રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું તાજેતાજું કૌભાંડ
60 વર્ષથી જે સ્કૂલ બિલ્ડિંગો પર કબ્જો હતો તેનાં દસ કેસ તંત્ર દોઢ વર્ષમાં હારી ગયું!
- Advertisement -
એક જ પદ્ધતિથી કેસ હારી રહેલાં સમિતિના વકીલથી ચેરમેન-શાસનાધિકારી ખુશ કેમ?
અતુલ પંડિતની જેમ વિક્રમ પૂજારા પણ શું ઘરભેગા થશે? કિરીટ પરમાર ‘સાગઠિયા પાર્ટ-2’ હોવાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
- Advertisement -
કરોડોની કિંમતની મિલકતો પરત આપવામાં લાખ્ખો રૂપિયાનું આચરવામાં આવતું વ્યવસ્થિત કૌભાડ આચરાયાની શંકા જાય તેવી હરકતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી દ્વારા ચાલી રહી હોવાનો આક્ષેપ સૂત્રો કરી રહ્યા છે. રાજકોટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અનેક શાળાઓ માટે બિલ્ડિંગ – મોટાં મકાન ભાડે રાખવામાં આવ્યા છે. આમાંથી અનેક શાળાઓ સંખ્યાને કારણે કે અન્ય કારણોસર બંધ થઈ ગઈ છે, તેમનાં માલિકોને દસ-વિસ કે પચાસ-સો કે પાંચસો રૂપિયા જેવું ભાડું માંડ મળે છે અને સમિતિ વર્ષોથી આ જગ્યાઓ પરત કરતી નથી.
આ જગ્યાઓ પરત થવી જ જોઈએ પરંતુ એમાંની સિલેકટેડ મિલકતો જે રીતે પાછી આપવામાં આવી રહી છે – તે શંકાસ્પદ છે અને તેમાંથી કરોડોના સંભવિત કૌભાંડની ગંધ આવી રહી છે. નવાઈની વાત એ છે કે, છેલ્લાં દોઢેક વર્ષના સમયગાળામાં સમિતિએ દસેક જેટલી સ્કૂલ મૂળ માલિકને પરત કરી છે. કેમ કે, એક જ પેટર્નથી કોર્પોરેશનના વકીલ સતત કેસ હારી રહ્યા છે. સવાલ એ છે કે, જો વકીલ આવી રીતે એક પછી એક કેસ હારી રહ્યા હોય તો તેમને વકીલ તરીકે ચાલું શા માટે રખાય છે? શું તેમને કેસ હારી જવા માટે સૂચના અપાઈ છે? જો આવો ઓર્ડર અપાયો હોય તો – એ કોણે આપ્યો છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા અત્યંત જરૂરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ મસમોટા કૌભાંડમાં કલાર્કોથી લઇ મોટા અધિકારીઓ સુધી દરેકની મીલીભગત અને ભાગ બટાઈ થઈ છે. આ આક્ષેપોની ખરાઈ કરવાનું કામ મ્યુનિસિપલ કમિશનરનું છે.
સવાલ એ પણ છે કે, શું છખઈ કમિશનર, લીગલ વિભાગ પણ આ બાબતથી અજાણ છે? કે ખામોશીનું કારણ કશુંક અલગ જ છે? 60 વર્ષથી ભાડે રખાયેલી 15થી 18 ભાડાની શાળાઓ વાળામકાનનો કબ્જો કોર્પોરેશન પાસે હતો અને તેમાંથી 9થી 10 ભાડાની શાળાઓ વાળા મકાનનો કબજો માત્ર 1.5 વર્ષ જેવા નજીવા સમયમાં જ ઉતાવળે પરત આપવામાં આવ્યો એ બાબત જ અનેક શંકાઓને જન્મ આપે છે. આ તમામ ભાડુઆતો દસકાઓથી પોતાની મિલકતો પરત મેળવવા ઝઝૂમતા હતા. એ સમયે શિક્ષણ સમિતિ આ સ્કૂલો પરત કરતી ન હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અન્ય મકાનો પરત આપવા માટે પણ તખ્તો ગોઠવાઇ રહ્યો છે. શિક્ષણ સમિતિના ચેરમેન – શાસનાધિકારીની વ્યવસ્થિત કાયદાની છટકબારીઓથી ગોઠવવામાં આવતા કૌભાંડ પ્રત્યે શહેરના – ભાજપના ખમતીધર નેતાઓ શા માટે આંખ મિચામણા કરે છે, એ પ્રશ્ર્ન લોકોને બહુ સતાવે છે.
ચેરમેન વિક્રમ પૂજારાના ટેબલ પર હજુ 3 ફાઈલ
સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હજુ વધુ ત્રણ સ્કૂલો પરત આપવા માટેની ફાઈલ ચેરમેન વિક્રમ પૂજારાના ટેબલ પર વીસેક દિવસથી પડી છે. કોઈ રહસ્યમય કારણોસર તેમણે આ ફાઈલ અટકાવી રાખી હોવાની ચર્ચા છે. આ આખા કાંડમાં ઊંડા ઉતરવામાં આવે તો સાગઠિયા જેવું જ પ્રકરણ ખૂલી શકે છે.
શિક્ષણ સમિતિના ખેપાની કલાર્કએ ખેલ્યો ખેલ
શાળાઓ પરત સોંપવાની આ રહસ્યમય પ્રવૃત્તિ અને તેના કાગળીયા તૈયાર કરવામાં શિક્ષણ સમિતિના એક રીઢા કલાર્કની ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ખાઈબદેલો કલાર્ક મહાચાલુ નોટ છે અને અંડાકંડા કરવા નિપૂણ છે.
ઠરાવનો અમલ ન કરવો પડે એ માટે બારોબાર સેટિંગ?
વિજય નેહરા જ્યારે કમિશનર હતા અને રક્ષાબેન બોળીયા મેયર હતા ત્યારે જનરલ બોર્ડનો ઠરાવ છે કે નવી જંત્રી મુજબની કિંમતના 33% પાઘડી છખઈ માં ભરપાઈ કરીને જ સ્કૂલના મકાન પરત આપવાના. પરંતુ બારોબાર ગોઠવણ કરી સ્કૂલો આપી દેવામાં આવતી હોવાની ચર્ચા ચારેકોર છે. આમ તો પાઘડીની આ પ્રથા પણ ખોટી જ છે. સરકારી બોડી પણ હરામના પૈસા ખાવા માંડે તો સામાન્ય લોકોનો શો વાંક?