ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈએે ઈઝરાયલના હુમલા પર પોતાનું પહેલું નિવેદન આપ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ ઈરાન, તા.28
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેઈએ શનિવારે ઈઝરાયલના હુમલા પર પોતાનું પહેલું નિવેદન આપ્યું હતું. સમાચાર એજન્સી એપી અનુસાર, ખામેનેઈએ કહ્યું કે, ઈઝરાયલને ઈરાન અને તેના યુવાનોની તાકાત સમજાવવી જરૂરી છે. ખામેનેઈએ કહ્યું કે, ઈઝરાયલના હુમલાને ન તો અતિશયોક્તિ કરવી જોઇએ અને ન તો ઓછી આંકવી જોઇએ. તે અધિકારીઓ પર નિર્ભર કરે છે કે તેઓ ઈરાની લોકોનો સંદેશ ઈઝરાયલ સુધી કેવી રીતે પહોંચાડે છે. અધિકારીઓએ એવા પગલા લેવા જોઈએ જે દેશના હિતમાં હોય. બીજી તરફ ઈરાનના અધિકારીઓએ પણ કહ્યું છે કે તેમની પાસે ઈઝરાયલના હુમલાનો જવાબ આપવાનો અધિકાર છે. જો કે, ઈરાની સૈન્ય પહેલાથી જ કહી ચૂક્યું છે કે ગાઝા અને લેબનનમાં યુદ્ધવિરામ કોઈપણ જવાબી હુમલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. ઈરાનના સુપ્રીમ લીડર રવિવારે ઈઝરાયલી હુમલામાં માર્યા ગયેલા સુરક્ષાકર્મીઓના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેઓ મૃતકના પરિવારજનોને મળ્યા હતા. જેરુસલેમ પોસ્ટ અનુસાર ઈરાન પર હુમલો કરવા માટે ઈઝરાયલે 100થી વધુ ફાઈટર જેટ્સનો ઉપયોગ કર્યો હતો. હુમલામાં ઋ-35નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
ઈઝરાયલે સીરિયામાં રડાર લક્ષ્યો પર પ્રારંભિક હુમલો કર્યો. આ પછી ઈરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર પર હુમલો કરવામાં આવ્યો. ઈઝરાયલે 25 દિવસ પછી શનિવારની વહેલી સવારે ઈરાનના હુમલાનો જવાબ આપ્યો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર 3 કલાકમાં 20 ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં મિસાઇલ ફેક્ટરીઓ અને લશ્ર્કરી થાણાઓનો સમાવેશ થાય છે. તેહરાનના ’ઇમામ ખુમૈની ઇન્ટરનેશનલ એરપોર્ટ’ પાસે પણ હુમલો થયો હતો. આ હુમલા સ્થાનિક સમય મુજબ સવારે 2:15 વાગ્યે શરૂૂ થયા અને સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહ્યા. અમેરિકાએ ઈરાનને ઈઝરાયલના હુમલાનો જવાબ ન આપવાની અપીલ કરી છે. બીબીસી અનુસાર, અમેરિકન અધિકારીએ એક નિવેદનમાં કહ્યું કે જો ઈરાન ફરી એકવાર હુમલો કરવાનું નક્કી કરે છે તો અમે તેના માટે તૈયાર છીએ. ઈરાનને ફરી એકવાર પરિણામનો સામનો કરવો પડશે અને અમેરિકા એવું જોવા નથી માંગતું. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ઈઝરાયલ અને ઈરાને હવે એકબીજા પર હુમલો કરવાનું બંધ કરવું જોઈએ. અમેરિકા લેબનન અને ગાઝામાં યુદ્ધવિરામનો પ્રયાસ કરવા તૈયાર છે. આ સાથે તે ઈઝરાયલથી બંધક બનાવવામાં આવેલા લોકોને પરત પણ માંગે છે. ઈરાને 1 ઓક્ટોબરે ઈઝરાયલ પર 180 મિસાઈલોથી હુમલો કર્યો હતો. રાત્રે 10 વાગ્યે શરૂ થયેલા ઈરાની હુમલા લગભગ 30 મિનિટ સુધી ચાલ્યા હતા. હુમલા બાદ ઈરાને કહ્યું હતું કે, નસરાલ્લાહની શહાદતનો આ પહેલો બદલો છે. આ તો માત્ર શરૂઆત છે. હુમલા બાદ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે, ઈઝરાયલે હુમલાનું પરિણામ ભોગવવું પડશે. ઈરાને આ પહેલા એપ્રિલમાં ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ઈરાન તરફથી સેંકડો મિસાઈલ અને ડ્રોન છોડવામાં આવ્યા હતા.