પાણી, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ મુદ્દે મહિલાઓ બની રણચંડી
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી શહેરની હદમાં આવેલ વોર્ડ નં.1માં સમાવિષ્ટ સાંતલપુર ધાર વિસ્તારમાં અંદાજીત 600 થી વધુ મતદારો વસવાટ કરી રહ્યાં છે.આ વિસ્તારમાં આદિવાસી,દલિત,લઘુમતી અને આર્થિક રીતે ગરીબ પરિવારો મુખ્યત્વે વસવાટ કરી રહ્યાં છે.આ વિસ્તારની દેખભાળ અને શાર સંભાળની પ્રાથમિક જવાબદારી નગરપાલિકા તંત્રની છે.પરંતુ આ વિસ્તાર નાં રહીશો ની કરમની કઠણાઇ કે નગરપાલિકા તંત્ર વેરો કિરાયો તો વસુલ કરે છે પરંતુ ગરીબ અને સ્લમ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં ઉપેક્ષા સેવી રહ્યા છે.તેવો આક્ષેપ લતાવાસીઓએ કર્યો હતો. ખાસ કરીને આ વિસ્તારમાં રોજિંદી જરૂરિયાત સમા પાણીનો પ્રશ્ર્ન વિકટ છે પાલિકા તંત્ર દ્વારા દૈનિક વિતરણ થતું નથી હોવાની ફરિયાદ ઉઠી રહી છે.પાણી ન મળવાના કારણે મહિલાઓ દૂર દૂર સુધી વલખાં મારી રહી છે.પાણી, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ મુદ્દે લોકો ત્રસ્ત છે. ત્યારે આ વિસ્તારના નગરજનો દ્વારા અવાર નવાર લેખિત મોખીક રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું પરિણામ લક્ષી કાર્ય ન થતું હોવાના કારણે આ વિસ્તારની મહિલાઓ રણચંડી બની નગરપાલિકા કચેરીએ આવી હલ્લાબોલ મચાવી આક્રમક રજૂઆત કરી હતી.જ્યારે નગરપાલિકા કચેરી ના વહીવટી વડા ચીફ ઓફિસર દેવિબેન ચાવડા દ્વારા પ્રશ્ર્નોના નિરાકરણ માટે હકીકત લક્ષી અહેવાલ મંગાવી ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની બાહેધરી આપી હતી.