ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કિરણ પટેલ સંચાલિત એસએનકે સ્કૂલમાં 60થી 70 ટકા ફી વધારો ઝીંકી દેતા વાલીઓએ લડત શરૂ કરી છે અને 900થી વધુ વાલીઓએ પોતાના બાળકોના એલસી કઢાવી લેવા મન મનાવી લીધું છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર વાલીઓએ વિવિધ ગ્રુપ બનાવી કોર્ટના દરવાજા ખખડાવવા પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન એસએનકે સ્કૂલના સંચાલકો વાલીઓ સાથે તબકકાવાર મીટિંગ શરૂ કરીને આ પ્રશ્નનો હલ કરવા માટે વાલીઓ સમક્ષ ચાર વિકલ્પો મૂક્યા હતાં. જેમાં પ્રથમ વિકલ્પમાં તમારા બાળકનું એલસી કાઢવી લો. બીજા વિકલ્પમાં 50 ટકા બહુમતી વાલીઓ નકકી કરે કે 6000 વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને ફી માળખું શું રાખવું.
ઓછામાં ઓછા 3001 વિધાર્થીઓના વાલીઓએ મતદાન કરવું ફરજિયાત છે. ત્રીજા વિકલ્પમાં વર્ષ 2023-24 માટે જુની ફી ઉપરાંત 25 હજાર હશે પરંતુ કેમ્પસ યુનિવર્સિટી રોડ નહીં મળે. ચોથા વિકલ્પમાં બોર્ડિંગ સુવિધાઓ અને ચાર બોર્ડ વિકલ્પ સાથેનું તદન નવું કેમ્પસ આગામી બે વર્ષમાં શરૂ થશે અને તેની ફી એફઆરસીના આદેશો મુજબ રહેશે.
- Advertisement -
આ ચાર વિકલ્પ પૈકી 900થી વધુ વાલીઓએ પોતાના બાળકોનું એલસી કઢાવી લેવા માટે તૈયારીઓ દર્શાવી હોવાનું વાલી એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું. વાલી સભ્યગણમાંથી મળતી વિગતો મુજબ છેલ્લા લાંબા સમયથી ફીના પ્રશ્નને લઇ લડત ચાલી રહી છે. આ વખતે લોઅર અને હાયર કે.જી.માં 70 ટકા જેટલો ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. જેના લીધે હાલમાં 1.25 લાખ ફી શાળા વસુલે છે. નવા વધારાના લીધે 1.35થી 2.00 લાખ સુધીની ફી વાલીઓએ ચૂકવવી પડશે. અસહ્ય ફી વધારાના લીધે વાલીઓએ 2000 જેટલા વાલીઓનું ગ્રુપ બનાવ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલી લડત બાદ હવે રૂબરૂ મીટિંગ મળશે અને જરૂરી પડયે કોર્ટ સુધી આ પ્રશ્નને લઇ જશું તેવું વાલીઓએ જણાવ્યું હતું.
પેરેન્ટ્સ મિટિંગમાં SNK સ્કૂલનાં ગુંડાઓએ વાલીઓને ગર્ભિત ધાકધમકીઓ આપી!
એસએનકે સ્કૂલમાં ફી વધારા મુદ્દે શાળા સંચાલકો તબકકાવાર પેરેન્ટ્સ મિટિંગ યોજી રહ્યા છે. જેમાં એક વાલીના જણાવ્યા અનુસાર એસએનકે સ્કૂલમાં સંચાલકો દ્વારા યોજવામાં આવેલી પેરેન્ટ્સ મિટિંગમાં જગઊંના ગુંડાઓએ તેમને ધમકાવ્યા હતા તદુપરાંત ગર્ભિત ધાકધમકીઓ પણ આપી હતી. ક્યાં ગ્રુપમાં કોણ કેવા મેસેજ કરે છે અને અમે ધારીએ તો શું-શું કરી શકીએ એવું કહી વાલીઓને ડરાવવા – દબાવવા પ્રયાસ એસએનકે સ્કૂલના માલિક કિરણ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યાના આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે.
1. બાળકનું L.C. કઢાવી લો
2. બહુમતી વાલીઓ ફી માળખું નક્કી કરે
3. 2023-24 માટે જૂની ફી ઉપરાંત 25 હજાર રહેશે પરંતુ યુનિવર્સિટી રોડનું કેમ્પસ નહીં મળે
4. ફી વધારો સ્વીકાર્ય હોય તો બોર્ડિંગ સુવિધાઓ અને ચાર બોર્ડનાં વિકલ્પ સાથેનું તદ્દન નવું કેમ્પસ બનશે