કિન્નર આચાર્ય
સમૃધ્ધિ વધે તેમ મનુષ્યની જરૂરિયાતો પણ વધતી જાય. દિન-પ્રતિદિન રાજકોટ વધુ સમૃદ્ધ બની રહ્યું છે. અને તેની અસર શહેરીજનોની લાઇફ સ્ટાઇલ પર પણ જોવા મળે છે. અગાઉ ઘરનું ઘર હોય એ બહુ મોટું સુખ ગણાતું, આજે ઘરનું ઘર ઉપરાંત ઘરથી દૂર પણ એક ઘર હોય એ સુપરરિચ વર્ગની જરૂરિયાત ગણાય છે. છેલ્લાં દસકામાં રાજકોટથી દસ – વીસ – ત્રીસ કિલોમીટરના અંતરે આવા જ વીક-એન્ડ વીલાના અનેક પ્રોજેક્ટ બન્યા છે. અતિ ધનવાન વર્ગના લોકો આવા પ્રોજેક્ટમાં હોંશે-હોંશે બંગલો ખરીદે છે અને મીની વેકેશનમાં કે વીક-એન્ડમાં સપરિવાર ત્યાં આનંદ કરે છે. વીક-એન્ડ વિલાની મજા એ છે કે, એ સામાન્ય રીતે શહેરી ઘોંઘાટથી દૂર હોય છે અને છતાં જાતજાતની આધુનિકતમ સુવિધાઓથી સજ્જ હોય છે.
- Advertisement -
રાજકોટ – જામનગર હાઇવે પર આવેલો છે આવો જ એક પ્રોજેક્ટ ‘ઝિબ્રાનો વૂડઝ.’ રાજકોટનાં બીજા રિંગ રોડથી નવેક કિલોમીટર દૂર ખંભાળા ગામે સ્થિત આ પ્રોજેક્ટ એ બદલાતી જતી જીવનશૈલીનો પુરાવો છે. અહીં અત્યારે ૯૪ વૈભવી બંગલોઝ તૈયાર છે. બધા જ બંગલોઝ ફુલ્લી ફર્નિશ. ૧૫૨ થી ૨૩૧ વાર સુધીના આ બંગલોઝમાં તમારે તમારા કપડાં સિવાય કશું જ લઈને જવાની જરૂર નથી.
અહીં બધું જ હાજર છે. બે બેડરૂમ, લિવિંગ રૂમ, ડાયનિંગ સ્પેસ, આધુનિક કિચન, કિચન એકસેસરીઝ…. બધું એટલે બધું. બંગલો ધારકો માટે આ લેવિશ સોસાયટીમાં અનેક મૉડર્ન એમિનિટિઝ પણ છે જ. અહીં 25 હજાર સ્ક્વેર ફૂટનું લક્ઝરિયસ કલબ હાઉસ છે, ત્રણ લાખ મીટરનો સ્વિમિંગ પુલ, કિડ્ઝ પુલ, સ્ટીમ બાથ, સોના બાથ, જાકુઝી, ૪૦ સીટનું મીની થિયેટર, લાયબ્રેરી, સિનિયર સિટિઝન પાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓપન એર થિયેટર, એમ્ફી થિયેટર, જેવી અનેક વૈભવી એમિનિટિઝ છે. ઉપરાંત રેસ્ટોરાં, કુકિંગ સ્ટાફ, હાઉસ કીપિંગ, સિક્યુરિટી, સીસીટીવી વગેરે જેવી સગવડો તો ખરી જ. ‘ઝીબ્રાનો વૂડ’ના પ્રમોટર મહેન્દ્ર ફળદુ (કલ્પતરુ પ્રોપર્ટીઝ) કહે છે: “શહેરના ઉચ્ચ વર્ગોમાં હવે શોર્ટ વેકેશન કે વીક એન્ડમાં આવા વીક એન્ડ વિલામાં જવાનો ટ્રેન્ડ વધ્યો છે. અહીં લોકોને શાંતિ પણ મળી રહે છે અને લક્ઝરી પણ મળે છે.”
જો કે લક્ઝરીની વાત કરીએ તો આ જ ગ્રૂપના પ્રોજેક્ટ ‘એલીઝિયમ’ની તોલે ભાગ્યે જ કોઈ પ્રોજેક્ટ આવી શકે. આ પ્રોજેક્ટના આર્કિટેક્ટ છે, બ્રિટનની જગવિખ્યાત કંપની ‘લુઇસ એન્ડ હિકી’ એલ એન્ડ એચના નામે ઓળખાતી આ કંપની આ ક્ષેત્રે વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે. ૧૦૦ બંગલોઝનો આ પ્રોજેક્ટ કદાચ સૌરાષ્ટ્રનો સૌથી વૈભવી પ્રોજેક્ટ ગણી શકાય. અહીં બંગલો પણ અત્યંત સિલેકટેડ લોકોને જ અપાયા છે. આ પ્રોજેક્ટની જાહેરખબર બિલકુલ જ નથી કરવામાં આવી, તેનું કારણ પણ એ જ કે અહીં ચૂનંદા – પ્રતિષ્ઠિત લોકો જ આવે તેવું ડેવલપર્સ ઈચ્છે છે.
- Advertisement -
એલિઝિયમના બંગલોઝ રાજકોટના રિંગ રોડ-૧થી માત્ર નવ કિલોમીટર દૂર છે. અહીં પણ સ્વિમિંગ પુલ, જીમ, રેસ્ટોરાં, મીનીપ્લેક્સ, મલ્ટી પર્પઝ હોલ, ટેબલ ટેનિસ, કાર્ડ રૂમ, પુલ, વાઇફાઇ, લાયબ્રેરી, સ્પા, સ્ટિમ બાથ, આઉટડોર સ્પોર્ટ્સ, ડિસ્કોથેક, લેન્ડસ્કેપ ગાર્ડન, જોગિંગ ટ્રેક, ઝેન ગાર્ડન, ઝેન વોટર બોડી, ઇન્ડોર આઉટડોર ધ્યાન કેન્દ્ર, આધ્યાત્મિક શાંતિ કેન્દ્ર વગેરે છે. આ પ્રોજેક્ટ ‘ઝેન લિવિંગ’ની થીમ પર આધારિત છે. તેથી કેટલીક આધ્યાત્મિક બાબતો વણી લેવામાં આવી છે.
આ પ્રોજેક્ટમાં ૨૦૬થી ૨૬૦ વારના બંગલો છે. અને બંગલો પણ કેવા? ખુલ્લી જગ્યા વધુ તેમ છતાં ત્રણ બેડરૂમ, લિવિંગ રૂમ, ડાયનિંગ, કિચન. અને આ બધું પૂર્ણત: ફર્નીશ્ડ. અહીં એકદમ વૈભવશાળી કહેવાય એવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફર્નિચર છે. નોંધપાત્ર વાત એ છે કે’ વીક એન્ડ વિલા’ અથવા હોલીડે હોમ તરીકે ઓળખાતા આવા બંગલોઝમાં ઘણા લોકો કાયમ માટે પણ રહેવા આવી જતા હોય છે. ખાસ કરીને શહેરના ઘોંઘાટથી દૂર રહેવા ઈચ્છતા લોકો, નિવૃત્ત લોકો માટે આવા પ્રોજેક્ટ પર કાયમી વસવાટ એક પ્રકારે આશિર્વાદ જેવા છે. આમ તો ન્યારી ડેમ પાસેનો ‘પામ વિલા’ કે ‘બેલ્લે વિસ્ટા’ જેવા પ્રોજેક્ટ લગભગ દાયકા પહેલાં જ સફળ થઈ ચૂક્યા છે. આવા તો અર્ધો ડઝન પ્રોજેક્ટ્સ છે. પરંતુ આપણે અહીં નવા પ્રોજેક્ટ્સ વિશે વાત કરી રહ્યા છીએ.
શહેરના ખ્યાતનામ બિલ્ડર ગ્રુપ ગણાતા આર. કે. બિલ્ડર્સએ કાલાવડ રોડ પર છાપરા વિલેજ નજીક ‘આર.કે. એક્ઝોટિકા’ નામનો શાનદાર પ્રોજેક્ટ બનાવ્યો છે. અહીં ૮૪ વૈભવશાળી બંગલોઝ છે. ૧૪૩ વાર જગ્યા અને અલગ અલગ ત્રણ ઓપ્શનસ: ફર્નિચર વગર, સેમી ફર્નીશ્ડ અને ફુલ્લી ફર્નીશ્ડ. બધા જ બંગલોઝમાં ત્રણ બેડરૂમ ઉપરાંત અનેક એમિનિટિઝ પણ ખરી જ. કલબ હાઉસ, બેન્કવેટ હોલ, કાફેટેરિયા, સ્વિમિંગ પુલ, સ્ટીમ બાથ, જાકુઝી, સોના બાથ, પાર્ટી લોન, વૂડન ડેક, વોટર બોડીઝ જેવી અનેક સુખાકારી આર.કે. એક્ઝોટીકામાં ઉપલબ્ધ છે.
આર.કે ગૃપે માત્ર ‘વીક એન્ડ વિલા’ જ નહીં ‘વીક એન્ડ ફ્લેટ્સ’ પણ બનાવ્યા છે. રાજકોટના ન્યારી ડેમ સામે તેમણે ‘આર.કે. એલિગન્સ’ નામે ફ્લેટ્સ બનાવ્યા છે. અહીં દસ દસ માળના પાંચ ટાવર્સ છે. બે બેડરૂમના ફ્લેટ્સ. એલિગન્સમાં પણ વીક એન્ડ વ્યતીત કરવા આધુનિકતમ એમિનિટિઝ છે. અહીં જીમ છે અને સ્વિમિંગ પુલ પણ ખરો. ઇન્ડોર થિયેટર, પુલ ટેબલ, ટેબલ ટેનિસ, ઇન્ડોર રિક્રીએશન રૂમ, સિનિયર સિટીઝન ગઝેબો,નેટ ક્રિકેટ, ચિલ્ડ્રન પ્લે એરિયા જેવા અનેક આકર્ષણો પણ છે.
આજકાલનો આ નવો કનસેપ્ટ છે. રૂમ કદાચ નાના હશે તો ચાલશે, એમિનિટિઝ વગર નહીં ચાલે. રાજકોટથી દૂર કાલાવડ રોડ પર આવેલા દેવડા ગામે સ્થિત ‘ કેવલમ વેલી રિસોર્ટ ‘ નામના સુંદર – ભવ્ય પ્રોજેક્ટમાં ૧૭૩ આવા વૈભવશાળી બંગલોઝ છે. ૧૬૭ વારના આ બંગલોમાં ૨૭૦૦ ફૂટ આસપાસનું બાંધકામ છે. અહીં પણ ઉપર જણાવેલી લગભગ તમામ એમેનીટીઝ છે. સ્વિમિંગ પુલથી કલબ હાઉસ અને ગાર્ડનથી લઈને વોટર બોડીઝ. જમાનો ખરેખર બદલાયો છે, રાજકોટ પણ બદલાઇ ગયુ છે. હવે શનિ-રવિમાં બ્રેક લેવા એક વર્ગ પોતાના આવા હોલીડે હોમ તરફ જ ઉપડી જાય છે. અહીં વાત કરી એ પ્રોજેક્ટ્સમાં બંગલોની કિંમત લગભગ 37 લાખથી દોઢ કરોડ સુધીની છે. વર્ષે થોડાં વીક-એન્ડ પસાર કરવા આ કિંમત ધનવાન વર્ગને વધુ ન લાગે એ સ્વાભાવિક છે.