ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના પેરિસ તરીકે જાણીતી સીરામીકનગરીને જમીન કૌભાંડનગરી કહીએ તો નવાઈ નથી કારણકે મોરબી જીલ્લામાં પણ ધીમે ધીમે પારકી જમીન પચાવી પાડવાના કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે મોરબીના ઉંચી માંડલ ગામે વૃદ્ધની 1550 ચોરસ મીટર જમીન પચાવી પાડવા માટે ખોટા દસ્તાવેજ ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરીને તેના આધારે લેઆઉટ પ્લાન મંજૂર કરાવનાર બે શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે ચાર ભાઈઓ વચ્ચે સંયુક્ત ખેતીની જમીન ધરાવતા અને રાજકોટ રહેતા વિરજીભાઈ રામજીભાઈ કાલરીયાએ મોરબીના આલાપ રોડ ઉપર અંજની સોસાયટીમાં રહેતા આરોપી વલમજીભાઈ ભુદરભાઈ કાલરીયા અને મોરબીના રવાપર રોડ ઉપર નટરાજ પાન પાછળ ગૌતમ સોસાયટીમાં રહેતા પરેશભાઈ ધનજીભાઈ પાંચોટીયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓની સંયુક્ત માલિકીની ઉંચી માંડલ ગામની સીમમાં સર્વે નંબર 126/1 પૈકી 1 ની જમીન આવેલી છે જે જમીનમાંથી આશરે 1550 ચોરસ મીટર જમીન પચાવી પાડવાના આશયથી આરોપીઓએ ફરિયાદી તેમજ સાહેદની જાણ બહાર બનાવટી સંમતિપત્ર બનાવીને નગર નિયોજક પાસેથી લેઆઉટ પ્લાન મંજૂર કરાવી જમીનનો વપરાશી હક્ક દર્શાવી બનાવટી દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરીને જમીન હડપ કરી લેતા હાલમાં આ મામલે વૃદ્ધે નોંધાવેલી ફરિયાદના આધારે તાલુકા પોલીસે બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.