ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરથી પગાર વધારા સહિતની માંગણીઓ સંદર્ભે ગાંધીનગર ખાતે દેખાવ કરવા જઈ રહેલા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને પોલીસે રોકી લઈને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યાં સવાર સુધી તેમને નજરકેદ કરાયા હતા જો કે મહિલાઓને ઘરે જવાનું કહેવાયું હતું પરંતુ મહિલાઓએ એ બાબતે ઈન્કાર કરી દીધો હોવાનું તપાસનીશ અધિકારી છાશિયાએ જણાવ્યું હતું. ગુજરાતભરમાંથી મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો દ્વારા પડતર માંગણીઓ અનુસંધાને સોમવારે ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું જેમાં વાંકાનેર તાલુકામાંથી ગાંધીનગર આંદોલનમાં જોડાવા માટે જતાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને ચંદ્રપુર ગામ પાસે રોકવામાં આવ્યા હતા અને વાંકાનેર તાલુકામાંથી 40 જેટલા એમડીએમના સંચાલકો ગાંધીનગર જતાં હતા તેમની અટકાયત કરવમાં આવી હતી.
રાતનો 11 કલાકનો સમય થયો હોઇ મહિલાઓને સિટી પોલીસના પીએસઆઇએ ઘરે જતા રહેવાનું કહ્યું હતું પરંતુ મહિલાઓએ ધરણા પર સાથે જઇ રહ્યા હોઇ, અન્ય કર્મચારીઓને સાથ આપવાની જ જીદ પકડી હોઈ તમામને નજરકેદ રાખવામાં આવ્યા હતા અને સવારે 10 કલાકે મુક્ત કરી દેવાયા હતા.