કોઇ ધર્મના પોસ્ટર સળગાવ્યા નથી, બંને પક્ષે સમાધાન થઇ ગયું છે: ડીસીપી ડૉ.દેસાઇ
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના રાજનગર ચોકમાં સોમવારે રાત્રે માહોલ તંગ થઇ જતાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને ટોળાંમાં રહેલા કેટલાક શખ્સોને ઉઠાવી લઇ પોલીસ મથકે લઇ જવાયા હતા, ટોળામાં રહેલા કેટલાક શખ્સોએ હિન્દુ દેવી દેવતાઓના ફોટા સળગાવ્યાની ચર્ચા શરૂ થઇ હતી જોકે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, મનુંસ્મૃતિનો વિરોધ કરતા સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા અને બંને પક્ષે સમાધાન થઇ ગયુંછે, જોકે પોલીસના જે રીતે ધાડા ઉતરી પડ્યા હતા તે દ્રશ્ય જોઇને ઘટના પર પડદો પાડી દેવાયાની પણ ચર્ચાઓ શરૂ થઇ હતી.
- Advertisement -
શહેરના નાનામવા રોડ પરના રાજનગર ચોકમાં રાત્રીના ટોળું એકઠું થઇ ગયું હતું, અને ટોળા દ્વારા જે દેખાવ કરવામાં આવી રહ્યો હતો તે દ્રશ્ય જોઇ ત્યાંથી પસાર થયેલા એક વ્યક્તિએ હિન્દુ સંગઠનના કેટલાક હોદ્દેદારોને જાણ કરતાં પાંચેક વ્યક્તિ ત્યાં દોડી ગઇ હતી, હિન્દુ સંગઠનના લોકો પહોંચતા હોબાળો કરી રહેલા ટોળાએ એ પાંચ-છ લોકોને ઘેરી લેતા મામલો તંગ થઇ ગયો હતો, ઘટનાની જાણ કરાતા પોલીસના ધાડા સ્થળ પર ઉતારી દેવાયા હતા અને દેખાવ કરી રહેલા ટોળામાં રહેલા કેટલાક શખ્સોને ઉઠાવી લઇ માલવિયાનગર પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા, દેખાવકારોને પોલીસ સ્ટેશને લઇ ગયાની વાત વાયુવેગે ફેલાઇ જતાં તેમના ટેકેદારો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચતા મામલો વધુ તંગ થઇ ગયો હતો. ડીસીપી ડો.સુધીર દેસાઇ પણ પોલીસ મથકે પહોંચ્યા હતા.
ડીસીપી દેસાઇએ આ મામલે જણાવ્યું હતું કે, કેટલાક લોકો રાજનગર ચોકમાં મનુંસ્મૃતિના વિરોધમાં સુત્રોચ્ચાર કરી રહ્યા હતા અને કોઇ રાહદારીએ જાણ કરતાં પોલીસ જાણ કરનાર અને સુત્રોચ્ચાર કરનારને પોલીસ સ્ટેશને લઇ આવી હતી, દેખાવકારોએ હિન્દુ દેવી દેવતાઓના ફોટા સળગાવ્યા નથી અને બંને પક્ષે સમાધાન થઇ જતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે ઘટના બાદ લોકોમાં ચર્ચાતી વાતો મુજબ ટોળાએ દેવી દેવતાના પોસ્ટર સળગાવ્યા હતા, જો આવી સ્થિતી નહોતી તો પોલીસના ધાડા શા માટે ઉતારાયા હતા?, પોલીસ આ મામલે પડદો પાડી રહ્યાની પણ ચર્ચાઓ શરૂ થઇ હતી.
CCTV કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવે તો સત્ય બહાર આવે
રાજનગર ચોકમાં છાશવારે છમકલા થતાં હોય ચોકમાં ચારેય દિશામાં આઇવે પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાછે, ટોળાએ હિન્દુ દેવી દેવતાઓના ફોટા સળગાવ્યાની ચર્ચા શરૂ થઇછે, ડીસીપી દેસાઇ કહેછે કે મનુસ્મૃતિના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, પોસ્ટર સળગાવ્યાની વાત માત્ર અફવાછે, મહાનગર પાલિકાના અધિકારી અને પોલીસ અધિકારીઓ સીસીટીવી ફુટેજ ચેક કરે તો સાચી સ્થિતી શુંછે તે બહાર આવી શકે, અધિકારીઓ દ્વારા આવું કરવામાં આવશે કે મામલો થાળે પાડી દેવાશે તે આગામી કલાકોમાં સ્પષ્ટ થઇ જશે.