મહીયા રાજપૂત ક્ષત્રિય સમાજના શુરવીરોએ કનડા ડુંગર પર અંગ્રેજ સામે સત્યાગ્રહ કર્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
પોષ વદ પાંચમ વિક્રમ સંવત 1939 રવિવાર 28 જાન્યુઆરી 1883ના દિવસે મહીયા રાજપૂત ક્ષત્રિય સમાજના શુરવીરોએ કનડા ડુંગર પર અંગ્રેજ સામે સત્યાગ્રહ કર્યો હતો અને સત્યાગ્રહ પર બેઠલા શુરવીરોને દગાથી મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે વીરગતિ પામનાર શહીદોને 141 વર્ષની પૂર્ણયતીથીએ સમસ્ત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપીને વિશ્વ શાંતિ યજ્ઞ કરીને માતાજીના નિવેદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર પોષ વદ પાંચમ વિક્રમ સંવત 1939 ને 28 જાન્યુઆરી 1883 ના દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. પરંતુ ગાડામાં ભરેલો સામાન કાંઇક અલગ જ પ્રકારનો હતો. ગાડાઓમાંથી વહેતું રક્ત રસ્તાઓને લાલ-તરબોળ કરી રહ્યું હતું, ત્યારે 80થી પણ વધારે ધડ વગરના એ શીશ હતા કોના ? એ શીશ હતા મહીયા રાજપૂત શુરવીરોના. જુનાગઢના મહીયા રાજપૂતોઓએ અંગ્રેજ હકુમત દ્વારા જમીન ઉપરનો મહેસુલી કરના વિરોધમાં મહીયા રાજપૂતો સત્યાગ્રહ પર બેઠા હતા. આ રાજપૂતોને અંગ્રેજ હકુમતના શાસન દરમિયાન જુનાગઢના નવાબની ફોજે દગાબાજીથી મહીયા રાજપૂતોના શુરવીરોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને માથા વાઢી ગાડા ભરીને જુનાગઢ લઈ જવાયા હતા.
- Advertisement -
સમગ્ર દેશમાં અંગ્રેજ સરકાર દ્વારા મહેસુલી કર વસુલવાના નિયમ સામે દેશનો આ પહેલો સત્યાગ્રહ હતો, જેમાં 80 જેટલા મહીયા રાજપૂત સમાજના નરબંકા યુવાનોને જુનાગઢ નવાબની ફોજે કાવતરું ઘડી દગાથી તલવારબાજી અને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જલીયાવાલા બાગ પહેલાનો દેશનો આ પ્રથમ હત્યાકાંડ જુનાગઢના પાદર સમા ગણાતા કનડા ડુંગર ઉપર 28 જાન્યુઆરીની 1883ની વહેલી સવારે થયો હતો. ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછા સ્થળો છે, કે જ્યાં એક સાથે આટલી મોટી સંખ્યામાં શહિદોની ખાંભીઓ જોવા મળે છે. કનડા ડુંગરની ટોચે 80થી પણ વધારે ખાંભીઓ આવેલી છે. આ ખાંભીઓ એ મહીયા રાજપૂતોના વીર શહીદોના બલિદાન અને તેમની વિરતાની નિશાની છે.