રાજકોટથી માતાના મઢ સુધીની ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનું આયોજન, 3 જૂને પૂર્ણાહુતિ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ,તા.24
ક્ષત્રિય સમાજની માતા-બહેનો સામે અણછાજતી ટિપ્પણી કર્યા બાદ ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલા વિરુદ્ધ શાંતિપૂર્ણ આંદોલન બાદ આજે રાજકોટથી માતાના મઢ સુધીની ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી 4 જૂને મતગણતરી પૂર્ણ થાય તેના આગલા દિવસે એટલે કે 3 જૂને પુર્ણાહૂતિ કરાશે
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ તેમજ સમાજની અન્ય સંસ્થાઓની એક સંયુક્ત બેઠક અમદાવાદ ખાતે મળશે. જેમાં આંદોલનની ભાવિ રણનીતિ નક્કી કરીને જાહેર કરવામાં આવશે. હકીકતમાં રાજકોટના આશાપુરા માતાજીના મંદિરથી કચ્છ સ્થિત માતાના મઢ સુધી ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે રતનપર સ્થિત આશાપુરા માતાજીના મંદિરથી નીકળેલી પદયાત્રા મિતાણા પહોંચશે. અહીંથી આગળ પ્રસ્થાન કરીને ત્રીજા દિવસે મોરબી પહોંચી રવાપર નદીના પાટીયા પાસે રોકાણ કરશે.
- Advertisement -
ચોથા દિવસે રવાપર નદીથી માળીયા બપોરે આરામ કરી ક્ષત્રિય આગેવાનો સૂરજબારી ટોલટોક્સ ખાતે રાતવાસો કરશે. જ્યાંથી પાંચમા દિવસે માનસ હનુમાન પદયાત્રા પહોંચશે. આ પદયાત્રા દરમિયાન રૂટમાં આવતા દરેક વિસ્તારમાં સ્થાનિક લોકો પણ જોડાતા જશે અને પદયાત્રા આગળ વધતા 3 જૂને માતાના મઢ ખાતે પૂર્ણ થશે.
આ અંગે વિગતો આપતા દેવેન્દ્રસિંહ જાડેજા અને વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજકોટથી માતાના મઢ સુધી વચ્ચે આવતા તમામ ધાર્મિક સ્થળો પર મહાઆરતીઓ થશે. આ સાથે-સાથે 3 જૂને માતાના મઢ ખાતે પદયાત્રાની પૂર્ણાહુતિ સાથે રાજયભરમાં મહાઆરતીનાં આયોજનો કરાયા છે. બીજી તરફ ક્ષત્રિય સમાજના આંદોલન અંગે કરણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, અમારું આંદોલન પૂર્ણ નથી થયું. જે લોકોએ આંદોલન પૂર્ણ થવાની જાહેરાત કરી હતી, તે રાજકીય નેતા હતા. સમાજના કોઈ નેતાએ આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત આજ સુધી નથી કરી. માત્ર ક્ષત્રિય આંદોલનને વિરામ આપવાની જ વાત કરી છે.