અમદાવાદમાં હૉસ્પિટલનાં બિછાને પણ કિરીટ પરમારે આરદેશણા સાથે ગુપ્ત મિટિંગ કરી
બધાને પોતાનાં કૌભાંડો ખૂલવાનો ડર સતાવે છે
- Advertisement -
મિટિંગમાં કિરીટ પરમારના દિનેશ સદાદિયા સાથે મળી કરેલા આર્થિક વ્યવહારો ખાતાકીય તપાસમાં બહારના આવે તે માટેની આગામી વ્યૂહરચના ઘડવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી શિક્ષક સંઘના બની બેઠેલા પ્રમુખ અને કામચોર શિક્ષક દિનેશ સદાદિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. હવે દિનેશ સદાદિયા વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ થઈ ખાતાકીય તપાસ શરૂ થવાની છે પરંતુ જો દિનેશ સદાદિયા વિરુદ્ધ ખાતાકીય તપાસ થાય તો મોટા આર્થિક કૌભાંડ બહાર આવી તેનો રેલો ચેરમેન વિક્રમ પુજારા, તત્કાલીન શાસનાધિકારી કિરીટ પરમાર સહિતનાઓ સુધી આવી શકે તેમ છે. તેથી વિક્રમ પુજારાના ઈશારે દિનેશ સદાદિયા વિરુદ્ધ ખાતાકીય તપાસમાં કશું બહાર ન આવે તે માટેનો હવાલો કિરીટ પરમારને સોંપાયો છે. અલબત્ત સમગ્ર મામલે ઉપરી અધિકારી રાજકોટ ઈન્ચાર્જ ડીઈઓ દીક્ષિત પટેલની પણ મદદ લેવાઈ રહી હોવાનું કહેવાય છે.
- Advertisement -
સૂત્રોના જણાવ્યા અનુસાર શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારાના માર્ગદર્શનમાં ક્લાર્ક બીમલ ખંભાયતાએ જે અમદાવાદની હોસ્પિટલમાં કિરીટ પરમાર દાખલ છે તે હોસ્પિટલમાં જ એક મિટિંગ ગોઠવી હતી. આ મિટિંગમાં કિરીટ પરમાર તેમજ તેના પાડોશી અને નિકટ એવા ઈન્ચાર્જ ડીઈઓ દીક્ષિત પટેલ, ઈન્ચાર્જ શાસનાધિકારી નરેન્દ્ર આરદેશણા અને ગાંધીનગર વર્ગ 1ના વહીવટી અધિકારી હાજર રહ્યા હતા. આ મિટિંગમાં કિરીટ પરમારના દિનેશ સદાદિયા સાથે મળી કરેલા આર્થિક વ્યવહારો ખાતાકીય તપાસમાં બહાર ન આવે તે માટેની આગામી વ્યૂહરચના ઘડવામાં આવી હતી. આ ઉપરાંત વિક્રમ પુજારાને પણ ઉંની આંચ ન આવે તેની બાહેંધરી એકબીજાને આપવામાં આવી હતી.
અત્રે ખાસ નોંધનીય છે કે, જીવનમરણ વચ્ચે જંગ લડી રહેલા કિરીટ પરમાર હજુ પણ હોસ્પિટલના બિછાને પડ્યાપડ્યા પોતાના ભ્રષ્ટાચારના પોપડા ઊખડે નહીં તે માટે ધમપછાડા કરી રહ્યા છે. આ સિવાય મહિલાની પજવણી કરનારા દિનેશ સદાદિયાને બચાવવા ખુદ વિક્રમ પુજારા પાછલા બારણે મદદગારી પૂરી પાડી રહ્યા છે તેવું ચર્ચાઈ રહ્યું છે. જોકે એક વાત સ્પષ્ટ છે કે, એકવાર પ્રમાણિક અધિકારી દ્વારા દિનેશ સદાદિયા વિરુદ્ધની તપાસ નિષ્પક્ષતાથી શરૂ થઈ જશે તો કેટલાયના તપેલાં ચડી જશે એ નક્કી છે. હવે જોવું રહ્યું કે, ઈન્ચાર્જ ડીઈઓ દીક્ષિત પટેલ ક્યાં પ્રકારે દિનેશ સદાદિયા અને કિરીટ પરમાર સહિતને બચાવવા માટે કઈ હદ સુધી ખોટું કરી શકે છે.
ભાડૂતી શાળાના કૌભાંડ બાદ સદાદિયાની ખાતાકીય તપાસમાં આર્થિક કૌભાંડો બહાર ન આવે તે માટેનું ઓપરેશન બીમલને સોંપાયું!
રાજકોટ શિક્ષણ સમિતિના કુખ્યાત ક્લાર્ક બીમલ ખંભાયતાની મદદથી જ બહુચર્ચિત ભાડૂતી શાળાઓ પરત આપવાનું આખું ઓપરેશન વિક્રમ પુજારાએ પાર પાડેલું હતું, જેની ખાતાકીય તપાસ પણ નિમવામાં આવેલી હતી અને ત્યારબાદ આખુંય પ્રકરણ ભીનું સંકેલાઈ ગયું હતું. હવે ફરી એકવાર વિક્રમ પુજારાના વહીવટદાર કહેવાતા બીમલ ખંભાયતાને જ દિનેશ સદાદિયા વિરુદ્ધની ખાતાકીય તપાસમાં આર્થિક કૌભાંડ બહાર ન આવે તે માટે અધિકારીઓ સાથે સંકલન કરવાનું કામ સોંપાયુ હોવાની વાત શિક્ષણ સમિતિના સભ્યો કરી રહ્યા છે.