રાજ માર્કેટિંગના ગીરીરાજસિંહ સોઢા ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી પાસે કહેવાતા આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ!
આયુર્વેદિક સીરપના નામે વેંચાતી બોટલમાં ભર્યો છે નર્યો દારૂ
જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા વગેરે નામથી વેંચાય-પીવાય છે આયુર્વેદિક સીરપના નામે દારૂ
આલ્કોહોલવાળી દવા અને પીણાં બજારમાં સરળતાથી મળી આવે છે તો સવાલ એ છે કે આવા નશીલા પદાર્થો પાનની દુકાને વેંચી શકાય?
કાલાવાડરોડ પર સન્ની પાજી કા ઢાબાની બાજુમાં આવેલી અપના અડ્ડા રેસ્ટોરન્ટ, હંસરાજનગર પુલ ચઢતા બાલાજી પાન, પારેવડીચોકમાં ગાત્રાળ ડિલક્સમાં વેંચાય છે દવાના નામે દારૂ
જામનગર રોડ પર શિવશક્તિ હોટેલ સામે આવેલી જય દ્વારકાધીશ હોટેલમાં પણ વેંચાય છે આયુર્વેદિક સીરપ
રાજકોટનાં ઔદ્યોગિક વિસ્તારોમાં પાનની દુકાને રૂ. 130થી 150, 180 વેંચાતી આયુર્વેદિક સીરપ હોલસેલમાં રૂ. 80 વેચાય છે!
‘ખાસ-ખબર’ ટીમ દ્વારા રૈયારોડ પર આવેલી મનમંદિર અને જયઅંબે પાનહાઉસ તથા શાપરમાં આવેલી શિવશક્તિ અને ક્રિષ્ના ડિલક્ષ પાનની દુકાનોમાં વેંચવામાં આવતા ગેરકાયદે આયુર્વેદિક પીણાના નામે વેંચાતા દારૂનું સ્ટિંગ ઓપરેશન જોવા અહીં ક્લિક કરો
https://www.youtube.com/watch?v=qOvelkcGc_A&t=1s
ગુજરાતમાં નશાબંધીના આકરા અમલ માટે ગૃહવિભાગ કડક બન્યું છે તો નશો વધુ ખતરનાક અને સુરક્ષિત બન્યો છે! વાત વિચિત્ર છે, પરંતુ વાસ્તવિક છે. હાલ રાજ્યમાં કડક નશાબંધી છે, જો કે નશાના વેપારીઓ અને શોખીનો કોઈપણ રીતે નશાના વેંચાણ અને સેવનનો રસ્તો શોધી લેતા હોય છે. આજકાલ નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા નફ્ફટો અને નશેડીઓ માટે આયુર્વેદિક સીરપ અમૃત સમાન પીણું બની ગયું છે. હાલ રાજકોટમાં પાનની દુકાનોમાં આયુર્વેદિક દવાના ઓઠા હેઠળ નશાકારક સીરપનું વેંચાણ થતું હોવાનું સામે આવ્યું છે. ખાસ-ખબરે રાજકોટમાં આવેલા વિવિધ પાનના ગલ્લાનું સ્ટિંગ ઓપરેશન કરી 11થી 15% જેટલા આલ્કોહોલયુક્ત આયુર્વેદીક સીરપના ગેરકાયદે ખરીદ-વેંચાણનો પર્દાફાશ કર્યો છે.
- Advertisement -
ખાસ-ખબરની ટિમ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં રાજકોટમાં પાનની દુકાને-દુકાને થઈ રહેલા નશાના આયુર્વેદિક’ કારોબાર અંગે ચોંકવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ વિગત મુજબ રાજકોટમાં આવેલી વિવિધ પાનની દુકાનોમાં, ખાસ કરીને શાપર-વેરાવળ, મેટોડા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી પાનની દુકાનોમાં જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા સહિત 18 જેટલી જુદીજુદી બ્રાન્ડ-નેમથી આયુર્વેદિક સીરપના નામે દારૂ વેંચાય-પીવાય છે. આ કહેવાતી આયુર્વેદિક સીરપની બોટલ રૂ. 130થી 150, 180ના ભાવે વેચાય છે, જેની હોલસેલ કિંમત રૂ. 80 આસપાસ છે. આ આયુર્વેદિક સીરપ ગેરકાયદે પાનની દુકાનો પર વેંચાય છે એટલે તેનો ઉપયોગ પણ ગેરકાયદે થઈ રહ્યો છે. મેડિકલ સ્ટોરના બદલે પાનની દુકાનમાં આયુર્વેદિક પીણાનું ખરીદ-વેંચાણ ગેરકાનૂની છે છતાં પણ બેરોકટોક આયુર્વેદદિક સીરપના નામે દારૂની હેરફેર થઈ રહી છે. ખાસ-ખબરે જ્યારે પાનની દુકાનોમાં મળતા આયુર્વેદિક સીરપ અંગે વધુ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે, રાજકોટની વિવિધ પાનની દુકાનોમાં આયુર્વેદિક સીરપનો જથ્થો રાજ માર્કેટિંગ નામની એજન્સી પૂરી પાડે છે. રાજ માર્કેટિંગ નામની એજન્સીના ગીરીરાજસિંહ સોઢા નામની વ્યક્તિ આયુર્વેદિક સીરપ પાનની દુકાનો સુધી પહોચાડે છે જેની પાસે આ આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે. આ ઉપરાંત મકા ભરવાડ અને કનુ ગઢવી નામની વ્યક્તિ પાસે પણ આ આયુર્વેદિક સીરપની ડિસ્ટ્રીબ્યુટરશીપ રહેલી છે. નોંધનીય બાબત એ છે કે, આયુર્વેદિક સીરપના ડિસ્ટ્રીબ્યુટરો શું પાનની દુકાને આલ્કોહોલવાળી દવા અને પીણાં આપી શકે? અને આવા નશીલા પદાર્થો પાનની દુકાને વેંચી શકાય? નશાના આ કાળા કારોબારમાં ડ્રગ્સ અને ફૂડ વિભાગની સંડોવણી હોવાનું પણ માલૂમ પડી રહ્યું છે જેની ખાસ-ખબર દ્વારા તપાસ ચાલુ છે.

શું આ આયુર્વેદિક દવા દારૂનો ઓપ્શન બની શકે?
આ સવાલનો જવાબ છે હા. પાનની દુકાનોમાં મળતા આયુર્વેદિક સીરપની બોટલ પર છપાયેલું પિસ્ક્રિપ્શન જણાવે છે કે બોટલમાં 11થી 15% આલ્કોહોલ છે! જે દારૂના બેથી ત્રણ પેગ જ કહી શકાય. નશાના બંધાણીઓ આ આયુર્વેદિક સીરપનો ઉપયોગ દારૂ તરીકે કરતા થઈ ગયા છે. કારણ છે, વિવિધ બ્રાંડ અને નેમથી વેંચાતી-પીવાતી આયુર્વેદિક સીરપમાં બીયરથી વધુ અને દારૂના પ્રમાણમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે. વળી, આ પીણું સાથે હોય કે પીધું હોય તો પણ પોલીસ પકડતી નથી! આમ, રાજ્યમાં ખુલ્લેઆમ આલ્કોહોલિક પીણું દારૂ તરીકે વેચાઈ રહ્યું છે અને પીવાઈ રહ્યું છે.
- Advertisement -
આ સીરપમાં કેટલાં ટકા આલ્કોહોલ? કેટલો ભાવ?
આયુર્વેદિક સીરપની વિવિધ બ્રાન્ડની બોટલ ઉપર જ તેમાં રહેલું આલ્કોહોલનું પ્રમાણ લખવામાં આવે છે. અલગ-અલગ બ્રાન્ડ મુજબ 300 MLની બોટલમાં આલ્કોહોલનું પ્રમાણ 11%થી લઈને 15% જેટલું હોય છે જે કોઈપણ આલ્કોહોલિક બિયરની બોટલમાં રહેલા આલ્કોહોલ કરતા બે ગણું વધારે હોય છે, 300, 375, 400, 525 MLની મળતી એક બોટલ પીવાથી દારૂ કરતા વધારે નશો આવે છે. આ બોટલની કિંમત 130 રૂ.થી લઈ 150 રૂ., 180 રૂ. છે.
ગૃહમંત્રી આયુર્વેદિક સીરપના નામે દારૂ વેંચનારા પર ધોંસ બોલાવે તે જરૂરી

ગુજરાતના યુવા અને યશસ્વી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નશાના કાળા કારોબાર પર સકંજો કસ્યો છે. વર્તમાન સરકારમાં નશાની હેરફેર કરનારાઓ જેલના સળિયા ગણતા થઈ ગયા છે. પોલીસ વિભાગે ડ્રગ્સનો વિક્રમજનક જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીજીએ રાજકોટમાં આયુર્વેદિક સીરપના નામે ખુલ્લેઆમ દારૂ વેંચતા-ખરીદતા વેપારીઓ પર ઘોંસ બોલાવવાની જરૂર છે. હકીકતમાં આયુર્વેદિક સીરપના નામે વેંચાતી બોટલમાં કોઈ દવા નહીં પરંતુ આયુર્વેદિક સીરપના નામે વેંચાતી બોટલમાં દવાની જગ્યાએ નર્યો દારૂ ભર્યો છે. દરરોજ પાનની દુકાનો પરથી આવી હજારો બોટલો વેંચાય, ખરીદાય અને પીવાય છે. અત્યંત હલકી કક્ષાના આ આયુર્વેદિક સીરપના સેવનથી એક બોટલ દારૂ પીધા જેટલો નશો થાય છે આ ઉપરાંત શરીર-સ્વાથ્ય માટે પણ કહેવાતું આયુર્વેદિક સીરપ હાનિકારક છે તેથી રાજ્યનું ગૃહવિભાગ તથા રાજકોટનું પોલીસતંત્ર ગેરકાયદે નશાયુક્ત પીણાના વેંચાણ સાથે સંકાળાયેલા તમામ પર ઘોંસ બોલાવે એ અત્યંત જરૂરી અને સમાજના હિતમાં છે.



