દિવાળી પછી 16 નવેમ્બરથી ફરી લગ્નનાં સારા મુહૂર્ત
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના મહામારીમાં સરકારની ગાઈડલાઈન સાથે હાલ મહદંશે સાદગીથી લગ્નોત્સવ થઇ રહ્યા છે. જોકે તાજેતરમાં જ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે લગ્ન પ્રસંગમાં 100 લોકો બોલાવી શકવાની છૂટ આપી છે. ચાલુ મહિનામાં 15મી જુલાઈના રોજ લગ્ન માટેનું છેલ્લું સારું મુહૂર્ત હોવાનું પંડિતો જણાવે છે. ત્યારબાદ લગ્ન કરવા ઈચ્છુક યુગલોએ ત્રણ મહિના સુધી રાહ જોવી પડશે. એટલે કે, 15મીએ છેલ્લા મુહૂર્ત બાદ દિવાળી પછી ફરી લગ્નની સિઝન ખીલશે. 16 નવેમ્બરથી લગ્ન માટેના સારા મુહૂર્તની શરૂઆત થશે.
11મી જુલાઈએ રવિ પુષ્યામૃત યોગનો દિવસ છે અને આ દિવસથી અષાઢ મહિનાનો પ્રારંભ થશે અને તહેવારોની શૃંખલા પણ શરૂ થશે. અષાઢ સુદ પાંચમને ગુરુવારને તારીખ 15 જુલાઈએ લગ્નનું છેલ્લું મુહૂર્ત છે. તારીખ 12 નવેમ્બરને દિવસે દેવઊઠી એકાદશી છે. આ દિવસથી દેવતાઓ જાગે છે અને લગ્નસરાની સિઝન શરૂ થાય છે.


