20 સપ્ટેમ્બરનાં રોજ ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં કેએલ રાહુલે પોતાની ટી20 ઇન્ટરનેશનલ કરિયરમાં 2000 રન પૂરા કર્યા.
ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરિઝની પહેલી મેચ મોહાલીનાં મેદાન પર રમવામાં આવી હતી. ટીમ ઇન્ડિયા 200થી વધારે રન બનાવ્યા બાદ પણ મેચ હારી ગઇ. ટીમને ભલે હાર મળી પણ બેટ્સમેનોએ આ મેચમાં ખૂબ જ રન બનાવ્યા. ટીમનાં ઓપનર કેએલ રાહુલે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાના ફેન્સનું દિલ જીતી લીધું. તેમણે એક શાનદાર રેકોર્ડ પણ પોતાના નામ કર્યો જે મોટા મોટા દિગ્ગજો પણ નથી કરી શક્યા.
- Advertisement -
કેએલ રાહુલની કમાલ
એશિયા કપ 2022માં ઓપનર કેએલ રાહુલ ઘણા શાંત હતા. ઘણા દિગ્ગજો તેમના પ્રદર્શન પર સવાલ ઉઠાવી રહ્યા હતા, પણ આ મેચમાં તેમને સૌને જવાબ આપ્યો છે. કેએલ રાહુલે ઓસ્ટ્રેલીયા સામે આ ટી20 મેચમાં એક વિસ્ફોટક દાવ રમ્યો છે. તેમણે 35 બોલમાં 157.14ની સ્ટ્રાઈક રેટથી 55 રન બનાવ્યા છે. એમાં તેમણે 4 ચોક્કા અને ૩ સિક્સર પણ ફટકારી હતી.
આ ખાસ રેકોર્ડ કર્યો પોતાને નામ
કેએલ રાહુલે પોતાની આ શાનદાર મેચમાં ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2 હજાર રન પૂરા કર્યા છે. કેએલ રાહુલે વર્ષ 2016માં ટીમ ઇન્ડિયા માટે પોતાની પહેલી ટી20 મેચ રમી હતી અને 2 હજાર રન સુધી પહોંચવા માટે તેમણે કુલ ૫૮ મેચ રમી. આ સાથે જ તેઓ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપથી 2 હજાર રન પૂરા કરનાર દુનિયાનાં ત્રીજા બેટ્સમેન બની ગયા છે. કેએલ રાહુલ કરતા વધારે ઝડપથી પાકિસ્તાનનાં બાબર આઝમ અને મોહમ્મદ રીઝવાને ૫૨ અને વિરાટ કોહલીએ ૫૬ મેચોમાં આ કામ કર્યું છે.
કેએલ રાહુલની T20 કરિયર
ટી20 ફોર્મેટમાં કેએલ રાહુલ ટીમ ઇન્ડીયાના સૌથી સફળ બેટ્સમેનમાંના એક છે. કેએલ રાહુલે ટીમ ઇન્ડીયા માટે અત્યાર સુધીમાં 39.69 ની સરેરાશે 141.32ની સ્ટ્રાઈક રેટથી 2018 રન બનાવ્યા છે. તેમણે પોતાની ટી20 કરિયરમાં અત્યાર સુધીમાં 18 હાફ સેન્ચુરી અને બે સેન્ચુરી ફટકારી છે. આ મેચ પહેલા તેમને સતત પ્લેઇંગ 11થી બહાર કરવાની માંગ થઇ રહી હતી, પણ તેમણે આ મેચમાં પોતાની કુશળતા સાબિત કરી દીધી છે.