ચેક રિટર્ન કેસમાં આરોપી ગોરખ નાયકવાડને સજા અને વળતર ચૂકવવા આદેશ; આર્થિક વ્યવહાર અર્થવ્યવસ્થાની જીવનરેખા સમાન હોવાનું અદાલતનું મહત્વનું અવલોકન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની અદાલતે રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચર્યા બાદ આપેલા ચેક રિટર્ન થવાના કેસમાં મહારાષ્ટ્રના જલગાંવના એક શિક્ષકને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. અદાલતે આરોપીને ચેકની રકમ વળતર પેટે ચૂકવવાનો પણ આદેશ કર્યો છે, અને જો રકમ ન ચૂકવાય તો વધુ 6 માસની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
મહારાષ્ટ્રના વતની અને હાલ રાજકોટમાં રહેતા દેવેન્દ્રભાઈ પાટીલના પુત્રને રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી જલગાંવની મમતા સ્કૂલના શિક્ષક ગોરખ છાબુ નાયકવાડે વિશ્વાસમાં લીધા હતા. આરોપીએ પોતાની રેલ્વેમાં મોટી ઓળખાણ હોવાનું જણાવી ફરિયાદી પાસેથી ઓનલાઈન અને રોકડ સ્વરૂપે મોટી રકમ પડાવી હતી. એટલું જ નહીં, આરોપીએ રેલ્વેના બોગસ એપોઈન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા. છેતરાયા હોવાની જાણ થતા ફરિયાદીએ રકમ પરત માંગતા આરોપીએ નોટરાઈઝડ લખાણ કરી આપ્યું હતું અને બાકી નીકળતી રકમ પેટે બે ચેકો આપ્યા હતા. ફરિયાદી દ્વારા બેંકમાં રજૂ કરાયેલા બંને ચેકો “ફંડ્સ ઇનસફિશિયન્ટ” ના શેરા સાથે પરત ફરતા અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓ અને કાયદાકીય દલીલોને ધ્યાને રાખી અદાલતે અવલોકન કર્યું કે, આર્થિક વ્યવહારો દેશની અર્થવ્યવસ્થા માટે જીવનરેખા સમાન છે અને તેમાં છેતરપિંડી કરનારા તત્વો સામે દાખલારૂપ સજા થવી જરૂરી છે. પરિણામે, અદાલતે આરોપી ગોરખ નાયકવાડને કલમ-138 હેઠળ દોષિત ઠેરવી 1 વર્ષની કેદની સજા અને વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી દેવેન્દ્રભાઈ પાટીલ વતી ’યુવા લો એસોસિએટ’ ના એડવોકેટ કિરીટ નકુમ, હેમાંસુ પારેખ, કુલદીપ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા સફળ રજૂઆત કરવામાં આવી હતી.



