‘ફૂલો કા તારો કા, સબકા કેહના હૈ, એક હજારો મે મેરી બહના હૈ’
20થી લઈને 600 સુધીની રાખડીનું બજારમાં વેચાણ શરૂ: મિનિયન્સ, ડોરેમોન, પોકેમોન, સ્પાઇડરમેન, BEN 10, એવેન્જર જેવા કાર્ટૂન ટોયઝવાળી રાખડી બાળકોનું આકર્ષણ જમાવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનનો તહેવાર એ ભાઇ અને બહેનના પ્રેમનું પ્રતિક છે. દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. બહેનો પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધીને તેમના દીર્ઘ આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. બીજી તરફ ભાઈ બહેનના રક્ષણનો સંકલ્પ કરે છે. રક્ષાબંધન તહેવાર માત્ર એક દોરાનું બંધન નથી, તે હૃદયનો સંબંધ છે. આ તહેવારો સમાજમાં પ્રેમ, બંધુત્વ અને માનવતા જેવી મૂલ્યવાન ભાવનાઓને જાગૃત કરે છે. આગામી 9 ઓગસ્ટને શનિવારના રોજ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવશે.
મેરેબલ મટીરિયલ રાખડી, સ્ટોન રાખડીમાં કપલ રાખડી અને સિંગલ રાખડીનું વેચાણ વધુ
- Advertisement -
રોઝ ગોલ્ડ બેલ્ટ સાથે મેટલના બનેલ ત્રિશુલ અને ૐ લગાવેલી રાખડી બજારમાં વધુ જોવા મળે છે: રેડીમેટ ગિફ્ટ પેકિંગ બોક્સ સાથેની રાખડીની ડિમાન્ડ
ભાભી માટે લુમ્બા રાખડી સાથે રાખડી થાળ જેમાં થાળની વચ્ચે મોર, કળશ, કમળ, સ્વસ્તિક, શુભ-લાભ તેમજ કંકુ અને ચોખાની સજાવટ માટે અલગથી ડબ્બી હોય છે
હાલ શહેરની બજારોમાં રાખડીની દુકાનો પર ભારે ભીડ જામી રહી છે અને વિવિધ પ્રકારની કલાત્મક રાખડીઓની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. બજારોમાં બહેનો દ્વારા રાખડીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. હાલ બજારમાં વિવિધ પ્રકારની રાખડી આવી ગઈ છે. જેમાં ક્રિસ્ટલ રાખડી, મેટ ફિનિશ રાખડી, મેરેબલ મટીરીયલ રાખડી, કપલ રાખડી, એવિલ આઈ રાખડી, બેલ્ટ રાખડી તેમજ આ સાથે સાદા દોરામાં રૂદ્રાક્ષ, શ્રીરામ, ડાયમંડ, શિવ, જર્મન સિલ્વર, બાળ રાધા શ્રીકૃષ્ણ સહિતની અનેકવિધ વેરાયટી સાથેની રાખડી જોવા મળી રહી છે. આ સાથે લેમિનેશ પેન્ડલ સિંગલ અને કપલ રાખડી, સ્ટોનવાળી રાખડી, ચાંદીની રાખડી, કંકુ ચોખાની કોમ્બો રાખડી, બ્રેસલેટ રાખડી બજારમાં મુખ્ય આકર્ષણ પણ છે.
સોના-ચાંદીની રાખડીની ડિમાન્ડમાં ઘટાડો
આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે. આથી આ વર્ષે સોના-ચાંદીની રાખડીની ખરીદીમાં પણ મંદી જોવા મળી રહી છે. સામાન્ય રીતે સોના કરતાં ચાંદીની રાખડીનું વેચાણ વધુ થાય છે. બહેનોમાં સાદી રાખડીની ખરીદી તો થાય છે પરંતુ કેટલીક બહેનો ભાઇઓ માટે સોના-ચાંદીની રાખડીની ખરીદી પણ કરે છે. સોની બજારમાં આ રાખડીની ધીમી ખરીદી શરૂ પણ થઇ ગઇ છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવ રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચ્યા છે. જેના કારણે લોકો હવે બજેટ પર કામ મૂકીને રાખડી લેવાનું ટાળી રહ્યા છે. જે સોનાની રાખડી ગત વર્ષે 5000 થી 7000 સુધીમાં મળતી તેના ભાવ આ વર્ષે 10000 થી 15000 થઈ ગયા છે. અંદાજે ડબલ ભાવ થવાથી ખરીદી થઇ રહી નથી. ડિમાન્ડ જ ન હોવાથી 50 ટકા ખરીદીનો અંદાજ છે.
પોસ્ટ અને પ્રાઇવેટ કુરિયર મારફતે રાખડી મોકલવાનું ચલણ અકબંધ
સાથે હોય કે મિલો દૂર રહેતા હોય પણ ભાઈ બહેનનો પ્રેમ અકબંધ રહે છે. આથી જે બહેનો ભાઈને રૂબરૂ જઇ રાખડી બાંધી નથી શકતી તેને કુરિયર મારફતે મોકલવે છે. પોસ્ટ ઓફિસમાં રાખડી મોકલવા ગુજરાતના અન્ય શહેરોમાં 3 થી 4 દિવસમાં પહોંચી જાય છે. જ્યારે પ્રાઈવેટ કુરિયરમાં 2 થી 3 દિવસમાં પહોંચી જાય છે. જો રાજ્યની બહાર મોકલવામાં આવે તો 5 થી 7 દિવસનો સમય લાગે છે. હવે માત્ર રાખડી જ નથી મોકલવામાં આવતી પરતું ચોકલેટ ગિફ્ટ સહિતની વસ્તુઓ પણ મોકલવામાં આવે છે.