દક્ષિણ ભારતનાં કિન્નરોને લોકો આજે પણ એરાવણી (ઇરાવણી)નાં નામથી બોલાવે છે, એરાવણ અને કિન્નરોનો સંબંધ વિશેષ એટલા માટે છે, કારણકે દર વર્ષે તેઓ એક દિવસ માટે લગ્નગ્રંથિથી જોડાય છે! લગ્નના બીજા દિવસે એરાવણનું મૃત્યુ થઈ જવાને લીધે કિન્નરોનાં વૈવાહિક જીવનનો અંત પણ આવી જાય છે.
-પરખ ભટ્ટ
સામાન્ય રીતે મા બહુચરાને કિન્નરોની જનની તથા આદ્યદેવી માનવામાં આવે છે, પરંતુ તેમના દેવતા એરાવણ (જેને ઇરાવણ તેમજ અરાવણ પણ કહે છે) અંગે ઘણા ઓછા લોકોને માહિતી છે. તમિલનાડુમાં એરાવણનાં મંદિરો જોવા મળે છે. દક્ષિણ ભારતનાં ક્ધિનરોને લોકો આજે પણ એરાવણી (ઇરાવણી)નાં નામથી બોલાવે છે. એરાવણ અને ક્ધિનરોનો સંબંધ વિશેષ એટલા માટે છે, કારણકે દર વર્ષે તેઓ એક દિવસ માટે લગ્નગ્રંથિથી જોડાય છે! લગ્નના બીજા દિવસે એરાવણનું મૃત્યુ થઈ જવાને લીધે કિન્નરોનાં વૈવાહિક જીવનનો અંત પણ આવી જાય છે. અહીં એ સવાલ થવો સ્વાભાવિક છે કે એરાવણ આખરે છે કોણ અને શા માટે તેઓ ફક્ત એક દિવસ માટે લગ્ન કરે છે? આ તમામ પ્રશ્ર્નોનો જવાબ મહાભારતના પાનાં વચ્ચે દફન છે.
- Advertisement -
અર્જુન અને નાગકન્યા ઉલુપીની કથા
મહાભારતની એક કથા અનુસાર, પાંચેય પાંડવોએ એકબીજાને વચન આપ્યું હતું કે દ્રૌપદી એમની સાથે એક-એક વર્ષ વીતાવશે. દ્રૌપદી જ્યારે કોઈ એક પાંડવ સાથે રાજમહેલમાં સમય વીતાવી રહી હોય, એ દરમિયાન અન્ય પાંડવભાઈ માટે રાજમહેલમાં પ્રવેશ નિષેધ ગણાશે, પરંતુ અર્જુન દ્વારા એક વખત આ વચનનો ભંગ થતાં તેને ઇન્દ્રપ્રસ્થ છોડી તીર્થયાત્રા પર જતાં રહેવાનો આદેશ અપાય છે. રાજમહેલમાંથી એક વર્ષ માટે નિષ્કાસિત થયા બાદ અર્જુન ઉત્તર-પૂર્વ ભારત તરફ ભ્રમણ શરૂ કરે છે, જ્યાં તેની મુલાકાત એક વિધવા નાગ રાજકુમારી ઉલુપી સાથે થાય છે. બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ જતાં થોડા સમયની અંદર તેઓ વિવાહનાં બંધનમાં બંધાઈને ઘર-સંસાર માંડી દે છે. અમુક મહિનાઓ બાદ ઉલુપીને પેટે એક પુત્રરત્ન અવતરે છે, જેનું નામ રાખવામાં આવે છે: એરાવણ! અર્જુનના અપરાધને એક વર્ષ પૂરું થવાની તૈયારીમાં હોય છે જેથી તે ઉલુપી અને એરાવણને એકલા મૂકી ઇન્દ્રપ્રસ્થ જવા રવાના થઈ જાય છે. બીજી બાજુ, માતા સાથે નાગલોકમાં વસવાટ કરી રહેલો એરાવણ ધીરે-ધીરે મોટો થતો જાય છે. યુવાનીનો ઉંબરો વટાવતાંની સાથે જ એરાવણ પોતાનાં પિતા પાસે જવાની ઇચ્છા વ્યક્ત કરે છે. નાગલોકમાં જ્યારે આ ઘટના બની રહી છે ત્યારે ઇન્દ્રપ્રસ્થમાં યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. એરાવણ અર્જુન પાસે પહોંચે છે, ત્યારે પાંડવો તેને મહાભારતના યુધ્ધમાં સામેલ થઈ જવા કહે છે. યુધ્ધનાં 18 દિવસ દરમિયાન એક સમય એવો પણ આવે છે, જ્યારે પાંડવોને પોતાની જીત માટે કાલી માતાના ચરણોમાં એક સ્વૈચ્છિક નર-બલિ (રાજકુમાર)ની આવશ્યકતા ઉભી થાય છે! પાંચાલીનાં એકેય પુત્રો પોતાનું બલિદાન આપવા તૈયાર નથી થતાં, એવા સમયે એરાવણ કાલી માતાના ચરણોમાં પોતાનું મસ્તક ધરવા તૈયાર થઈ જાય છે, પરંતુ શરત એટલી કે તે અવિવાહિત નહી મરે! એરાવણની આ આકરી શરતને લીધે સૌ કોઈ ભારે મૂંઝવણમાં મૂકાઈ જાય છે. લગ્ન કર્યાનાં એક દિવસમાં જ એરાવણની પત્ની વિધવા થઈ જશે, એવું જાણતાં હોવા છતાં કયો રાજા પોતાની દીકરીને તેની સાથે પરણાવવા માટે રાજી થાય! કોઈ ઉપાય ન જડતાં, આખરે કૃષ્ણ પોતે મોહિનીનો અવતાર લઈને એરાવણ સાથે લગ્ન કરે છે. શરત અનુસાર, બીજા જ દિવસે એરાવણ કાલી માતાનાં ચરણોમાં પોતાનું મસ્તક અર્પણ કરીને પાંડવો માટે જીતના દ્વાર ખોલી આપે છે! એરાવણનાં મૃત્યુ બાદ મોહિની સ્વરૂપ શ્રીકૃષ્ણ ઘણા સમય સુધી પોતાનાં પતિની યાદમાં વિલાપ કરે છે. પુરૂષ થઈને સ્ત્રીનાં દેહમાં એરાવણ સાથે લગ્ન કરી કિન્નર સમાજનું પ્રતિનિધિત્વ કરનાર કૃષ્ણની પરંપરાને આજે પણ હિજડા-સમાજ એ રીતે જ આગળ વધારી રહ્યો છે.
તમિલનાડુનું સૌથી પ્રાચીન અને મુખ્ય એરાવણ મંદિર અત્યારે તો ભગવાન એરાવણના કંઈ-કેટલાય મંદિરો સમગ્ર તમિલનાડુમાં જોવા મળી શકે છે, પરંતુ તેમનું સૌથી પ્રાચીન મંદિર વિલ્લુપુરમ જિલ્લાનાં કૂવગમ ખાતે સ્થિત છે. ‘કૂથનદવર મંદિર’નાં નામે ઓળખાતું આ ધર્મસ્થળ કિન્નર સમાજ માટે સૌથી પૂજનીય માનવામાં આવે છે. રાજસ્થાનનાં ખાટુશ્યામજીમાં થતી બર્બરિકની પૂજા માફક, અહીં પણ એરાવણનાં મસ્તકની આરાધના થાય છે. કૂવગમ ગામમાં દર તમિલ નૂતનવર્ષની પહેલી પૂનમે અઢાર દિવસો સુધી ચાલનારા ઉત્સવનો પ્રારંભ થાય છે. ભારતનાં ખૂણેખૂણામાંથી કિન્નરો અહીંયા એકત્રિત થઈ એકબીજા સાથે પ્રેમથી હળીમળીને એરાવણની આરાધના કરે છે. શરૂઆતનાં સોળ દિવસો સુધી તેઓ દરેક પ્રકારનાં મધુર સંગીત પર નાચ-ગાનનું આયોજન ગોઠવે છે. ઉત્સવ દરમિયાન તેઓ ગોળાકાર ઘેરો બનાવી તાળીઓ પાડતાં-પાડતાં નૃત્ય-આરાધનામાં લીન થાય છે. ચારે કોર તેમના હાસ્ય-મલકાટ અને ઉત્સાહનાં પડઘા સંભળાય છે. લગ્નની ભરપૂર તૈયારીઓ વચ્ચે તમામ કિન્નરો એકબીજાની તબિયતનું પણ ખાસ ધ્યાન રાખે છે. જેમ-જેમ લગ્નનો દિવસ નજીક આવતો જાય છે તેમ વાતાવરણમાં કપૂર અને ચમેલીનાં ફૂલોની મહેક વધવા માંડે છે. સત્તરમા દિવસે મંદિરનાં પુરોહિત દ્વારા એક વિશેષ-પૂજાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં એરાવણ દેવને નારિયેળ ચઢાવી તમામ કિન્નરોનાં ગળામાં મંગળસૂત્ર પહેરાવી દેવામાં આવે છે. ત્યારબાદ, પુરોહિત દ્વારા મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કિન્નરોને એરાવણની મૂર્તિ સાથે પરણાવી દેવાય છે. એ રાતે પણ વિશેષ ઉત્સવનું આયોજન થયેલું હોય છે, જ્યાં કિન્નરો પોતાનાં વૈવાહિક જીવનને ખૂબ ઉલ્લાસભેર ઉજવે છે. છેલ્લા એટલે કે અઢારમા દિવસે એરાવણની મૂર્તિને આખા ગામમાં નગરયાત્રા કરાવ્યા બાદ એક નિશ્ચિત જગ્યા પર તોડી નંખાય છે. આ સાથે તમામ કિન્નરો પોતાનાં ગળામાં પહેરેલા મંગળસૂત્રોને પણ તોડી નાંખે છે. ચહેરા પર કરવામાં આવેલો સાજ-શૃંગાર મિટાવી તેઓ સફેદ કપડાંમાં પોતાનું દુ:ખ વ્યક્ત કરે છે. એમના હ્રદયની પીડા એટલી વલોવી નાંખે એવી હોય છે કે રૂદનનાં અવાજો આખા ગામમાં સંભળાય છે! આખો કિન્નર સમાજ જોર-જોરથી પોતાની છાતી પીટીને એરાવણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. તેમનાં જીવનની કરૂણતા, વલોપાત અને એક દિવસ માટેનો દુલ્હનનો શૃંગાર તેમની આંખોમાં સ્પષ્ટપણે વર્તાઈ આવે છે, જેને જોઈને ગામનાં લોકોની આંખોમાંથી પણ અશ્રુધારા વહેવા લાગે છે. ઓગણીસમા દિવસે તેમના આરાધના-ઉત્સવનું સમાપન કરી દેવામાં આવે છે. પછીનાં વર્ષની પહેલી પૂનમ પર મળવાનો વાયદો કરી, આખો કિન્નર સમાજ ભારે હ્રદય સાથે પોતપોતાના ઘેર જવા રવાના થઈ જાય છે.
- Advertisement -
આજનાં આધુનિક જમાનામાં આપણે કદાચ એ ભૂલી ગયા છીએ કે કિન્નરોને પણ એક હ્રદય હોય છે, જે લાગણી અનુભવે છે! સુખ-દુ:ખનો અહેસાસ કરવાનું જાણે છે. ‘અસ્મિતા પર્વ-21’માં મોરારિબાપુએ કિન્નર સમાજનાં મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને પોતાનો પક્ષ મૂકવા આમંત્રણ આપ્યું હતું, જે ખૂબ સરાહનીય બાબત કહી શકાય. ભારતમાં મંદિરો તો ઘણા મળી આવશે, પરંતુ તેમની અંદર બિરાજેલા ભગવાન સાથે આત્મીયતા બંધાઈ જાય અને જેનાં ખંડન પર હ્રદય ચીસો પાડીને રૂદન કરે એવા ભક્તો ક્યાં છે?