ખંભાત હિંસા વખતે પાકિસ્તાનના પણ કેટલાંક સોશિયલ મીડિયા હેન્ડલ સક્રિય હતાં
રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારામાં પોલીસ જવાનો સહિત 15થી વધુને ઈજા અને એકનું મોત થયું હતું.
આણંદ જિલ્લાના સંવેદનશીલ તાલુકા ખંભાતમાં રવિવારે (10 એપ્રિલ) બપોરે રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો. બંને ટોળાંમાંથી સામસામો પથ્થરમારો થતાં અને કેટલાંક તોફાની તત્ત્વોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બે દુકાન અને બે ચપ્પલની લારી, એક મકાનમાં આગચંપી, તોડફોડ કરતાં સમગ્ર શહેરમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. બનાવને પગલે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાંને કાબૂમાં લેવા પાંચ ટિયરગેસના શેલ છોડ્યા હતા. સમગ્ર બનાવમાં પોલીસ જવાનો સહિત પંદરથી વધુ લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે એકનું મોત નીપજ્યું હતું. આ હિંસામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે: રેન્જ આઇજી
ખંભાતમાં હિંસા સમયે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ સક્રિય હતા, જેના સ્ક્રીનશોટ પણ વાઇરલ થયા છે. જેથી પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે. આ અંગે અમદાવાદ રેન્જ આઈ.જી વી.ચંદ્રશેખરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ આ બાબતે કંઈ ક્ધફર્મ કહી શકાય નહીં, પણ તપાસ કરવામાં આવશે.
- Advertisement -
3 મૌલવી અને અન્ય બે શખસે આ ષડયંત્ર ઘડ્યું હતું
આ મામલે પોલીસના જણાવ્યા પ્રમાણે, રામનવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ હિંસામાં 3 મૌલવી અને અન્ય બે શખસે આ ષડયંત્ર ઘડ્યું હતું. આ ષડયંત્રને પાર પાડવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા.
ખંભાત હિંસા મામલે મુખ્યમંત્રી-ગૃહમંત્રી સંઘવીની સમીક્ષા બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હીંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી ઘટનાઓની સમીક્ષા માટે ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજી હતી. રાજ્યની શાંતિ, સલામતિ અને સામાજીક સમરસતાને ખલેલ પહોચાડવાના પ્રયાસો, આ બે સ્થળોએ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવ્યા છે, તેને ગંભીરતાથી લઇ ગૃહ વિભાગે અને પોલીસ તંત્રએ ઘટનાઓમાં સંડોવાયેલી વ્યક્તિઓ સામે સખત પગલા ભરવાની કાર્યવાહી કરી દીધી છે, તેમ આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ મુખ્યમંત્રીને માહિતગાર કરતાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અને ગૃહ વિભાગને સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત શાંત, સલામત સુરક્ષિત અને વિકસીત રાજ્ય તરીકે દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે, તેને જાળવી રાખવા પોલીસ તંત્ર સમાજ જીવનની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડકાઇથી પેશ આવે.


