નેશનલ હાઈવે પર દબાણ હોવાનું જણાવી મામલતદારે માર્ગ મકાન પર ટોપલો ઢોળ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર રોડ પર રાજસીતાપુર ગામ નજીક પાંચ પીરની દરગાહ સામે આવેલી સરકારી જમીન પર ભૂમાફિયા દ્વારા કિંમતી જમીન પચાવી પાડવાનો કીમિયો ઘડ્યો છે. જેમાં ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ રાજસીતાપુર ગામ નજીક પાંચ પીરની દરગાહ સામે આવેલી સોનાની લગડી માફક કિંમતી જમીનને ગામના પૂર્વ સરપંચ અને તાત્કાલિક મહિલા તલાટી દ્વારા આકારણીમાં ફિટ કરી બાદમાં સરકારી જમીન પર પાક્કું બાંધકામ કરી નાખ્યું હતું અને દુકાનોને બરોબર વેચી મારી હતી આ સાથે ગેરકાયદેસર પાક્કું બાંધકામ કરેલ દુકાનોની પાછળ મોબાઈલ ટાવર ફિટ કરી દર મહિને 20થી 25 હજાર રૂપિયાનું ભાડું પણ વસૂલાય છે. ત્યારે આ જમીનને હડપ કરવા માટે બોગસ દસ્તાવેજ પણ ઊભો કરાયો હતો જેમાં દસ્તાવેજમાં કોઈપણ પ્રકારના સર્વે નંબર વગર સરકારી જમીન ગામની બહાર હાઇવે પર હોવા છતાં આ જમીન ગામતળમાં હોવાનું દર્શાવી આકારણી નંબર થકી દસ્તાવેજ પણ ઊભો કરી નાખવામાં આવ્યો છે. આ અંગે ખાસ ખબરના અહેવાલ બાદ પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપતા મામલતદાર દ્વારા ગેરકાયદેસર દુકાનદારોને જમીન પર બાંધકામ અંગે પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારી હતી જે બાદ સમય મર્યાદામાં મામલતદાર સમક્ષ ભૂમાફિયા દ્વારા બોગસ દસ્તાવેજ પણ રજૂ કરી દેવામાં આવ્યો હતો. જે દસ્તાવેજને જોતા જ કિંમતી સરકારી જમીનને હડપ કરવાનું કૌભાંડ હોવાનું સ્પષ્ટ થયું છે.
- Advertisement -
ત્યારે બોગસ દસ્તાવેજ રજૂ થયાને આશરે એકાદ મહિના જેટલો સમય થવા આવ્યો પરંતુ હજુ સુધી સ્થાનિક મામલતદાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જે અંગે મામલતદાર દ્વારા જણાવ્યું હતું કે પાક્કા બાંધકામો કેટલોક હિસ્સો નેશનલ હાઈવે પર દબાણ હોવાથી માર્ગ મકાન વિભાગને લેખિત જાણ કરી છે તેમ જણાવ્યું હતું પરંતુ મોટાભાગનું બાંધકામ તો સરકારી પડતર જમીન પર હોવાનું જાણવા છતાં મામલતદાર માર્ગ મકાન વિભાગ કાર્યવાહી કરે તેની વાત જોઈને બેઠા છે. એટલે કે મામલતદારને મોટાભાગનું ગેરકાયદેસર બાંધકામ સરકારી જમીન પર હોવા છતાં તેને હટાવવામાં રસ નથી અને માર્ગ મકાન વિભાગની કામગીરીની વાત જોઈને બેઠા છે જે પ્રકારે મામલતદાર કાર્યવાહીથી અળગા રહે છે તે જ પ્રકારે માર્ગ મકાન વિભાગના અધિકારી પણ મામલતદાર દબાણ હટાવે તેની રાહમાં છે આ બંને અધિકારીઓ વચ્ચે સરકારી જમીન પર દબાણ આજેય યથાવત જોવા મળે છે અને બંને અધિકારીઓ એકબીજાને સાથે ખો – ખોની રમત રમતા જોવા મળે છે .



