ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લા સમસ્ત રબારી સમાજની સમાજવાડી અને વિદ્યાર્થીભવન માટે રાજ્ય સરકાર દ્વારા રવાપર રોડથી લીલાપર તરફ જતા કેનાલ રોડ ઉપર 6000 ચોરસ મીટરથી વધુ જમીનની મંજૂરીનો હુકમ કરતા રબારી સમાજ દ્વારા રાજ્યમંત્રીનું પુષ્પગૃચ્છ આપી તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
હાલમાં રાજ્ય સરકારે માનવતાવાદી અભિગમ દાખવી રબારી સમાજની લગભગ ત્રણ પેઢી જૂની માંગણીને પૂર્ણ કરી છે. રબારી સમાજની છેલ્લા ઘણા સમયથી રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવન માટેની માંગણી હતી જેથી રાજ્યમંત્રી મેરજાએ રબારી સમાજના અગ્રણી અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયાને સાથે રાખી મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી જેના પગલે 30 જ દિવસમાં આ માંગણીને ધ્યાને લઈ તેને મંજૂરી આપવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા પોશ વિસ્તારમાં આ રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવનની જમીન માટે હુકમ કરી દેવામાં આવ્યો છે જેથી રબારી સમાજના આગેવાનોએ રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.