વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મહત્વાકાંક્ષી અભિયાન “હર ઘર નલ સે જલ”ની સંકલ્પનાને વર્ષ ૨૦૨૨માં જ પરિપૂર્ણ કરવા કટ્ટીબધ્ધ રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજરોજ જસદણ અને વિંછીયા તાલુકામાં પીવાના પાણી અને સિંચાઇ માટે અતિ મહત્વની નિમાર્ણાધીન પાણી પુરવઠા યોજનાની સાઇટ મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.

- Advertisement -
જસદણ અને વિંછીયા વિસ્તારમાંથી પસાર થતી સૌની યોજના લીંક -૪ કે જેના દ્વારા કુલ ૧૧૫ ડેમોમાં નર્મદાના પાણી ભરવામાં આવનાર છે. આ યોજના અંતર્ગત આસલપર ડેમ થી ધારૈઇ ડેમ સુધીની યોજના મંજુર થયેલી છે. તેની સાઇટ પર જઇને પાઇપલાઇન, પમ્પીંગ સ્ટેશન, મશીનરી ઇન્સ્ટોલમેન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેઓએ આ વિસ્તારના અગ્રણીઓ સાથે બેઠક કરી જરૂરી માહિતી મેળવી વિભાગના અધિકારીઓને ઉપયેાગી સુચનો કર્યા હતા.

આ ઉપરાંત પીપરડી ખાતે સ્થળ મુલાકાત લઇ પીપરડીથી ધારૈઇ ડેમ સૌની યોજના અંતર્ગત બીછાવાઇ રહેલી નવી પાઇપલાઇનની પથરેખાનું અને જસદણ તાલુકાના માધવીપુર, કોસકોલીયા, આંબરડી અને વિંછીયા તાલુકાના સરતાનપર, બંધાળી સહિતના જુદા જુદા સ્થળે થઇ રહેલા પમ્પીંગ સ્ટેશન, પાઇપલાઇન અને વાલ્વ નાંખવાની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યુ હતું.
- Advertisement -

ઉલ્લેખનીય છે કે સૌની યોજના અંતર્ગત નિર્માણ થઇ રહેલી આ માળખાકીય કામગીરી પૂર્ણ થતાં જસદણ અને વિંછીયા તાલુકાના વિસ્તારોમાં પીવાના પાણી અને ખેતીને સિંચાઇ માટેની સમસ્યા ભૂતકાળ બની રહેશે.
આ મુલાકાત પ્રસગે પ્રાંત અધિકારીશ્રી પ્રિયંક ગલચર, સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર પી.ડી. સોનપાલ, આ વિસ્તારના સ્થાનિક સ્વરાજયની સંસ્થાના પદાધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


