કૌટુંબિક સંબંધનો લાભ લઈ પિતા-પુત્રે ખેડૂતની જમીન હડપી, બેંક કર્મચારીઓની સાંઠગાંઠ સામે આવી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.29
મોરબી જિલ્લામાં વધુ એક મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે. નવાગામ લગધીરનગરના ખેડૂત પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજાએ આરોપ મૂક્યો છે કે કૌટુંબિક સંબંધી કનૈયાલાલ દેત્રોજા અને તેનો પુત્ર વિશ્વાસ કનૈયાલાલે, નશાની હાલતમાં તેમની કરોડોની જમીનના દસ્તાવેજ કરાવી લીધા હતા. માત્ર એટલું જ નહીં, પરંતુ ખેડૂતના બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી ખોટી સહીઓ મારફતે ચેકબૂકનો ઉપયોગ કરી અલગ-અલગ બેંક ખાતામાં રૂ. 1.14 કરોડ જેટલી રકમ ટ્રાન્સફર કરી છે. આ સમગ્ર કેસમાં બેંકની ભૂમિકા શંકાસ્પદ બની છે. કારણ કે ચેકબૂક લેવા બેંકના સફાઈ કર્મચારી અશોક મકવાણાની ખોટી સહી કરાઈ હતી અને બાદમાં નવી ચેકબૂક જારી કરવામાં આવી હતી. આથી બેંક મેનેજર સહિત અન્ય કર્મચારીઓ સામે પણ ગુનો નોંધાયો છે.
- Advertisement -
ખેડૂતે અનેક વખત પોલીસ પાસે રજૂઆત કરી હોવા છતાં ફરિયાદ નોંધાઈ ન હતી. અંતે કોર્ટના આદેશ બાદ મોરબી એ ડિવિઝન પોલીસે પિતા-પુત્ર કનૈયાલાલ અને વિશ્વાસ દેત્રોજા, ઉપેન્દ્રભાઈ કાસુન્દ્રા, આર.ડી.સી. બેંક મેનેજર ડી.આર. વડાવીયા અને અશોક મકવાણા સહિત પાંચ લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 420, 465, 467, 471, 114 અને 120(ઇ) હેઠળ ગુનો નોંધ્યો છે.
હાલ મોરબી પોલીસે આ સમગ્ર જમીન કૌભાંડમાં બેંક કર્મચારીઓની સંડોવણી છે કે નહીં તેની દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
છેતરપિંડી કેવી રીતે થઈ?
કનૈયાલાલે ફરિયાદીને હોટલમાં ભાગીદારીનો પ્રલોભન આપ્યો.
અમદાવાદ લઈ જઈ દારૂ પીવડાવી સબ-રજીસ્ટર ઓફિસમાં જમીનના દસ્તાવેજ કરાવી લીધા.
ફરિયાદીની માલિકીની જાસપુર મુકામે આવેલ 2 પ્લોટની જમીન કૌભાંડમાં હડપાઈ.
બાદમાં ખેડૂતના બેંક ખાતામાં અંદાજે 1.14 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા અને તરત જ ખોટી સહીઓ દ્વારા આરટીએસજીથી ઉપાડી લેવાયા.
રૂપિયા “ગુરુકૃપા કેટરર્સ” “શ્રી કિસના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ” “રેલાટેન્સ ટેકનોલોજી” જેવી પેઢીઓમાં જમા કરાયા હતા.



