ખાસ-ખબર સંવાદદાતા
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અજાણ્યા શખ્સોએ ફોન કરી તા. 5 માર્ચ સુધીમાં રાજ શેખાવતને જાનથી મારી નાખવાની ધમકી આપતાં કરણી સેના અધ્યક્ષે ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન ખુલ્લો પડકાર ફેંક્યો છે.
‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે આ તમામે-તમામ મિનિસ્ટરો બીકણ છે, વિશ્ર્વાસઘાત કરીને વાર કરે છે પરંતુ સામે લડવાની તાકાત મિનિસ્ટરોમાં નથી. હવે ક્ષત્રિય સમાજ 6 માર્ચના રોજ વિધાનસભાને ઘેરાવ કરશે તેવું રાજ શેખાવતે કહ્યું હતું તેમજ લાખોની સંખ્યામાં વિધાનસભા ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થઈ ક્ષત્રિય સમાજનું ગૌરવ એવા સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ આપશે અને સામે છાતીએ બિશ્ર્નોઈને પડકાર ફેંકીશું તેવું રાજ શેખાવતે જણાવ્યું હતું.
- Advertisement -
વધુ વિગતો એવી છે કે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા વિઠ્ઠલ પ્લાઝામાં ક્ષત્રિય કરણી સેનાની ઓફિસ આવેલી છે જ્યાં ગત તા. 18 જાન્યુઆરીના રોજ ક્ષત્રિય કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતને તેની ઓફિસના મોબાઈલ પર ફોન આવ્યો હતો અને પાંચ માર્ચ સુધીમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાદ 27 જાન્યુઆરીના રોજ પણ અલગ-અલગ નંબર પરથી ફોન કરીને અજાણ્યા શખ્સોએ ગાળો બોલીને રાજ શેખાવતને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે રાજ શેખાવતે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આમ રાજ શેખાવતે કહ્યું કે અમે અમારા માન-સન્માન માટે લડીશું. 6 માર્ચના રોજ ભારતભરના ક્ષત્રિય સમાજ એકઠા થઈ વિધાનસભાને ઘેરીશું. તપાસમાં જે વ્યક્તિનું નામ ખુલશે તેને છોડવામાં નહીં આવે તેવી પણ ચિમકી રાજ શેખાવતે ઉચ્ચારી છે. ધમકી આપનારા પ્રશાસનથી બચી જશે પરંતુ ક્ષત્રિય સમાજથી બચી શકશે નહીં અને અમે શસ્ત્રનો જવાબ શસ્ત્રથી આપશું અને આવતા સમયમાં આ ગેંગસ્ટરનો ખાત્મો બોલાવીશું તેવું અંતમાં રાજ શેખાવતે જણાવ્યું હતું.