કુવાડવા રોડ પરના વોટર પાર્કમાં ચાલતી કંપની બંધ કરાવવા માટે બંને વચ્ચે ચાલે છે માથાકૂટ
અગાઉ કુવાડવામાં કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવા ફરી કર્યો હુમલો : ઈજાગ્રસ્ત સુરેશભાઈના ગંભીર આક્ષેપો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે તેમજ અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા રોડ પર આવેલ ક્રિષ્ના વોટર પાર્કના સંચાલક હરિભાઈ પટેલ ફરી વિવાદમાં આવ્યા છે અગાઉ કુવાડવા રોડ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પાછી ખેંચી લેવા તેમના જ સગા ભાઈ સુરેશભાઈ કણસાગરાને બેફામ માર મારતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે ઇજાગ્રસ્ત ભાઈએ તેમના ભાઈ પર ગંભીર આક્ષેપો કરતા પોલીસે હાલ નિવેદન નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ રાજકોટના અને હાલ અમદાવાદ રહેતા સુરેશભાઈ કણસાગરાને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે, ગત સાંજે તેના ભાણેજની પુત્રીના લગ્ન હોય જેથી સાતેક વાગ્યે તે ગોંડલ ચોકડી પાસે આવેલ ક્રિષ્ના વોટર પાર્કમાં પરિવાર સાથે ગયા હતા ત્યારે અચાનક જ ક્રિષ્ના વોટર પાર્કના સંચાલક અને તેમના સગાભાઈ હરિભાઈ પટેલ તેમની પાસે આવ્યા હતા અને તેઓએ બેફામ ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ હરિભાઈ પટેલે કહ્યું હતું કે, તમે કરેલ પોલીસ ફરિયાદ પરત ખેંચી લેજો નહિતર તને અને તારા પરિવારને હું જાનથી મારી નાખીશ તે પછી ત્યાં હાજર મહેમાનો વચ્ચે પડ્યા હતા અને તુરંત સુરેશભાઈને ઇજાગ્રત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. વધુમાં સુરેશભાઈએ જણાવ્યું હતું કે, તે બંને ભાઈઓ વચ્ચે પારિવારિક મિલકત મામલે વિવાદ ચાલી રહ્યો છે કુવાડવા રોડ પર આવેલ રિસોર્ટમાં સુરેશભાઈના પુત્રની સૌંદર્ય પ્રસાધનની કંપની આવેલ છે જે બંધ કરાવવા માટે હરિભાઈ ઘણા સમયથી તેમના માણસો સાથે પહોંચી ધમકીઓ આપતા રહે છે થોડા દિવસો પહેલા કંપનીના મેનેજરે હરિભાઈ અને તેમના માણસો વિરુદ્ધ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ પાછી ખેંચી લેવા માટે હરિભાઈએ આ મારામારી કર્યાનું પણ સામે આવ્યું છે હાલ પોલીસે સુરેશભાઈનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



