ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
કોટક મહિન્દ્રા બેન્ક લિ. દ્વારા નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં આરોપી એ. જે. ઈમ્પેક્ષના પ્રોપરાઈટર ભરતભાઈ મનુભાઈ ત્રાપસીયા તથા ગેરેન્ટર નીતાબેન ભરતભાઈ ત્રાપસીયાને નિર્દોષ છોડી મૂકતો હુકમ તા. 19-2-2025ના રોજ રાજકોટના મહેરબાન એડી. સિનિયર સિવિલ જજ દ્વારા ફરમાવવામાં આવેલો છે.
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે ફરિયાદી કોટક મહિન્દ્રા બેન્ક લિ. દ્વારા આ કામના આરોપીઓને ઓવરડ્રાફટ તથા વર્કિંગ ટર્મ લોન આપવામાં આવેલી હતી. લોનનું ચૂકવણું કરવામાં આરોપીઓ નિષ્ફળ જતાં આ કામના આરોપી નં. 3 દ્વારા પોતાની કાયદેસરની જવાબદારી સ્વીકારી આરોપી નં. 1 વતી રકમ રૂા. 1,58,07,805નો ચેક ફરિયાદી બેંકને આપવામાં આવેલો હતો, ચેક ફરિયાદી બેન્ક દ્વારા પાસ થવા માટે રજૂ રખાતા અપૂરતા ભંડોળને કારણે પરત ફરેલો ફરિયાદી બેન્ક દ્વારા તમામ આરોપીઓને લીગલ નોટીસ આપવામાં આવેલી અને નિયત સમય ગાળામાં આરોપીઓ દ્વારા સદરહુ ચેક મુજબની ડિમાન્ડ નોટીસનું પેમેન્ટ ન કરતાં નામદાર રાજકોટ કોર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી.
- Advertisement -
ત્યાર બાદ નામદાર કોર્ટ દ્વારા સદરહુ કેસ અંગે સમન્સ ઈસ્યુ કરતા આરોપીઓ પોતાના વકીલ પરેશ એન. કુકડીયા મારફત બચાવ અર્થે નામદાર કોર્ટમાં હાજર રહેલા હતા. આ કામે ફરિયાદ પક્ષ દ્વારા પોતાનો મૌખિક તથા દસ્તાવેજી પુરાવો નામદાર કોર્ટમાં પોતાના કેસના સમર્થનમાં રજૂ રાખવા આવેલા તેમજ ફરિયાદી બેંકના અધિકૃત અધિકારી દ્વારા નામદાર કોર્ટમાં જુબાની આપવામાં આવી હતી. સદરહુ પુરાવાઓનું ખંડન કરવા માટે આરોપીના વકીલ દ્વારા ફરિયાદીની ઉલટ તપાસ તેમજ આરોપીના વિશેષ નિવેદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી. ફરિયાદ પક્ષ તેમજ આરોપી પક્ષ દ્વારા સદરહુ કેસને લગત પોતાની દલીલો કરવામાં આવેલી. જેમાં આરોપી પક્ષ દ્વારા મુખ્યત્વે દલીલો કરવામાં આવેલી હતી કે ફરિયાદ પક્ષ દ્વારા નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની મહત્ત્વની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવેલું હોય, ચેક રિટર્ન કરનાર આરોપીને કાયદાની જોગવાઈઓ મુજબની ધોરણસર નોટીસ પાઠવવામાં જ આવેલી ન હોય, જે હકીકતો ફરિયાદીની ઉલટતપાસમાં પણ ઉપસી આવતા તેમજ આરોપી પક્ષે રજૂ રાખેલા નામદાર વડી અદાલતના ચૂકાદાઓને તથા બચાવ પક્ષની દલીલો માન્ય રાખીને આ કામના આરોપીઓ ભરતભાઈ મનુભાઈ ત્રાપસીયા તથા નીતાબેન ભરતભાઈ ત્રાપસીયાને નિર્દોષ છોડી મુકતો હુકમ તા. 19-2-2025ના રોજ રાજકોટના એડિ. સિનિયર સિવિલ જજ એમ. એ. પીપરાની દ્વારા ફરમાવવામાં આવેલો છે.
આ કેસમાં આરોપીઓ વતી સોની એસોસીએટ્સ રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી પરેશ એન. કુકડીયા, એડવોકેટ જયદીપ એમ. કુકડીયા, અનિમેષ એન. ચૌહાણ, સુહેલ એ. પઠાણ, પાર્થ બી. કોટક, મિહિર પી. કુકડીયા, જયદીપ ડી. ખાચર, ખુશી એચ. પટેલ, વિશાલ એચ. જોગરાણા રોકાયેલા હતા.