મકાનમાં રિનોવેશન કરવા ગયા ત્યારે ખબર પડી કે કોઈ ઘૂસી ગયું છે
‘મકાન મારા ભાયું ભાગનું છે, થાય તે કરી લ્યો’ કહી ધમકી આપી હતી
ખાસ-ખબર સંવાદદાતા
મવડી રેવન્યુ સરવેમાં ઇમારત બાંધવાની મંજૂરીવાળી પુનિત નગર કો. ઓ. હા. સોસાયટીમાં મનસુખભાઇ વલ્લભભાઇ નિમાવત નામની વ્યક્તિનું 92 ચો.વારનું મકાન વેચાણ દસ્તાવેજથી 2021માં રૂ.12 લાખમાં ખરીદ કર્યું હતું. મકાન પત્નીના નામે ખરીદ્યું હતું. મકાનનો દસ્તાવેજ કોર્ટના પ્રોબેટના આધારે કરી આપ્યા બાદ મકાનનો કબજો અમારી પાસે હતો. જેની પાસેથી મકાન ખરીદ કર્યું તે મનસુખભાઇના પિતાની માલિકીનું મકાન હતું. તેમના અવસાન બાદ સીધી લીટીના વારસદાર તરીકે વારસાઇ સર્ટિ. મેળવી તેના આધારે તેને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.મકાન ખરીદ કર્યા બાદ વાંધા મુદ્દે નોટિસ પણ આપી હતી ત્યારે કોઇએ વાંધો લીધો ન હતો. બાદમાં ખરીદેલા મકાનમાં સમારકામ કરાવવાનું હોય 2022માં મકાને ગયા ત્યારે બંધ મકાનમાં કોઇ રહેતું હોવાનું જાણવા મળ્યું હતું તપાસ કરતા મકાનમાં મનસુખભાઇનો ભાઇ ભરત નિમાવત રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેને આ મકાન અમારું છે, તમે કોણ છો તેવું પૂછતા ભરતે પોતે તેના પરિવાર સાથે અહીં રહેતા હોવાનું જણાવ્યું હતું મકાનના દસ્તાવેજો બતાવી મકાન ખાલી કરવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને આ મકાન અમારા ભાયું ભાગનું છે ખાલી નથી કરવું થાઇ તે કરી લ્યો તેવું કહેતા મૂળ માલિકને વાત કરતા તેમને પણ ભરતનો કોઇ હક્ક હિસ્સો નહિ હોવાની વાત કરી હતી. ત્યાર બાદ ભરતને અનેક વખત મકાન ખાલી કરવા જણાવ્યું હતું. તેમ છતાં મકાન ખાલી નહિ કરતાં કલેક્ટર તંત્રમાં અરજી કરી હતી. જે અરજી આધારે ફરિયાદ નોંધવા જણાવતા ભરત નિમાવત સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.આર.પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.