કિંજલ દવેના સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો સામે પાંચ પરગણા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોષીએ આપી પ્રતિક્રિયા
સાટા પ્રથા એક સામાજિક બંધારણ છે, એમાં કોઈ કાયદો લાગુ પડતો નથી : જનક જોષી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે. પોતાની જ્ઞાતિની બહાર સગાઈ કરવાને કારણે 14 ડિસેમ્બરે પાંચ પરગણા બ્રહ્મ સમાજે તેનો બહિષ્કાર કર્યો છે. જો કે તેની સામે કિંજલે ઋઇ પર એક વીડિયો પોસ્ટ કરી કહ્યું હતું કે, શું બે-ચાર અસામાજિક તત્વો લાઈફ પાર્ટનર નક્કી કરશે? આ વિવાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. કિંજલે સમાજ સામે બાંયો ચઢાવીને એક બાદ એક સવાલોનો વરસાદ કરી દીધો છે. તેણે કહ્યું કે, દીકરીઓની પાંખો કાપવાની વાતો છે, હું પણ સાટા પ્રથાની પીડિત છું. જેને પગલે અનેક જાણીતા ચહેરા સોશિયલ મીડિયા પર કિંજલની વાતને સપોર્ટમાં ઉતરી આવ્યા છે. ત્યારે આ સમગ્ર વિવાદ મામલે પાંચ પરગણા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોષીએ જણાવ્યું કે, કિંજલબેન દવેની માનસિકતા હલકી છે. સમાજને નીચો દેખાડવાનો પ્રયાસ કરશો નહીં. સગાઈ કરતા પહેલાં પરિવારને પણ જાણ કરી નહોતી. યુવક-યુવતી દ્વારા જીવન સાથી પસંદગીના અધિકાર અને આંતરજ્ઞાતિય લગ્ન કરવા બાબતે જનક જોષીએ જણાવ્યું કે, બીજા સમાજમાં લગ્ન કરવા એ ગુનો નથી પરંતુ દરેક સમાજનું એક બંધારણ હોય છે. આ ફક્ત બ્રહ્મ સમાજ માટેનું બંધારણ નથી. પાટીદાર સમાજ, ઠાકોર સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજમાં દરેક સમાજનું એક બંધારણ હોય છે. (અનુસંધાન પાના નં.11 ઉપર)
કિંજલબેનના પૈસાથી સમાજ તોલવામાં નથી આવતો’
કિંજલના આવા અસમાજિક તત્ત્વોને કોઈ 5000ના પગારે પણ કામે રાખે તેમ નથી તે નિવેદન પર કહ્યું કે, સમાજના અમુક લોકોને પગાર ના પણ મળતો હોય. કિંજલબેનના પપ્પા જ્યારે હીરા ઘસતા ત્યારે તેમની પરિસ્થિતિ કેવી હતી અને અત્યારે કેવી છે. સમય ગમે ત્યારે ગમે એનો બદલાઈ શકે છે એટલે કિંજલબેનને આવું ન કહેવું જોઈએ. કિંજલબેનના પૈસાથી સમાજ તોલવામાં નથી આવતો.
કિંજલ દવેએ ધ્રુવિન સાથે સગાઈ કરી ત્યારે પરિવારે પણ બહિષ્કાર કર્યો હતો’
કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી ત્યારે સમાજનું કે તમારું મંતવ્ય લીધું હતું કે કેમ? આ અંગે કહ્યું કે, સમાજના લોકોને જાણ કરવામાં આવી ન હતી મને ખબર છે ત્યાં સુધી એમના પરિવારમાં જાણ કરી હતી ત્યારે એમના પરિવારે પણ એનો બહિષ્કાર કર્યો હતો. પરિવારે પણ એવું જ જણાવ્યું હતું કે અમે સમાજની અંદર મોઢું બતાવવા લાયક નહીં રહીએ એટલે પરિવારે પણ એ જ સમયે બહિષ્કાર કર્યો હતો. કિંજલ દવેની સગાઈમાં લલિતભાઈના પિતા કે અન્ય કોઈ પરિવારજન ગયું નથી.
- Advertisement -
કિંજલ દવેએ સગાઈ પહેલા પરિવારને પણ જાણ કરી ન હોવાનો પણ કર્યો દાવો
આ વિવાદમાં કિંજલબેનને એકલાંને અમે ટાર્ગેટ કે વિરોધ કરીને નથી કર્યું. સમાજમાં નાના નાના માણસોને આ નિયમ લાગુ પડતા હોય છે. પરંતુ કિંજલ દવે એક સેલિબ્રિટી છે એટલે આ મુદ્દો ચર્ચામાં છે.
સમાજમાં પ્રવર્તતી સાટા પ્રથા અંગે કહ્યું કે, સાટા પ્રથા એક સામાજિક બંધારણ છે. એમાં કોઈ કાયદો લાગુ પડતો નથી. કેમકે અમારા સમાજમાં સાટા પ્રથાથી પણ સગાઈ થાય છે અને સાટા પ્રથા વગર પણ સગાઈ થાય છે. કિંજલ દવેએ કરેલી દીકરીઓની પાંખો કાપવાની વાત પર કહે છે કે, જો સમાજે એમની પાંખો કાપવાની વાત કરી હોત તો કિંજલબેન આટલા ઊંચે સુધી કેવી રીતે પહોંચી શક્યા હોત. કિંજલબેનને અમારી એટલી જ વિનંતી છે કે સમાજને નીચો દેખાડવાની કોશિશ ન કરશો. તમારા સમાજે તમારી પાંખોને બાંધી છે. છેલ્લા છ સાત વર્ષથી તેઓ સિંગિંગના ફિલ્ડમાં છે છતાં સમાજે ક્યારેય પણ એમના વિરોધમાં જઈને કોઈપણ જાતનું પોસ્ટ કે કંઈ જ કર્યું નથી. સમાજમાંથી બહિષ્કાર કરવાથી સામેની વ્યક્તિ પર શું અસર થાય? જેના જવાબમાં કહે છે કે, પરીવારનો જ્યારે બહિષ્કાર કરવામાં આવે ત્યારે લગ્ન પ્રસંગ હોય કે કોઈ મરણ પ્રસંગમાં સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે. કોઈ સારા ભલા પ્રસંગમાં તેઓને નિમંત્રણ આપવામાં આવતું નથી. કિંજલબેન અત્યારે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. તમે કદાચ પોસ્ટર વાંચ્યું હશે તો તમને ખ્યાલ હશે કે આ બહિષ્કાર ફક્ત કિંજલબેન માટે નથી. એમના પિતા લલિતભાઈ દવે અને પ્રહલાદભાઈ વશરામભાઈ જોષીને પણ લાગુ પડ્યો છે.
સમાજે એમનો બહિષ્કાર કર્યો છે, કોઈ એક વ્યક્તિએ નથી કર્યો’
કિંજલ દ્વારા સમાજના આગેવાનોને અસમાજિક તત્વોના શબ્દ પ્રયોગ પર કહ્યું કે,સમાજના જ લોકોને કિંજલબેન અસામાજિક તત્વો કહેતા હોય તો તે તેમના સંસ્કાર છે અને એમના સંસ્કાર એમને મુબારક છે. સમાજે કિંજલબેન કે એમના પિતા કે એમના પરિવાર અંગે ક્યારેય કોઈ ટિપ્પણી કરી નથી. સમાજે એમનો બહિષ્કાર કર્યો છે કોઈ એક વ્યક્તિએ નથી કર્યો અને કિંજલબેનને ટાર્ગેટ કરીને આ બહિષ્કાર કરવામાં નથી આવ્યો. કિંજલબેન માટે કોઈ નવો કાયદો લાગુ કરવામાં નથી આવ્યો. કિંજલબેન પાંચ પરગણા બ્રહ્મ સમાજમાંથી આવે છે તો આ નિયમ કિંજલબેનને પણ લાગુ પડવો જોઈએ. આ નિર્ણય પર સમાજમાંથી મળેલા સમર્થન અંગે કહ્યું કે, શિહોરી ખાતે 2000 લોકોની મિટિંગ મળી હતી. એ મિટિંગમાં સમાજના યુવાનો વડીલો અને આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ એક વ્યક્તિ દ્વારા કિંજલબેનને ટાર્ગેટ કરવામાં નથી આવ્યા. નિયમ સમાજના દરેક વ્યક્તિને લાગુ પડે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બ્રહ્મલીન આનંદ પ્રકાશ બાપુએ બંધારણ બનાવ્યું છે’
સમાજ દ્વારા લાઇફ પાર્ટનર નક્કી કરવા અંગે કહ્યું કે, સમાજ લાઈફ પાર્ટનર નક્કી ન કરી શકે. અમારા પરમ પૂજ્ય બ્રહ્મલીન આનંદ પ્રકાશ બાપુએ બંધારણ બનાવ્યું છે અને એ બંધારણનો નિયમ છે કે, પર સમાજમાં લગ્ન કરવા એ અમારા માટે ગુનો છે. આપણે અન્ય સમાજની દીકરી લાવવી નહીં અને અન્ય સમાજમાં દીકરી આપવી નહીં. સમાજ ઠેકેદાર નથી પરંતુ તેઓ બ્રહ્મ સમાજ લખાવે છે તો શા માટે લખાવે છે? સમાજ ભગવાન બરાબર કહેવાય છે તો સમાજના નિયમો એમણે માનવા જોઈએ.
‘પર સમાજમાં લગ્ન કરવા એ અમારા સમાજ માટે ગુનો છે’
સમાજમાંથી બહાર કાઢવા પાછળનો ઉદ્દેશ્ અંગે પાંચ પરગણા સમાજના ઉપપ્રમુખ કહે છે કે, પર સમાજમાં લગ્ન કરવા એ અમારા સમાજ માટે ગુનો છે. કિંજલબેનના પરિવારને કોઈ પણ જાતની ધાક ધમકી એમના પરિવારનું કાળું મોઢું કરવું એવી કોઈપણ પ્રકારની સમાજની ભાવના નથી. પરંતુ એમણે પર સમાજની અંદર લગ્ન કરવાનું નિર્ણય લીધો હોવાથી સમાજે તેમના પરિવારનો બહિષ્કાર કર્યો છે.
કિંજલ દવેના પિતા હીરાઘસુ હતા
કિંજલના પિતા લલિત દવે હીરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા અને તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું અને પછી કિંજલ આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ હતી.



