ભાગવત એટલે ભક્તિ, જ્ઞાન, વૈરાય્ય અને તપનો સંગમ; 12 સ્કંધ એ ભગવાનના 12 અંગ સમાન હોવાનું પૂજ્યશ્રીએ સમજાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
- Advertisement -
સંસ્કારી નગરી વડોદરા ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના વ્યાસપીઠ પદે શ્રીમદ્ ભાગવત કથાનો ભવ્ય અને પાવન પ્રારંભ થયો છે. કથાના પ્રથમ દિવસે પૂજ્યશ્રીએ ભાગવતજીના દિવ્ય તત્ત્વ અને તેની માનવ જીવનમાં ઉપયોગીતા પર અત્યંત ગહન અને હૃદયસ્પર્શી વિવેચન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કથાના આરંભમાં પૂજ્યશ્રીએ ‘ભગવત’ શબ્દના ગૂઢ અર્થને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આ ગ્રંથના પ્રત્યેક અક્ષર આધ્યાત્મિક શક્તિ ધરાવે છે. જેમાં ‘ભ’ એટલે ભક્તિ, ‘ગ’ એટલે જ્ઞાન, ‘વ’ એટલે વૈરાગ્ય અને ‘ત’ એટલે તપ. આ ચાર તત્ત્વો જ્યારે જીવનમાં વણાય છે, ત્યારે માનવ જીવન શુદ્ધ, સંતુલિત અને સાત્વિક બને છે. તેમણે ભાગવતજીને ભગવાન શ્રીકૃષ્ણનું ‘વાંગમય સ્વરૂપ’ ગણાવતા કહ્યું હતું કે, જીવનના સંઘર્ષો અને સમસ્યાઓ વચ્ચે સેવા, સત્સંગ અને પૂર્ણ સમર્પણ એ જ શ્રેષ્ઠ ઔષધિ છે, જે વ્યક્તિને સદાનંદની પ્રાપ્તિ કરાવે છે.
વધુમાં તેમણે સમજાવ્યું કે ભાગવત મહાપુરાણ એ સર્વ વેદોનો સાર છે. વેદોનું જ્ઞાન આ ગ્રંથમાં અત્યંત સરળ અને રસસભર રીતે પ્રગટ થયું છે. શ્રીમદ્ ભાગવતના 12 સ્કંધો વિશે તેમણે જણાવ્યું કે તે ભગવાન શ્રીકૃષ્ણના 12 દિવ્ય અંગ સમાન છે, જેનું શ્રવણ આત્મિક ઉન્નતિનો માર્ગ મોકળો કરે છે. કથાના પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને સમગ્ર પંડાલ ‘જય શ્રી કૃષ્ણ’ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.



