રજૂ કરેલા દસ્તાવેજમાં માત્ર આકારણી નંબરનો જ ઉલ્લેખ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
રાજ્યમાં સરકારી અને ગૌચર જમીનને હડપ કરવાનું વારંવાર સામે આવે છે તેવામાં ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર રોડ પર આવેલી અતિ કિંમતી જમીનને પણ આ પ્રકારે હડપ કરવાનું કૌભાડ હોવાની આશંકા સાથે અગાઉ “ખાસ-ખબર” દ્વારા અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો જેમાં ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર રોડ પર પાંચ પૂરની દરગાહ સામે રોડ ટચ જમીન પર ગેરકાયદેસર બાંધકામ ઉભુ કરી દુકાનોને બરોબર વેચાણ કરી હોવાનું જણાવ્યું હતું આ અહેવાલને ધ્યાને લઈ ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપભાઈ આચાર્ય દ્વારા દુકાનના કબજેદારોને નોટિસ આપી સાત દિવસમાં પોતાના દુકાનોના દસ્તાવેજો પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું આ તરફ કિંમતી જમીનને હડપ કરવાનો કારશો ઘડનાર અને ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનો બારોબાર વેચી પૂર્વ સરપંચ દ્વારા ધ્રાંગધ્રા મામલતદારની દબાણ શાખા ખાતે પોતાનો દસ્તાવેજ રજૂ કર્યો હતો જોકે આ દસ્તાવેજ રજૂ કરતા જમીન કૌભાડ હોવાની આશંકા પણ વ્યક્ત થઈ છે.
- Advertisement -
કારણ કે જે દસ્તાવેજ રજૂ કરાયો તેમાં ક્યાંય સર્વે નંબરની ઉલ્લેખ નથી માત્ર આકારણી નંબર 1463 દર્શાવેલ છે. જે બાબતે નાયબ મામલતદાર દ્વારા જણાવ્યું હતું કે ” પક્ષકાર દ્વારા રજૂ કરેલ પુરાવામાં દસ્તાવેજ રજૂ કર્યો છે જેમાં ક્યાંય પણ જમીનનો સર્વે નંબર રજૂ કરાયો નથી અને જો કદાચ આ જમીન વાડા હેતુ ફાળવવામાં આવી હોય તો પણ જમીન પર બાંધકામ કરી શકાય નહીં જેથી જમીનનો હેતુ ફેર થયો હોવાનું સ્પષ્ટ સાબિત થશે તો જમીન પર કરેલું બાંધકામ દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે સ્પષ્ટપણે રોડ ટચ જમીનને આકરણી મારફતે પોતાના નામે ચડાવી હડપ કરવાનું કૌભાડ હોય તેવી આશંકા પણ વ્યક્ત કરાઈ છે.