગેરકાયદે હથિયારો રાખતા શખ્સો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવી હતી. જેથી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ અને તેમની ટીમ કાર્યરત હતી. તે દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે, કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા ફેસલ સમા પાસે હથિયાર છે. તે હાલ શાપર – રાજકોટ હાઇવે રોડ પર ખોડિયાર હોટલથી આગળ રવેચી ટી સ્ટોલ પાસે ઉભો છે.
જેથી વોચ ગોઠવી સોલ્વંટના ફેસલ સલીમભાઇ સપાને દબોચી લઈ રૂ.5,000નો તમંચો અને રૂ.200ની કિંમતના બે કારતુસ કબ્જે કરી શાપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો? તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.