ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લામાં પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ સૂચારૂ રીતે કામો હાથ ધરવામાં આવે તે માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેના હસ્તે 30 ઈ-વ્હીકલ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજોઠા, હસ્નાવદર, રામપરા સહિત છ ગામ, સુત્રાપાડા તાલુકાના ખાંભા, મોરાસા, વિરોદર, ગોરખમઢી, નવાગામ સહિત નવ ગામ, તાલાલાના પીખોર, ગુંદરણ સહિત પાંચ, ઉનાના ઉમેજ, એલમપુર સહિત ચાર, ગીર ગઢડાના જરગલી સહિત ત્રણ અને કોડીનારના છાછર, વિઠ્ઠલપુર અને અરીઠીયા જેવા ગામોને ઈ-વ્હીકલ આપવામાં આવી હતી. જેથી ભીના કચરા અને સૂકા કચરાનો યોગ્ય અને સુનિયોજીત રીતે નિકાલ થઈ શકે.જિલ્લા પંચાયત સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા પંચાયતના અલગ અલગ સદસ્યોની હાજરીમાં આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ઉપરોક્ત કામગીરીથી ગામોમાં દરરોજ ઘન કચરાનો નિકાલ થશે જેથી સ્વચ્છ ભારત અભિયાન યોજનાનો ઉદ્દેશ્ય સાકાર થશે. નોંધનીય છે કે, જિલ્લામાં ખનીજક્ષેત્ર ધરાવતા વિસ્તારનો સંતુલિત વિકાસ થાય તે હેતુને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ખાણકામથી અસરગ્રસ્ત વિસ્તારના ગામોના વિકાસ માટે અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે.
ગિર સોમનાથ જિલ્લામાં 1 કરોડ 5 લાખના ખર્ચે 30 ઈ-વ્હીકલ્સનું લોકાર્પણ
