શ્વાનોએ અઢી મહિનામાં 2264 લોકોને બચકા ભરીને હોસ્પિટલ ભેગા કર્યા !
રખડતા ઢોરથી કંટાળેલા લોકોને કમ સે કમ કૂતરાંઓના ત્રાસમાંથી પણ તંત્ર છુટકારો નથી અપાવી શકતું !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના મુખ્ય માર્ગોથી લઈ શેરી ગલીઓમાં તેમજ નેશનલ હાઇવે પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા રહે છે. તંત્ર ભલે રખડતા પશુઓ પકડવામાં આવતા હોવાનો દાવો કરતું હોય પણ સાચી પરિસ્થિતિ તો એ છે કે રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. પાંજરાપોળ કે ખાસ બનાવાયેલી ગૌશાળામાં ગણ્યાંગાંઠ્યા જ પશુઓનો નિભાવ થઇ રહ્યો છે. જીલ્લાવાસીઓને તંત્ર હજુ રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્ત નથી કરાવી શક્યું ત્યાં હવે રખડતા શ્વાનોએ હાહાકાર મચાવી દીધો છે. ખાસ કરીને મોરબી જીલ્લામાં છેલ્લા અઢી મહિનામાં 2264 જેટલા લોકોને શ્વાનોએ બચકાં ભરી લેતા ભારે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.
ખાટલે મોટી ખોટ તો એ છે કે, મોરબી જીલ્લામાં ક્યાંય પણ શ્વાન પકડવાની કામગીરી થતી જ નથી, એક પણ નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં આ કામ થતું જ નથી. આથી રખડતા શ્વાનોની બેરહેમી લોકોએ સહેવી પડી રહી છે. મોરબી શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ લોકોને કૂતરા કરડવાના બનાવ સામે આવ્યા છે. રખડતા કૂતરાના કરડવાથી ઈજા પહોંચેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. અઢી મહિનામાં કેટલાં લોકોને કૂતરાએ બચકા ભર્યાં તે અંગે સ્થિતિ જોઈએ તો સૌથી વધુ જુલાઈ મહિનામાં 1120 લોકોને કૂતરાઓએ બચકા ભર્યા હતા તો ઓગસ્ટ મહીનામાં 708 લોકો આ રખડતા કૂતરાની હડફેટમાં આવી ગયા હતા અને સપ્ટેમ્બરમાં 436 લોકોને શ્વાનોએ બટકાં ભરી લઈ હોસ્પિટલ દોડાવ્યા હતા. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા કૂતરા કરડવાના બનાવને અટકાવવા રખડતા કૂતરાઓને પકડી જવા તેમજ રસ્તે રખડતા કૂતરાની વધતી વસ્તી અટકાવવા વહેલી તકે ખસીકરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે.