રાજકોટની અદાલત દ્વારા બે વર્ષની સજાની જોગવાઈ હેઠળ સંપૂર્ણ સજા કરવાનો ભાગ્યે જ બનતો નિર્ણય; બે મહિનામાં રકમ ન ચૂકવાય તો વધુ એક માસની સજા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચેક રીટર્નના કેસોમાં ભાગ્યે જ સંપૂર્ણ સજા થતી હોવા છતાં રાજકોટની અદાલતે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. રૂ. 6.25 લાખના ચેક રીટર્ન કેસમાં રાધેક્રિષ્ના એન્ટરપ્રાઈઝના સંજય રમેશભાઈ હરસોરાને બે વર્ષની સજા તથા ફરીયાદી જગદીશ કિશોરભાઈ ટીંબડીયાને બે માસની અંદર ચેકની રકમ ચુકવવાનો આદેશ આપ્યો છે. જો આ સમયમર્યાદામાં ચુકવણી નહીં થાય તો વધુ એક માસની સજા ભોગવવી પડશે. મહે. એડી. ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે આપેલો આ ચુકાદો ચેક રીટર્ન કેસોમાં સીમાચિહ્નરૂપ બની રહ્યો છે.
નવા થોરાળા વિસ્તારમાં જે.એમ. ટ્રેડિંગ તથા બાલાજી સ્ટીલના નામે ધંધો કરતા ફરીયાદી જગદીશ ટીંબડીયાએ મિત્રતાના દાવે સંજય હરસોરાને રૂ. 6.25 લાખ આપ્યા હતા. આરોપીએ રાધેક્રિષ્ના એન્ટરપ્રાઈઝના નામે ચેક આપ્યો હતો, પરંતુ બેંકમાં જમા કરતાં અપુરતા નાણાંના કારણે ચેક રીટર્ન થયો. નોટિસ આપ્યા છતાં પણ રકમ પરત ન કરાતા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ફરિયાદીના એડવોકેટ સુરેશ ફળદુએ દલીલ કરી હતી કે ફરિયાદીના કાયદેસરના લેણા પેટે ચેક ઈશ્યુ થયેલ છે, ચેકની સહી કે વિગતનો ઈન્કાર નથી, અને આરોપી પક્ષ ફરિયાદીના પુરાવાનું સચોટ ખંડન કરવામાં નિષ્ફળ નીવડ્યો છે.
આરોપી પક્ષે ફરીયાદીના પુરાવાનું ખંડન કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ચેક પર સહી અંગે કોઈ તકરાર ન હોવાનું તથા કાયદેસર લેણા માટે ચેક આપવામાં આવ્યો હોવાનું પુરાવાથી સ્પષ્ટ થયું. અદાલતે ફરીયાદી પક્ષનો કેસ પુરવાર માની આરોપીને દોષિત ઠરાવ્યો હતો.
આ ચુકાદો ચેક રીટર્ન કેસોમાં કડકાઈથી સજા કરવાની દિશામાં સીમાચીન્હરૂપ માનવામાં આવી રહ્યો છે. આ ચુકાદાને કારણે ભવિષ્યમાં ચેક રીટર્ન કેસોના આરોપીઓમાં ચર્ચા જગાવવાની સાથે કાયદેસર લેણા ચુકવવામાં ગંભીરતા વધવાની સંભાવના છે.
આ કેસમાં ફરીયાદી તરફેથી એડવોકેટ સુરેશ ફળદુ સાથે ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ અને સાહીલ કંટારીયા હાજર રહ્યા હતા. જ્યારે મદદરૂપ તરીકે નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા અને રાહીલ ફળદુ જોડાયા હતા.



