માધવ વાટિકા સોસાયટીના રહીશો તંત્રની બેદરકારીથી ત્રસ્ત, કડક પગલાંની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 6 માં વસતા લોકો દ્વારા સ્થાનિક તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિકોનો દાવો છે કે તેઓ વર્ષોથી નિયમિતપણે વેરો ભરે છે, છતાં તેમને મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે.
આ સમસ્યાઓ અંગે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્રણ વર્ષ પહેલાં રોડનું ખાતમુહૂર્ત થયા બાદ પણ તેનું કામ શરૂ થયું નથી, જેના કારણે લોકોની હાલત કફોડી બની છે. સ્વચ્છતાના નામે શૂન્ય કામગીરી જોવા મળે છે, જેના કારણે ગંદકી અને રોગચાળાનો ભય સતત રહે છે. નાના બાળકો માટે આંગણવાડીની સુવિધા ન હોવાથી વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રે અંધારપટ છવાઈ જાય છે, જે સુરક્ષા માટે જોખમી છે.
સ્થાનિકોએ તંત્ર પર આરોપ લગાવ્યો છે કે સુવિધા આપ્યા વિના જ વેરો ઉઘરાવવામાં આવે છે અને જો વેરો મોડો ભરાય તો 18% જેવું તોતિંગ વ્યાજ વસૂલવામાં આવે છે, જે તદ્દન અન્યાયી છે. લોકોના મતે, આ એક પ્રકારનો અન્યાય છે, જ્યાં સુવિધા આપવાની ફરજ ચૂકી જવાય છે પણ વેરો વસૂલવાનું ચૂકવામાં આવતું નથી.
જો આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ ન આવે તો તેનાથી સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમમાં મુકાશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.