74 વર્ષ બાદ ચિત્તા દેશમાં પરત ફરી રહ્યા છે. નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા આઠ ચિત્તાઓને આજે મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે નેશનલ પાર્કમાં ચિત્તા છોડશે, પરંતુ તે પહેલા જ એક વિવાદ શરૂ થઈ ગયો છે. ચિત્તાઓનું નવું ઘર શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં જમીનને લઈને આ વિવાદ ઊભો થયો છે. હકીકતમાં, પાલપુર રાજવીઓના વંશજોએ અભ્યારણ માટે આપવામાં આવેલી જમીનને લઈને કોર્ટમાં અરજી કરી છે, જેની સુનાવણી 19 સપ્ટેમ્બરે થશે.
રાજવી પરિવારના વંશજો દ્વારા આપવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ જમીન સિંહોને રાખવા માટે આપવામાં આવી હતી, પરંતુ હવે આ સેન્ચુરીમાં ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. પાલપુર રાજવીઓના વંશજોએ વિડિયો બહાર પાડ્યો અને તેમની પીડા વર્ણવતા કહ્યું, “કાં તો અમને અમારી જમીન પાછી આપવામાં આવે અથવા સિંહોને સેન્ચુરી (અભ્યારણ)માં લાવવામાં આવે.”
- Advertisement -
પાલપુર રાજવી પરિવાર વતી શ્યોપુર જિલ્લામાં સ્થિત વિજયપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ગ્વાલિયર હાઈકોર્ટના આદેશની અવમાનના માટેની અરજી દાખલ કરવામાં આવી છે. પાલપુર રાજ પરિવારનું કહેવું છે કે, હાઈકોર્ટે જિલ્લા વહીવટીતંત્રને અમારી અરજી અને દાવાઓના જવાબમાં જવાબ આપવા કહ્યું હતું. હાઇકોર્ટનો સીધો આદેશ હોવા છતાં કલેકટરે અમારી અરજીનો ઉલ્લેખ કર્યા વગર રિપોર્ટ રજૂ કરીને જમીન સંપાદન કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આગામી સુનાવણી 19 સપ્ટેમ્બરે વિજયપુર એડીજે કોર્ટમાં થશે.
#WATCH | The special chartered cargo flight, carrying 8 cheetahs from Namibia, landed at the Indian Air Force Station in Gwalior, Madhya Pradesh. pic.twitter.com/xFmWod7uG5
— ANI (@ANI) September 17, 2022
- Advertisement -
શું છે રાજવી પરિવારનો દાવો ?
રાજ પરિવાર વતી દાખલ કરવામાં આવેલી અરજીમાં કુનો નેશનલ પાર્કની અંદર વહીવટીતંત્ર દ્વારા અધિગ્રહિત કરાયેલા કિલ્લા અને રાજ પરિવારની જમીનનો કબજો પરત કરવાની માંગ કરવામાં આવી છે. પાલપુર રાજવી પરિવારનો દાવો છે કે, તેઓએ પોતાનો કિલ્લો અને જમીન સિંહો માટે આપી હતી ચિત્તાઓ માટે નહીં. જો સિંહો આવ્યા હોત તો જંગલ બચી ગયું હોત, પરંતુ હવે ચિત્તાઓ માટે મેદાન બનાવવામાં આવી રહ્યું છે અને વૃક્ષો કપાઈ રહ્યા છે.
રાજવી પરિવાર તરફથી કહેવામાં આવ્યું છે કે, જ્યારે કુનોને ગીરના સિંહોને લાવવા માટે અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું ત્યારે તેણે પોતાનો કિલ્લો અને 260 વીઘા જમીન ખાલી કરવી પડી હતી. પાલપુર રાજવી પરિવારના વંશજોએ તેમની પૈતૃક સંપત્તિ પાછી મેળવવા માટે રાજ્ય સરકાર સામે કોર્ટમાં અરજી કરી હતી. કુનો-પાલપુર પર શાસન કરનારા પરિવારના વંશજ ગોપાલ દેવ સિંહે જણાવ્યું કે, તેમણે મિલકત પાછી મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.
શું છે સમગ્ર જમીન વિવાદ ?
વાસ્તવમાં, પાલપુર રજવાડાના વંશજો શિવરાજ કુંવર, પુષ્પરાજ સિંહ, કૃષ્ણરાજ સિંહ, વિક્રમરાજ સિંહ, ચંદ્રપ્રભા સિંહ, વિજયા કુમારી વગેરેએ વર્ષ 2010માં ગ્વાલિયર હાઈકોર્ટમાં કુનો સેન્ચ્યુરી માટે જમીન સંપાદન વિરુદ્ધ અરજી કરી હતી. અરજીમાં આપવામાં આવેલા તથ્યો પર સંતોષ વ્યક્ત કરતાં હાઈકોર્ટે કહ્યું હતું કે, આ મામલો સેશન્સ કોર્ટનો છે. હાઈકોર્ટ આવા કેસની સીધી સુનાવણી કરતી નથી. તેથી વર્ષ 2013માં શ્યોપુર કલેક્ટર મારફત કોર્ટે આ મામલો વિજયપુર સેશન્સ કોર્ટમાં લઈ જવાનો આદેશ આપ્યો હતો.
2013થી શ્યોપુરમાં તૈનાત કલેક્ટર મામલો સ્થગિત રાખતા હતા. પાલપુર રજવાડાના વંશજોએ વર્ષ 2019માં શ્યોપુર કલેક્ટર સામે હાઈકોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી હતી, જ્યારે તત્કાલીન કલેક્ટરે ઉતાવળમાં આ કેસ વિજયપુર સેશન્સ કોર્ટમાં મોકલ્યો હતો. પાલપુરના રજવાડાનો આરોપ છે કે, કલેક્ટરે ખોટી માહિતી આપીને કેસ રજૂ કર્યો હતો. હાઈકોર્ટના આદેશના અવમાનના વિરોધમાં પાલપુરના રાજવી પરિવારે વિજયપુર કોર્ટમાં અરજી કરી છે, જેની પ્રથમ સુનાવણી 8મી સપ્ટેમ્બરે થઈ હતી અને આગામી સુનાવણી 19મી સપ્ટેમ્બરના રોજ યોજાશે.