રેખા પટેલ-ડેલાવર
જીવનમાં હસવું જરૂરી છે. હાસ્ય જ છે જે આપણને જીવવા માટે નવું પ્રેરણાદાયી દ્રષ્ટિકોણ આપે. બાળક જેવું નિર્દોષ હાસ્ય જીવનમાં આવતા દુ:ખો સામે સૌથી સહેલો ઈલાજ છે. હાસ્ય, એટલે માત્ર હસવું નહીં પણ એ જીવનની સૌંદર્યસભર અભિવ્યક્તિ છે! હાસ્યને ફૂલની ઉપમા અપાય, જે જીવનનું ફૂલ છે. આજના સમયમાં જીવન ઝડપથી બદલાઈ રહ્યું છે. આગળ વધવાની હોડ, તકેદારી, દોડધામ, કારકિર્દીનું દબાણ, પારિવારિક જવાબદારીઓ અને સ્પર્ધાઓ વચ્ચે માણસ સતત તાણ અને ચિંતામાં જીવી રહ્યો છે. આવા સમયમાં હાસ્ય એક એવું સાધન છે જે માનસિક શાંતિ, સ્વાસ્થ્ય અને સકારાત્મકતા આપે છે. જે અત્યંત અગત્યનું છે. તાણ દુર કરવા માટે હાસ્ય એ કુદરતી ઉપચાર છે. જ્યારે આપણે દિલથી હસીએ, ત્યારે શરીરમાં ‘એન્ડોર્ફિન’ નામના રસાયણો છૂટી પડે છે, જેને ‘હેપીનેસ હોર્મોન’ કહેવામાં આવે છે. એન્ડોર્ફિન તાણને ઘટાડે છે અને આનંદની લાગણી આપે છે. નિયમિત હસવાથી દુ:ખ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓમાં ઘટાડો થાય છે. હાસ્યને માનસિક આરોગ્ય માટે મહત્વનું ગણાય છે. હાસ્યથી માનવીના વિચારો સકારાત્મક દિશામાં વળે છે, નેગેટિવિટી ઘટે છે અને વ્યક્તિ જીવનની મુશ્કેલીઓનો સામનો વધુ આત્મવિશ્વાસથી કરી શકે છે. હાસ્ય ન માત્ર વ્યક્તિગત, પણ સામૂહિક લાભ આપે છે. જ્યારે લોકો સાથે હસવામાં આવે છે, ત્યારે સંબંધો મજબૂત બને છે. મિત્રો, કુટુંબજનો કે સહકર્મચારીઓ સાથે હાસ્ય ભાવનાત્મક જોડાણ વધે છે, ટેન્શન દુર થાય છે અને વાતાવરણ હળવું બને છે. એમાય પ્રિય વ્યક્તિના ચહેરા ઉપર જ્યારે હાસ્ય ફેલાએલું જોઈએ ત્યારે ભારેખમ વાતાવરણ પણ હલકું લાગે છે. જીવન જીવવા જેવું લાગે છે.
- Advertisement -
ખીલે ફૂલ ત્યારે આખુય ઉપવન મહેકે
અને તું હસે ત્યારે હૈયું બાગ બની ગહેકે
હાસ્ય છે સંગીત જે વિણા વિના વાજે,
મૌનના મધુર પળોમાં સ્મિત મનને રીઝાવે,
હાસ્ય એ પ્રકાશ છે, જીવનમાં જગમગાટ ભરે,
વેદનાનું સામ્રાજ્ય સામી હાર માની પાછું હટે
- Advertisement -
તું હસે એટલે બધું જીવંત લાગે,
સૂકી ડાળીઓમાં પણ વસંતની લહેર આવે
જીવન એ અસંખ્ય અનુભવોની સરિતાના પ્રવાહ જેવું છે – ક્યારેક શાંત, તોફાની, તો પ્રેમભર્યું. વળી ક્યારેક દુ:ખ ,પીડા, નિરાશા આવા જીવનના દરેક પડાવને સહજતાથી જીવી લેવાનું શસ્ત્ર એક જ છે હાસ્ય. હાસ્ય એ ફૂલની જેમ છે. એ સહજ ખીલે, કોઈ ચમકધમક વગર. તેનું સુગંધિત સાથ જીવનના કાંટાવાળા રસ્તાઓને પણ સહેલા બનાવી દે છે. જેમ એક ફૂલ ઉગવા માટે ફક્ત જમીન નહીં, પણ પ્રકાશ અને સમય પણ માગે છે; તેમ હાસ્ય પણ સંતોષ, સંયમ, સહાનુભૂતિ અને આનંદથી ખીલે છે. માનવ જીવનમાં હસવું માત્ર મોઢે આવી જતું હાસ્ય નથી – એ તો એક અંદરથી આવતો પ્રકાશ છે, જે ખુલ્લી આંખે દેખાય પણ અંતરથી અનુભવી શકાય છે. જેમ બાળક નિર્દોષતાથી હસે છે, તે હાસ્યમાં કોઈ બનાવટ હોતી નથી. આવું હાસ્ય દુનિયાનાં તમામ દુ:ખને ક્ષણે માટે ભૂલાવી શકે છે. બસ આ જાળવી રાખવાથી જીવન સરળ રહે છે. આજના વ્યસ્ત અને દબાણભર્યા જીવનમાં, આપણે ઘણીવાર મલકાવવાનું ભૂલી જઈએ છીએ. સાહજિક રીતે જીવન હળવું છે, પણ આપણું વલણ, સ્પર્ધા અને તણાવ જીવનને ભારે બનાવે છે. આવા સમયમાં, હાસ્ય જીવન માટે ઉપચાર જેવી અસર કરે છે. જીવનના દુ:ખદ પરિસ્થિતિઓમાં પણ હાસ્ય આપણને માનસિક શક્તિ આપે છે. જેમ કાદવમાં ખીલેલું કમળ પણ આકર્ષક લાગે છે તેમ ગમેતેવા દુ:ખ સામે કે દેખાવમાં પણ હાસ્ય આકર્ષે છે. માણસ જ્યારે દુ:ખમાં પણ હસી શકે, ત્યારે એ જીવવાનો સાહસ ધરાવે છે. વિજ્ઞાન પણ માને છે કે હસવું સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. હસવાથી માનસિક તણાવ ઘટે છે, શ્વાસ અને હૃદય પર સકારાત્મક અસર પડે છે, અને સંબંધો મજબૂત બને છે. પણ આ હાસ્ય ‘મેઈડ અપ’ હોવું નહીં પણ હ્રદયથી ઉદ્ભવતું હોવું જોઈએ. હસવાથી હૃદય આરોગ્યમાં સુધારો થાય છે, રક્તસંચાર સુધરે છે, તેમજ ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. હસવાથી પેટનાં માંસપેશીઓ પણ કસરત કરે છે, એટલે કે એ હળવી એક્સર્સાઈઝ જેવી અસર કરે છે. હાસ્યથી ચહેરાની સુંદરતા પણ વધે છે. લાફીંગ યોગા આજ ખડખડાટ હાસ્યનું સ્વરૂપ છે. દૈનિક જીવનમાં હાસ્યનું અલગ સ્થાન હોવું જરૂરી છે. આજની વ્યસ્તતા વચ્ચે દસ મિનિટનું પણ હાસ્ય જીવનને ઉર્જાવાન બનાવી શકે છે. જો તમે રોજના જીવનમાં હાસ્યને સ્થાન આપો – ચટાકેદાર વાતો, હળવા રમૂજી વિડિઓઝ, કે જૂના મિત્રો સાથેની વાતચીત – તો તમે જાતે જ અનુભવાશે કે તણાવ ઘટી રહ્યો છે, મન વધુ હલકું બની રહ્યું છે. હાસ્ય કોઈ દવા નથી, પણ એની અસર ઘણી વખત દવાઓથી વધુ હોય છે. સાવ મફત મળતા આ હાસ્યફૂલ દ્વારા ટેક્નોલોજી અને તણાવભર્યા યુગમાં હળવા બની જીવી શકાય છે. દુનિયાદારીના બોજા હેઠળ જો હસવાનું ભૂલાઈ ગયું હોય તો તેને ફરી જીવનમાં સામેલ કરી જીવન વધુ સરળ, આનંદમય અને આરોગ્યપ્રદ બનાવી શકાય છે.