બનેવી રાજકોટમાં નોકરી કરતા ત્યારે સંબંધના દાવે ભાડા વિના રહેવા આપ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
રાજકોટના રૈયા વિસ્તારમાં આવેલું મકાન નિવૃત્ત સર્કલ ઓફિસરે તેના કાકાના દીકરીને રહેવા માટે ભાડા વિના આપ્યું હતું, જે મકાન પર કબજો કરી લેનાર બહેન સામે નિવૃત્ત સર્કલ અધિકારીએ લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરી હતી.
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના બેડિયા ગામે રહેતા જામનગર જિલ્લાના નિવૃત્ત સર્કલ ઓફિસર નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા ઉ.78એ તેમના સગા કાકાની દીકરી રંજનબા બળદેવસિંહ રાયજાદા સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રૈયાના ગોપાલ ચોક પાસે ભીડભંજન સોસાયટીમાં આવેલું મકાન તેમણે વર્ષ 1994માં ખરીદ કર્યું હતું, પોતે જામનગર જિલ્લામાં રહેતા હોય તે મકાન ખાલી રહેતું હતું દરમિયાન તેમના કાકાના દીકરી રંજનબા અને તેમના પતિ બળદેવસિંહ રાયજાદા રાજકોટના ખોડિયારનગરમાં ભાડે રહેતા હોય બહેને રહેવા માટે મકાન આપવાનું કહેતા નરેન્દ્રસિંહે પોતાનું રૈયાનું મકાન ભાડા વગર તેમને રહેવા આપ્યું હતું બનેવી નરેન્દ્રસિંહ વર્ષ 2005માં નિવૃત્ત થતાં તેમણે બહેન રંજનબાને મકાન ખાલી કરવાનું કહેતા બહેન અને બનેવીએ થોડા સમયમાં ખાલી કરી આપશું તેવી વાત કરી હતી. વર્ષ 2012માં બળદેવસિંહ રાયજાદા જિલ્લા પંચાયતમાંથી નિવૃત્ત થયા ત્યારે પણ નરેન્દ્રસિંહે મકાન ખાલી કરવાનું કહ્યું હતું, પરંતુ બહેન બનેવીએ મકાન ખાલી કર્યું નહોતું. પાંચ વર્ષ પહેલાં બનેવી બળદેવસિંહનું નિધન થયું હતું અને ત્યારબાદ બહેન રંજનબાએ મકાન ખાલી કરવાની ના કહી દીધી હતી. પોલીસે નરેન્દ્રસિંહની ફરિયાદ પરથી રંજનબા બળદેવસિંહ રાયજાદા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.