જસદણના કમળાપુર ગામે 30 વીઘા ખેતીની જમીન પર વીજપોલ નાખી દબાણ કર્યું
આડેધડ ઉભા કરેલા વીજપોલથી વડાળી ગામે ડઝનબંધ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જસદણ
જસદણ તાલુકાના કમળાપુર ગામે ખાતા નં.1330 રેવન્યુ સર્વે નંબર 771 પૈકી 1ની ખેતીની જમીન લીલાબેન માવજીભાઇ મકવાણા અને સુખાભાઇ જેસાભાઇ સરીયાના સંયુક્ત નામે આવેલી છે. આ જમીન પર અમારી પરવાનગી લીધા વિના જ વિન્ડ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ વીજપોલ ઉભા કરી દીધા છે અને અમારી માલીકીની જગ્યામાં દબાણ કર્યું છે. આ દબાણના કારણે અમને ખેતી કામમાં અડચણ ઉભી થાય છે અને પોલ લોખંડના હોવાથી શોર્ટ સર્કિટનો પણ ભય રહે છે. તેમજ પાક તૈયાર થયા બાદ આગ લાગવા જેવી ઘટના બને તેની શક્યતા છે. આ ઉપરાંત વિન્ડ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ વડાળી ગામે નાખેલા વીજપોલ નદીમાં પડી જતા ડઝનબંધ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થયા છે. આમ અમારી માલિકીની જગ્યા પર કંપનીએ વીજપોલ ઉભા કરી દેતા તેમની સામે લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ કરવામાં
આવી છે.
પોલ તેની જગ્યાએ જ રહેશે, તમારે જ્યા જવુ હોય ત્યાં જાવ અમારી પહોંચ બહુ ઉપર સુધી છે
વડાળી સબસ્ટેશન ખાતે સુખાભાઇ સરીયા રૂબરૂ રજૂઆત કરવા ગયા ત્યારે એડમીન હેડ દિપકસિંહે જણાવ્યુ કે આ પોલ તેની જગ્યાએ જ રહેશે અને ત્યાંથી કોઇપણ જગ્યાએ નહીં જાય, તમારે જ્યા જવુ હોય ત્યાં જાવ અમારી પહોંચ બહુ ઉપર સુધી છે. અમારું કોઇ કાંઇ બગાડી લેવાનું નથી અને બહારથી માણસો બોલાવી તમારા હાથ પગ ભંગાવી નાખશુ તો ખબર પણ નહીં પડે અને વીજપોલ હટાવવાના થતા નથી. તેમજ અપશબ્દો બોલવા લાગ્યા હતા. આ ઉપરાંત સબ સ્ટેશન હેડ નાગાઅરજણ કેશવાલા અને લાયઝનીંગ ઓફિસર પ્રિતેશ ભટને રજૂઆત કરતા તેઓએ પણ જણાવ્યુ કે તમારી જમીનમાં રહેલા પોલ હટાવવાના થતા નથી અને ભલે તમારો પાક બળી જાય કે પશુ કે માણસો શોર્ટ સર્કિટથી મૃત્યુ પામે તોય અમારે પોલ કાઢવાના થતા નથી અને તમારે જ્યા જવુ હોય ત્યા જાવ અમારુ કોઇકાંઇ બગાડી લેવાનું નથી. તેમજ આ પોલ નહીં હટે પણ તમારી જમીન પણ અમે કબજામાં લઇ લેશુ.