જામવાડી ખાતે પ્રાંત અધિકારીએ પોતે અડિંગો જમાવી માફિયાઓને પડકાર ફેંક્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં થતી ખનિજ ચોરીની સામે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ઈતિહાસમાં ક્યારેય નહીં થઈ હોય તે પ્રકારની કડક કાર્યવાહી હાથ ધરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કોલસા અને સફેદ માટી જેવા ખનિજની ચોરી થઈ રહી છે ખાસ કરીને થાનગઢ અને મૂળી પંથકમાં છેલ્લા ત્રીસ વર્ષથી ગેરકાયદેસર ખનન ચલાવતા ખનિજ માફીયાઓ સામે ચોટીલા પ્રાંત અધિકારી આકરાં પગલાં ભરતા હવે ખનિજ માફીયાઓ પણ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. હાલના જ ચોટીલા પ્રાંતનાધિકારી દ્વારા મુળી તાલુકાના કુલ પાચ ગામોમાં કોલસાના કુઆ પર દરોડા કરી કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ હવે પ્રાંત અધિકારી દ્વારા આ તમામ ગેરકાયદેસર ખાણો જે જમીન પર ચાલતી હોય તે જમીનનો સર્વે કરી.
- Advertisement -
માલિકીની જમીન ખાલસા કરવાનો અને સરકારી જમીન પર ચાલતી ખાણોમાં ખનિજ માફીયાઓ પર લેન્ડ ગ્રેબિંગ મુજબની કાર્યવાહી કરવાની તૈયારી આદરી છે. આ સાથે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા અગાઉ થાનગઢના જામવાડી અને ભડુલા વિસ્તારમાં ઝડપી પડેલ કોલસાની ખનિજ ચોરી બાદ હવે અહીં ફરીથી ખનન શરૂ ન થાય તે માટે પોતાની ટીમના કર્મચારીઓને વિસ્તાર વાઇઝ રાઉન્ડમાં જવા માટેની સૂચના આપી છે જેમાં જામવાડી અને ભડુલા વિસ્તાર પ્રાંત અધિકારીએ પોતાની દેખરેખ હેઠળ રાખી આ વિસ્તારમાં જઈ ખનિજ માફિયાઓને હવે કોલસાની ખનિજ ચોરી કરવાનો પડકાર ફેંક્યો હતો. જોકે કોલસાના ગેરકાયદેસર ખનનના ઇતિહાસમાં આજદિન સુધી એકપણ અધિકારી દ્વારા આ પ્રકારની કાર્યવાહી હાથ નહીં ધરતા ખનિજ માફીયાઓ પણ મૂંઝવણમાં મુકાયા છે.


