અમેરિકન ડ્રીમ : ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
સૌપ્રથમ જ્યારે લેપટોપની ભારતમાં શરૂઆત થઈ, કમ્પ્યુટરોનો વપરાશ અમલમાં આવ્યો ત્યારે અનેકોએ એનો વિરોધ કર્યો હતો. એવી શંકા વ્યક્ત કરી હતી કે આના કારણે ભારતીયોની નોકરી છીનવાઈ જશે. પણ એવું કંઈ ન થયું. ઊલટાનું કામ ઝડપથી થતાં વધુ કામ થવા લાગ્યું અને અન્ય કામો કરવા માટે પણ સમય મળવા લાગ્યો. આજે તો દરેકેદરેક ઓફિસમાં, નાનાં-નાનાં શહેરો અને ગામડાંમાં પણ કમ્પ્યુટરનો વપરાશ છૂટથી થવા લાગ્યો છે. મોબાઈલ ફોન તો દરેકના હાથમાં જોવા મળે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે પણ આપણા રોજિંદા વ્યવહારમાં પ્રવેશ કર્યો છે. આપણા મોટા ભાગના વિદ્યાર્થીઓ કમ્પ્યુટર સાયન્સનો વિષય એમના કોલેજના વિષય તરીકે પસંદ કરે છે અને એમાં જ ‘બેચલર’ અને ‘માસ્ટર’ની ડિગ્રી પ્રાપ્ત કરે છે. જેઓ અમેરિકામાં ભણવાનો ખર્ચો કરી શકે એમ હોય એવા ભારતીય વિદ્યાર્થીઓ તો અમેરિકામાં આવેલ જાણીતી યુનિવર્સિટીઓમાં કમ્પ્યુટર વિષયમાં, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વિષયમાં બેચલર તેમ જ માસ્ટરનો કોર્સ કરવા જાય છે. વર્ષ 2024માં ભારતમાંથી ત્રણ લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા હતા અને એમાંના પચાસ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ એમના સબ્જેક્ટમાં કમ્પ્યુટર સાયન્સ યા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જણાવ્યું હતું. ભારતના અસંખ્ય ગ્રેજ્યુએટો તેમ જ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણેલા ભારતીય ગ્રેજ્યુએટો અમેરિકામાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે. ભારતીય વિદ્યાર્થીઓ, જેઓ ‘એફ-1’ સંજ્ઞા ધરાવતા નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના વિઝા ઉપર અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા જાય છે તેઓને એમનું ભણતર પૂરું થયા પછી અમેરિકામાં રહેવાની અને એમને જે વિષયમાં શિક્ષણ લીધું હોય એમાં તાલીમ મેળવવાની, કામ કરવાની, નોકરી કરવાની એક વર્ષની છૂટ આપવામાં આવે છે. જેમણે અમેરિકાની યુનિવર્સિટીમાંથી સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ યા મેથેમેટિક્સના વિષયમાંથી માસ્ટર્સનો કોર્સ કર્યો હોય છે એમને આ તાલીમ લેવાનો, કામ કરવાનો બે વર્ષનો વધુ એટલે કે કુલ્લે ત્રણ વર્ષનો સમય આપવામાં આવે છે. આ બધા વિદ્યાર્થીઓ એમણે જે અમેરિકન કંપનીમાં કામ કર્યું હોય એ કંપનીને એમના માટે ‘એચ-1બી’ વિઝાનું પિટિશન દાખલ કરે એવી વિનંતી કરતા હોય છે. પણ એચ-1બી વિઝા વાર્ષિક ક્વોટાની સંખ્યામર્યાદાથી સીમિત છે. એક વર્ષમાં તે ફક્ત 60,000 અને જેમણે ‘સ્ટેમ’ના વિષયોમાં માસ્ટર્સનો કોર્સ કર્યો હોય એમના ખાસ બીજા 25,000 આમ કુલ્લે 85,000 વિઝા જ ફાળવવામાં આવે છે. આથી બધા જ ભારતીયો, જેઓ અમેરિકામાં કામ કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ એમની ઈચ્છા પૂરી કરી નથી શકતા.
- Advertisement -
આવા વિદ્યાર્થીઓનાં માતા-પિતા યા સગાંવહાલાં જો ભારતમાં બિઝનેસ કરતાં હોય અને એ બિઝનેસ ઠીક ઠીક ચાલતો હોય તો એ વિદ્યાર્થીઓએ ભારત આવી એ બિઝનેસમાં એક વર્ષ મેનેજર યા એક્ઝિક્યુટિવ તરીકે કે પછી ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે કામ કરવું જોઈએ. ત્યાર બાદ એમની એ ભારતીય કંપની અમેરિકામાં શાખા ખોલી શકે છે અને એ વ્યક્તિ માટે આંતરકંપની ટ્રાન્સફરી મેનેજરો યા એક્ઝિક્યુટિવો માટેના યા ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટેના ‘એલ-1’ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે. આવા પિટિશનો સામાન્ય રીતે પ્રોસેસ થઈને એપ્રૂવ થતાં છ-બાર મહિના લાગે છે. પ્રીમિયમ પ્રોસેસિંગ ફી જો દાખલ કરવામાં આવે તો પંદર દિવસમાં એનો જવાબ આપવામાં આવે છે. પિટિશન એપ્રૂવ થયા પછી એ વ્યક્તિએ અરજી કરીને અમેરિકન કોન્સ્યુલેટમાંથી એલ-1 વિઝા મેળવવાના રહે છે. તેઓ અમેરિકામાં સાત વર્ષ અને ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે એ મેળવ્યા હોય તો પાંચ વર્ષ રહીને કામ કરી શકે છે. એ દરમિયાન અમેરિકામાં સ્થાપેલ કંપની એમના માટે જે ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીઓ છે એની હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે. આમ જો તમારે સિલિકોન વેલીમાં બિઝનેસ કરવો હોય, એ પ્રદેશમાં પ્રાપ્ત થતું કમ્પ્યુટર તેમ જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશેનું વધુ જ્ઞાન મેળવીને નવી નવી શોધખોળો કરવી હોય અને પછી એનું માકેર્ટિંગ કરવું હોય તો એલ-1 વિઝા એ ખૂબ જ સરળ અને સીધોસાદો ઉપાય છે. એલ-1 વિઝાધારકો એમની સાથે એમની પત્ની યા પતિને પણ અમેરિકામાં રહેવા ‘એલ-2’ વિઝા ઉપર બોલાવી શકે છે.
જો તેઓ ઈચ્છે તો અમેરિકામાં ભણી શકે છે અથવા તો પરવાનગી મેળવીને કામ પણ કરી શકે છે. જે કોઈ પણ ભારતીય વ્યક્તિને યા કંપનીને સિલિકોન વેલીમાં યા અમેરિકામાં બીજે કશે પણ બિઝનેસ કરવો હોય તો એમના માટે એલ-1 વિઝા ખૂબ જ ઉત્તમ પર્યાય છે. અનેકો અમેરિકાના ‘ઈબી-5 પ્રોગ્રામ’માં પણ રોકાણ કરીને અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવે છે અને પછી ત્યાં બિઝનેસ કરે છે. ઈબી-5 પ્રોગ્રામ પણ જેમને અમેરિકામાં બિઝનેસ કરવો હોય, કાયમ રહેવું હોય, ત્યાર બાદ અમેરિકન સિટિઝન પણ બનવું હોય અને જેમની પાસે પૈસાની છૂટ હોય, વ્હાઈટના આઠ-દસ કરોડ રૂપિયા હોય તો ઈબી-5 પ્રોગ્રામ હેઠળ તેઓ એમનાં અમેરિકન સ્વપ્નાં પૂરાં કરી શકે છે. અમેરિકાના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ’ હેઠળ આમ આંતરકંપની ટ્રાન્સફરી ‘એલ-1’ વિઝા અને ‘ઈબી-5 પ્રોગ્રામ’ હેઠળ રોકાણ કરીને પ્રાપ્ત થતાં ગ્રીનકાર્ડ મેળવવાની પરદેશીઓ માટે ખાસ સવલત છે. આમાંથી જે પણ રસ્તો તમારા માટે તમને યોગ્ય લાગતો હોય એ પસંદ કરતાં પહેલાં, એ પ્રોગ્રામ હેઠળ વિઝા યા ગ્રીનકાર્ડ મેળવતાં પહેલાં, સંપૂર્ણ કાયદાકીય જાણકારી મેળવી લેવી ખૂબ જ અગત્યની છે. ઈબી-5 પ્રોગ્રામ હેઠળ જો રોકાણ કરવા ચાહો અને ગ્રીનકાર્ડ મેળવવાની ખેવના ધરાવો તો સૌપ્રથમ તમારે જે રિજનલ સેન્ટરમાં રોકાણ કરવાનું વિચારતા હોવ એનું ‘ડ્યુડિલિજન્સ’ કરાવવું જોઈએ અને ત્યાર બાદ જ રોકાણ કરવું જોઈએ. અમેરિકા ‘તક અને છત’નો દેશ છે. ત્યાં તમે તમારા રૂપિયાના ડોલર કરી શકો છો. શૂન્યમાંથી સર્જન કરી શકો છો. આભને આંબી શકો છો અને એ માટે ‘એલ-1’ યા ‘ઈબી-5 પ્રોગ્રામ’ આ બન્ને રસ્તા તમારા માટે ખુલ્લા છે.